Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, ચાર મહિનામાં બીજીવાર, શું છે કારણ?
!['We regret to inform you that... ,' Google announced the layoffs again](/wp-content/uploads/2024/01/e9fb6194e1f3da2a3f81067745717bfc-780x470.jpeg)
છેલ્લા કેટલાક સમયથી દુનિયાની ઘણી મોટી કંપની સતત પોતાની વર્કફોર્સમાં ઘટાડો કરી રહી છે. હજુ બે દિવસ પહેલા ઈલોન મસ્ક(Elon Musk)ની માલિકી હેઠળની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર કરતી ટેસ્લા(Tesla) કંપનીએ 10 ટકા કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી, એવામાં ટેક જાયન્ટ ગૂગલે ફરી એકવાર કર્મચારીઓની છટણી(Google Layoffs) કરવા અંગે જાહેરાત કરી છે.
એક અખબારી અહેવાલ મુજબ ગૂગલના પ્રવક્તાએ આ છટણીની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, ગૂગલે ઓપરેશન કોસ્ટ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે કેટલાક કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર છટણીની અસર ગૂગલની રિયલ એસ્ટેટ ટીમ અને ફાઈનાન્સ વિભાગની ટીમ પર પડશે. જોકે, આ અંગે પુષ્ટિ થઈ શકી નથી.
અહેવાલ મુજબ કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે આ વખતે છટણી મર્યાદિત ધોરણે કરવામાં આવી છે. આનાથી આખી કંપનીને અસર થશે નહીં. છટણી કરાયેલા કર્મચારીઓને ગૂગલમાં જ અન્ય હોદ્દા માટે અરજી કરવાની તક મળશે. છટણીમાં કેટલા કર્મચારીઓને નોકરી ગુમાવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
2024માં જ ગૂગલે આ બીજી વાર કર્મચારીઓની છટણી છે. કંપનીએ 4 મહિનાથી ઓછા સમયમાં બીજી વખત તેના કર્મચારીઓને છુટા કર્યા છે. 2024ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ગૂગલે હજારો કર્મચારીઓની છટણી કરી હતી, એ વખતે એન્જિનિયરિંગ, હાર્ડવેર અને આસિસ્ટન્ટ ટીમના કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. કંપનીના CEO સુંદર પિચાઈએ જાન્યુઆરીના છટણી પછી સંકેત આપ્યો હતો કે વધુ કર્મચારીઓની છટણીનો કરવામાં આવી શકે છે.