Microplastics in Human Testicle: પ્લાસ્ટિકને લીધે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ્સને થઈ રહ્યું છે આટલું નુકસાન?
એક તરફ આપણે ભલે વસ્તી વિસ્ફોટની ચિંતા કરતા હોઈએ, પરંતુ ભારત અને વિશ્વમાં human fertility પણ એટલો જ મોટો ચિંતાનો વિષય છે. બદલતી લાઈફસ્ટાઈલને કારણ સ્ત્રી અને પુરુષોના fertility rate નીચે આવતો જાય છે.
આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે માનવજાતના અસ્તિત્વ પર ખતરો છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તેના વિશે એક ચિંતાજનક તારણ બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માઈક્રોપ્લાસ્ટિક (Microplastics)ના કણો પુરુષોના અંડકોષ (Testicle) અથવા પ્રાઈવેટ પાર્ટ સુધી પહોંચી ગયા છે. આ કારણે તેમનું જાતીય સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે.
ઇક્રોપ્લાસ્ટિક્સ એ 5 મિલીમીટરથી નાના પ્લાસ્ટિકના ટુકડા છે, જે સમુદ્રમાં પ્રવેશ કરે છે અને જળચર જીવન અને મનુષ્યો પર પ્રતિકૂળ અસર કરે છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના આ નાના ટુકડાઓ ઘણી વસ્તુઓમાં જોવા મળતા હતા, પરંતુ પ્રથમ વખત આ ઘાતક કણો પરુષોના અંડકોષમાંથી મળી આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ સંશોધનમાં લેવાયેલા તમામ માનવ સેમ્પલમાં માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતા.
આ પણ વાંચો: બોલો હવે AI તમારા મૃત્યુની આગાહી પણ કરશે? શું કહે છે વૈજ્ઞાનિકો…
એક સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે વિશ્વભરના પુરૂષોના શુક્રાણુઓની સંખ્યામાં દાયકાઓથી થયેલા ઘટાડાને અંડકોષમાં જોવા મળતા માઇક્રોપ્લાસ્ટિક્સ સાથે સીધો સંબંધ હોઈ શકે છે. આ સંશોધનમાં સંશોધકોએ પુરૂષોના અંડકોષમાંથી 23 નમૂના લીધા હતા, જ્યારે શ્વાનના અંડકોષમાંથી 47 નમૂના લેવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોને દરેક નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા મળ્યા છે.
હાલમાં, આ સંશોધનમાં પુરુષોના શુક્રાણુઓની સંખ્યાને થતી અસર અંગે હજુ તારણો આવ્યા નથી, પરંતુ કૂતરાના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિકના કારણે શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માઈક્રોપ્લાસ્ટિકના કારણે પુરૂષોના શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
અત્યાર સુધીના ઘણા સંશોધનો દર્શાવે છે કે જંતુનાશકો જેવા રાસાયણિક પ્રદૂષકોને કારણે પુરુષોના શુક્રાણુઓની સંખ્યા દાયકાઓથી ઘટી રહી છે. તાજેતરમાં, માણસોના લોહી, પ્લેસેન્ટા અને માતાના દૂધમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા. વિશ્વભરમાં પ્લાસ્ટિકનો કચરો મોટી માત્રામાં ફેંકવામાં આવે છે અને માઇક્રોપ્લાસ્ટિક્સે માઉન્ટ એવરેસ્ટથી લઈને સૌથી ઊંડા મહાસાગરો સુધી બધું જ પ્રદૂષિત કર્યું છે. પ્લાસ્ટિકના નાના કણો ખાવા-પીવા અને શ્વાસ દ્વારા લોકોના શરીરમાં પ્રવેશી રહ્યા છે અને શરીરના વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યા છે. આ કણો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, તેવા અહેવાલો છે.
વૈજ્ઞાનિકો કહે છે કે માઇક્રોપ્લાસ્ટિકના કણો શરીરના પેશીઓમાં ફસાઈ શકે છે અને બળતરા પેદા કરી શકે છે. હવાના પ્રદૂષણના કણોની જેમ, પ્લાસ્ટિકમાં રહેલા રસાયણો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકોના લોહીના પ્રવાહમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો હતા તેઓમાં સ્ટ્રોક, હાર્ટ એટેક અને અકાળ મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું હતું અને અમુક તબીબો તો આને જીવલેણ પણ માને છે.
અહેવાલ અનુસાર યુએસની ન્યુ મેક્સિકો યુનિવર્સિટીના પ્રોફેસર ઝિયાઓઝોંગ યુ કહે છે કે શરૂઆતમાં તેમને શંકા હતી કે શું માઇક્રોપ્લાસ્ટિક્સ પ્રજનન પ્રણાલીમાં પ્રવેશી શકે છે. જ્યારે તેને આ રિસર્ચના પરિણામો મળ્યા તો તે એકદમ ચોંકી ગયો. સંશોધકોનું કહેવું છે કે અંડકોષમાં માઇક્રોપ્લાસ્ટિક મળવું એ યુવા પેઢી માટે વધુ ચિંતાજનક હોઈ શકે છે, કારણ કે પર્યાવરણમાં હવે પહેલા કરતાં વધુ પ્લાસ્ટિક છે.
આ અહેવાલ હજુ પ્રાથમિક સ્તરે છે, પરંતુ પ્લાસ્ટિકને લીધે આખી માનવજાત જોખમાઈ છે, તે બેમત છે.