વિજ્ઞાન અને ટેકનોલોજી

ચાલો જાણીએ બ્રહ્માંડમાં એક સેકન્ડમાં શું શું થાય છે…

આપણું બ્રહ્માંડ અનંત રહસ્યોથી ભરેલું છે. જો આપણે તેને સમજવાની કોશિશ કરીએ તો બ્રહ્માંડ આપણને તદન નવું લાગે. રોજે રોજ થતા નવા સંશોધનો સાથે નવા રહસ્યો પણ જાણવા મળે છે. જેમ જેમ ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડનો અભ્યાસ કરી રહ્યા છે, તેમ તેમ તેઓ અનુભવી રહ્યા છે કે આપણે હાલમાં બ્રહ્માંડ વિશે કેટલું ઓછું જાણીએ છીએ. ખગોળશાસ્ત્રીઓએ છેલ્લા કેટલાક દાયકાઓમાં બ્રહ્માંડ સાથે સંબંધિત ઘણા રહસ્યોને જાણવા અને સમજવામાં ઘણી પ્રગતિ કરી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રહ્માંડમાં દર સેકન્ડે શું શું થાય છે? વૈજ્ઞાનિકોના મતે તો બ્રહ્માંડમાં આંખના પલકારામાં એટલી બધી વસ્તુઓ બને છે, એટલી બધી ઉથલપાથલ થાય છે, જે આપણી કલ્પનાની બહારની છે. જેમાંની કેટલીક બાબતોની ચર્ચા આપણે અહી કરીએ જેમકે બ્રહ્માંડમાં દર સેકન્ડે લગભગ 120 બ્લેક હોલ બની રહ્યા છે, જેમાંથી ઓછામાં ઓછું એક બ્લેક હોલ ખૂબ જ વિશાળ કદનું હોય છે. આ સિવાય દર સેકન્ડે લગભગ 1200 તારાઓ નાશ પામે છે અને લગભગ 60000 નવા તારા જન્મે છે. તેમજ આપણા સુધી પહોંચતો આ પ્રકાશ માત્ર એક સેકન્ડમાં લગભગ 300,000 કિમીનું અંતર કાપે છે.

આ ઉપરાંત સૂરજ દાદા માત્ર એક સેકન્ડમાં 1 મિલિયન ટન હાઇડ્રોજન જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે. બ્રહ્માંડમાં એક સેકન્ડમાં 30 થી વધુ સુપરનોવા વિસ્ફોટ થાય છે. આ સિવાય દર સેકન્ડે લગભગ 2,000 ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. તેમજ આપણી આકાશગંગા 210 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે અને આંખના પલકારામાં તે 500 મીટર વધી જાય છે. આ ઉપરાંત આપણી આકાશગંગાનો સૌથી નજીકનો પાડોશી એન્ડ્રોમેડા ગેલેક્સી એક સેકન્ડમાં આપણી તરફ 300 કિલોમીટરનું અંતર કાપી નાખે છે.

હવે આપણને થાય કે આપણા કલાકોના કલાકો ક્યાં જાય છે એ ખબર નથી પડતી અને બ્રહ્માંડમાં ફક્ત એક સેકન્ડમાં કેટલી ઘટનાઓ બને છે આ તો એ ઘટનાઓ વિશે જણાવ્યું જેના વિશે વૈજ્ઞાનિકો જાણે છે. પરંતુ હજુ ઘણી એવી બાબતો છે જેનાથી આપણે અજાણ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button