DeepSeek શું છે, અમેરિકાની ઊંઘ હરામ કેમ થઈ છે, જાણો એટુઝેડ માહિતી
ચીનની કંપની DeepSeek Platformના AI સંચાલિત ચેટબોટે અમેરિકામાં મોટી ઉથલપાથલ કરી છે. અમેરિકામાં જાન્યુઆરીના આંકડા અનુસાર એપલના સ્ટોરમાંથી સૌથી વધુ ફ્રી ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે, જ્યારે તેની ઓછી કિંમતને કારણે યુએસ સ્થિત AI કંપનીની સરખામણીમાં આ એપ્લિકેશન ઓછા સમયમાં સૌથી વધુ લોકપ્રિય થઇ ગઈ છે. એઆઈ ચેટબોટ ડીપસીકના ઉદયથી અમેરિકાની વોલસ્ટ્રીટ માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ હતી. ડીપસીકે તેની અમેરિકન પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતા ઘણા ઓછા ખર્ચે એઆઈ ચેટબોટ તૈયાર કર્યું છે. આ સફળતા અમેરિકાના AIના ભવિષ્ય પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે.
27 જાન્યુઆરીએ કંપનીની ઓછી કિંમતને કારણે નાણાકીય બજારોમાં ઉથલપાથલ થઇ હતી. ટેક કંપનીઓથી ભરેલા અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેની સૌથી ખરાબ અસર અમેરિકા સ્થિત કંપની Nvidia પર પડી જે શક્તિશાળી ચિપ્સ બનાવે છે અને તેનો ઉપયોગ AIમાં થાય છે. સોમવારે તેનું બજાર મૂલ્ય આશરે 600 અબજ ડોલર જેટલું ઓછું થયું હતું. અમેરિકાના ઈતિહાસમાં કોઈ પણ કંપની માટે એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો હતો. દિવસભર તેના શેરના ભાવમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્બ્સ અનુસાર, Nvidia બજાર મૂડીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની હતી, પરંતુ સોમવારે તેનું બજાર મૂલ્ય 3.5 ટ્રિલિયન ડોલરથી ઘટીને 2.9 ટ્રિલિયન ડોલર થઈ જતા તે Apple અને Microsoft પછી ત્રીજા સ્થાને આવી ગઈ. ડીપસીક Nvidia કરતા ઓછી અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ કરે છે. તેની સફળતાએ એ માન્યતાને નબળી પાડી છે કે એડવાન્સ્ડ AI માટે મોટા બજેટ અને હાઇ-ટેક ચિપ્સની જરૂર છે. જો કે, આ ઘટનાએ અદ્યતન ચિપ્સના ભવિષ્ય અને તેની જરૂરિયાત વિશે ભારે અનિશ્ચિતતા ઊભી કરી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકને લઈને ચેતવણી આપતા કહ્યું છે કે આ અમેરિકાની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી માટે સાવધ થવાનો સમય આવી ગયો છે. સિલિકોન વેલીના અબજોપતિ માર્ક આંદ્રેસને ડીપસેકનું સ્વાગત કર્યું હતું, તેને AIમાં ‘અત્યાર સુધીની સૌથી અદભૂત અને પ્રભાવશાળી સફળતા’ ગણાવી હતી. આ એપ પાછળના સંશોધકોનું કહેવું છે કે તેને બનાવવામાં માત્ર 6 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે, જે અમેરિકામાં AI કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા અબજો ડોલર કરતાં ઘણો ઓછો છે.
Also read: એક નાનકડા ચાઈનીઝ સ્ટાર્ટ અપે અમેરિકાની ઊંઘ ઉડાડી દીધીઃ કરોડોનુ નુકસાન…
ડીપસીકના સ્થાપક કોણ છે?
ડીપસીકએ ચીનના દક્ષિણ-પૂર્વ શહેર હાંગઝોઉમાં સ્થિત ચાઇનીઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે. 40 વર્ષના ઇન્ફર્મેશન અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ લિઆંગ વેનફેંગે હેજ ફંડ્સ દ્વારા રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કરીને ડીપસીકની શરૂઆત કરી હતી. તેણે Nvidia A100 ચિપ્સનો ઉપયોગ કરીને સ્ટોર બનાવ્યો હોવાનું કહેવાય છે. જો કે હવે ચીનમાં તેની નિકાસ પર પ્રતિબંધ છે.
નિષ્ણાતોનું માનવું છે કે તેણે અંદાજે 50,000 ચિપ્સના સંગ્રહ દ્વારા ડીપસીક લોન્ચ કરી હતી. તેણે આ ચિપ્સનો ઉપયોગ સસ્તી અને લોઅર એન્ડ ચિપ્સ સાથે કર્યો, જે હજુ પણ ચીનમાં આયાત કરવામાં આવે છે. તાજેતરમાં લિયાંગે ઉદ્યોગ નિષ્ણાતો અને ચીનના વડા પ્રધાન લી કિઆંગ સાથે મુલાકાત કરી હતી. કંપનીની એઆઈ એપ તેની વેબસાઈટ પર અને એપલના એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઓનલાઈન ઉપલબ્ધ છે. આ સેવા મફત છે અને એપલના સ્ટોર પર સૌથી ઝડપી ડાઉનલોડ થયેલી એપ બની ગઈ છે.
એપ્લિકેશન શું કરે છે?
ડીપસીક તેના શક્તિશાળી AI માટે પ્રખ્યાત બન્યું છે જે ChatGPT જેવું કામ કરે છે. એપ સ્ટોર પરના તેની માહિતી અનુસાર તે ‘તમારા પ્રશ્નોના જવાબ આપવા અને તમારું જીવન સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.’ આ એપ પર રેટિંગ આપતી વખતે એક યુઝરે કમેન્ટ કરી છે કે ‘તે લખવા માટે એક ખાસ વિશેષતા આપે છે.’ જોકે, જ્યારે આ ચેટબોટ સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેણે રાજકીય રીતે સંવેદનશીલ પ્રશ્નને ટાળ્યો હતો.