ISROએ અંતરિક્ષમાં ઉગાડ્યા બીજ; પહેલા જ પ્રયાસે મળી સફળતા
નવી દિલ્હી: ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ તેના નામ પર વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇસરોને અંતરીક્ષમાં બીજ ઉગાડવાના પ્રયોગમાં મોટી સફળતા મળી છે. ઇસરોએ જણાવ્યું છે કે ચાર દિવસમાં અવકાશયાન PSLV-C60ના POEM-4 પ્લેટફોર્મ પર બીજ અંકુરિત થયા છે. ટૂંક સમયમાં પાંદડા નીકળવાની પણ અપેક્ષા છે.
ઈસરોના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ (CROPS) હેઠળ કુલ આઠ બીજ અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. આ પરીક્ષણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે કર્યું છે. ઉલેખનીય છે કે PSLV-C60 મિશનએ 30 ડિસેમ્બરે બે સ્પેસએક્સ ઉપગ્રહોને અવકાશમાં મૂક્યા હતા.
ISROએ શેર કર્યો વિડીયો
ઇસરો સ્પેસ ડોકીંગ એક્સપેરિમેન્ટ પર ચેઝર સેટેલાઇટનો સેલ્ફી વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે. વૈજ્ઞાનિકોએ અવકાશમાં બીજને અંકુરિત કરવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. આ માટે કેમેરા ઇમેજિંગ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન અને જમીનમાં ભેજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બધું સંતુલિત રાખવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો ટેસ્ટ સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.
આવો પ્રયોગ શા માટે?
ઈસરોએ કહ્યું, અવકાશમાં બીજ અંકુરિત કરવાનો હેતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં છોડના વિકાસની પદ્ધતિઓ વિશે માહિતી મેળવવાનો છે. તેના પરિણામોનું લાંબા ગાળામાં વિશ્લેષણ કરવામાં આવશે અને આગળની વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.