Google Payથી કરો મોબાઈલ ફોન રિચાર્જ? આવી ગયા મહત્ત્વના સમાચાર…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનથી રસ્તા પર બેસીને શાકભાજી વેચતાં ફેરિયાથી લઈને મોટા મોટા શોરૂમમાં હજારો લાખો રૂપિયાની વસ્તુઓ વેચનારા દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી કનેક્ટ કરી દીધા છે.
આપણે પણ દરરોજના નાના મોટા પેમેન્ટ યુપીઆઈ અને ગૂગલ પેથી કરતાં હોઈએ છીએ. હવે ગૂગલ પેથી ઓનલાઈન રિચાર્જ કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી ઓનલાઈન રિચાર્જ, યુપીઆઈ પેમેન્ટ અને અન્ય ડિજિટલ સર્વિસ યુઝર્સને ફ્રીમાં પૂરી પાડતી હતી પરંતુ હવે આ તમામ સર્વિસનો લાભ લેવા માટે તમારે પૈસા ચૂકવવા પડી શકે છે.
આવું એટલા માટે કારણ કે કન્વેન્સ ફીના નામે યુઝર્સને પૈસા ચૂકવવા પડશે. ફોનપેએ મોબાઈ રિચાર્જ પર પહેલાંથી કન્વેન્સ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે અને હવે યુઝર્સને બે રૂપિયા વધુ ચૂકવવા પડે છે.
આ બધાની શરૂઆત લોકોને ફ્રી સર્વિસ ઓફર કરવાથી થઈ હતી અને હવે આ સર્વિસ માટે ફી વસૂલવાની શરુઆત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ગૂગલ પેના એક્ટિવ યુઝર્સની સંખ્યા 6 કરોડથી વધુ છે.
એક રિપોર્ટમાં યુઝરના હવાલાથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. યુઝરે જણાવ્યું હતું કે તેણે 749 રૂપિયાનું મોબાઈલ રિચાર્જ કર્યું હતું અને એ માટે તેને ત્રણ રૂપિયા વધુ ચૂકવવા પડ્યા હતા. યુઝરે આગળ એવું પણ કહ્યું હતું તેણે પેમેન્ટ યુપીઆઈના માધ્યમથી કર્યું હતું. એટલું જ નહીં યુઝરે આનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો, જેમાં ત્રણ રૂપિયા કન્વેન્સ ફીના નામે વસુલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અન્ય એક રિપોર્ટની વાત માનીએ તો આ ફી ખાલી મોબાઈલ રિચાર્જ પર જ લાગૂ કરવામાં આવી છે જ્યારે ઈલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ અને બીજી સર્વિસ હજી પણ ફ્રી જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પર્સનલ અને મર્ચન્ટ યુઝ માટે યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી છે. જોકે, ગૂગલ પેથી પહેલાં ફોનપે અને પેટીએમ દ્વારા પણ કન્વેન્સ ફી વસૂલવાની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. જોકે, ગૂગલ દ્વારા હજી ફીઝ વિશે સત્તાવાર કોઈ ઘોષણા કરવામાં આવી થી. 10મી નવેમ્બરના ગૂગલના ટર્મ ઓફ સર્વિસમાં ગૂગલ ફીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફી મોબાઈલ રિચાર્ચ ટ્રાન્ઝેક્શન પર લાગૂ કરવામાં આવશે.
નવી પોલિસી પ્રમાણે 100 રૂપિયા સુધી કોઈ પણ ફી નહીં વસૂલવામાં આવે. 100-200 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે એક રૂપિયો, 201થી 300 રૂપિયા સુધીના રિચાર્જ પર 2 રૂપિયા અને 300થી ઉપરના રિચાર્જ માટે 3 રૂપિયાની ફી વસૂલવાની રજૂઆત કરવામાં આવી છે.