શું તમને પણ કેનવા- ઝીરોધા સહિતની વેબસાઇટ્સ વાપરવામાં તકલીફ પડી હતી! આ હતું કારણ

આજે શુક્રવારે વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સને ઘણી વેબસાઈટ અને એપ્સ યુઝર્સને કરવામાં તકલીફ પડી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોએ આઉટેજ અંગે ફરિયાદો કરી હતી, ક્લાઉડફ્લેર(Cloudflare)ની સર્વિસ ખોરવાઈ જતાં આ આઉટેજ આવ્યું હતું. જોકે થોડા સમય બાદ સર્વિસ પૂર્વવત થઇ થઇ હતી.
ઓનલાઈન ગ્રાફિક ડિઝાઈનની સર્વિસ આપતી કેનવા ઠપ્પ થઇ ગઈ હતી. શેર માર્કેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ ગ્રો અને ઝીરોધા પણ બંધ થઇ ગઈ હતી.
ક્લાઉડફ્લેર આઉટેજને કારણે BookMyShow, LinkedIn, Notion, SpaceX, Coinbase અને ઘણી વેબસાઇટ્સમાં સમસ્યાઓ થઇ હતી. રસપ્રદ વાત એ છે કે, વેબસાઈટનો ડાઉનટાઇમ ટ્રેક કરતું Downdetector પ્લેટફોર્મ પણ ઠપ્પ થઇ ગયું હતું.
ઝીરોધાએ નિવેદન જાહેર કરીને કહ્યું, “ક્લાઉડફ્લેરનો વૈશ્વિક આઉટેજ ઉકેલઈ ગયો છે. કાઈટની સર્વિસ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. હવે તમે સામાન્ય રીતે ટ્રેડીંગ કરી શકો છો. યુઝર્સને થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે.”
ક્લાઉડફ્લેરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે તેણે તેના ડેશબોર્ડ સંબંધિત એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) સાથે સમસ્યા થઇ હતી, જેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ગત મહીને પણ આઉટેજ આવ્યું હતું:
એક મહિનામાં ક્લાઉડફ્લેરમાં આ બીજી વખત આઉટેજ આવ્યું હતું. નવેમ્બર મહિનામાં પણ ક્લાઉડફ્લેરમાં એક આઉટેજ આવ્યું હતું. જેને કારણે સ્પોટીફાઈ થી માંડીને ચેટજીપીટી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ સુધીના ઓનલાઈન પ્લેટફોર્મ અસ્થાયી રૂપે બંધ થઇ ગયા હતાં.
ક્લાઉડફ્લેર અનેક વેબસાઈટ્સને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. તે વેબસાઇટ્સને સાયબર એટેકથી થી સુરક્ષિત રાખવાની પણ સર્વિસ આપે છે અને વધુ ટ્રાફિક દરમિયાન પણ વેબસાઈટ સરળ રીતે ચાલે એ સુનિશ્ચિત કરે છે.



