Starlinkને લાઇસન્સ મળશે! ઈલોન મસ્કની ભારત મુલાકાત પહેલા કેદ્ર સરકાર હરકતમાં
નવી દિલ્હી: આ મહિનાના અંતમાં અમેરિકન બિલીયનેર ઈલોન મસ્ક(Elon Musk) ભારતની મુલકાતે આવવાના છે. એ પહેલા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ઈલોન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ યુનિટ(Starlink)ને લાઇસન્સ ફાળવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. એક અહેવાલ મુજબ DoT સેટેલાઇટ સંચાર સેવાઓ માટે સ્ટારલિંકને લેટર ઓફ ઇન્ટેન્ટ(LoI) અને ટ્રાયલ સ્પેક્ટ્રમ આપી શકે છે.
એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, વિભાગ સુરક્ષાના મુદ્દાને કારણે આંતર-મંત્રાલય ચર્ચાઓ કરી રહ્યું છે. સ્ટારલિંક, ઈલોન મસ્કની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે, જે હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન પ્રદાન કરે છે. ઈલોન મસ્ક 21 અને 22 એપ્રિલ એમ બે દિવસની ભારતની મુલાકાતે આવવાના છે, આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ સાથે બેઠક કરશે.
અહેવાલમાં મુજબ દ્વારા ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન સેટેલાઇટ સર્વિસ (GMPCS) અને ટ્રાયલ સ્પેક્ટ્રમની મંજુરી વાદ સ્ટારલિંક રિટેલ કન્ઝ્યુમર સ્પેસમાં તેની સર્વિસ માટે પાઇલોટ પ્રોજેક્ટ શરુ કરી શકશે. કંપનીને ગૃહ મંત્રાલય (MHA), લો એન્ફોર્સમેન્ટ અને સિક્યોરીટી એજન્સીઓની પણ પરવાનગીની જરૂર પડશે કારણ કે કેન્દ્ર સરકારને કેટલીક સુરક્ષા બાબતો ચિંતા છે.
અગાઉ, સ્ટારલિંકે સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ને તેના શેરહોલ્ડિંગ પેટર્ન અંગે સ્પષ્ટતા જાહેર કરી હતી. સ્ટારલીંકે કંપનીની માલિકીની તમામ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જેના માટે કંપનીએ યુએસના નિયમોનું કારણ આપ્યું હતું. પરંતુ કંપનીએ જાહેર કર્યું કે અમારી સાથે એવા દેશોના રોકાણકારો નથી કે જેની સાથે ભારતની સરહદો સ્પર્શે છે.
ગયા નવેમ્બરમાં, ભારતી ગ્રૂપ હેઠળની Eutelsat-OneWeb ને 90 દિવસ માટે Ka' અને
Ku’ બંને બેન્ડમાં ટ્રાયલ સેટેલાઇટ સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. Eutelsat-OneWeb એ ઈન્ડિયા નેશનલ સ્પેસ પ્રમોશન્સ એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) તરફથી જરૂરી મંજુરી ધરાવતું એકમાત્ર સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્લેયર છે. Eutelsat OneWeb, Starlink, Jio, Amazon જેવી કંપનીઓ ભારતીય બજાર માટે સ્પર્ધા કરી રહ્યા છે.