25 જાન્યુઆરીએ ગુજરાતના આકાશમાં જોયા જેવો હશે અવકાશી નજારો; જોવા મળશે પાંચ ગ્રહોની પરેડ

અમદાવાદઃ આગામી 25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે એટલે કે ગ્રહોની પરેડ યોજાશે. આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે તેમજ આ ખગોળીય ઘટનાને રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટી, રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો ના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમોની શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્યારે યોજાય છે ગ્રહોની પરેડ?
ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે, જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દ્રશ્યમાન હોય છે. આગામી 25 જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ અને શનિ, આ પાંચ ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે, જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે. આ સંરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણકક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક દ્રશ્ય ઘટના છે.
Also read: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટથી થશે 300 કરોડનો વેપાર, જાણો A to Z વિગત…
બ્રહ્માંડની અજાયબીઓનું પ્રતિબિંબ
અવકાશમાં યોજાતા ગ્રહોના આવા સંરેખણો શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટનાઓ ગ્રહોની ગતિ, ગ્રહણ સમતલ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે. આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતાને પ્રોત્સાહિત કરે છે તેમજ વિદ્યાર્થીઓ અને અવકાશી ઘટનાઓના ઉત્સાહીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે. ગ્રહોની પરેડ એ આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓનું પ્રતિબિંબ છે.
સાયન્સ સિટી ખાતે લાઇવ ટેલિસ્કોપિક ઓબ્ઝર્વેશન
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે લાઇવ ટેલિસ્કોપિક ઓબ્ઝર્વેશન અને નિષ્ણાંતો સાથે સંવાદ થશે. રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ ખાતે રાત્રિ આકાશ નિરીક્ષણ સત્રો, ઇન્ટરેક્ટિવ ખગોળશાસ્ત્ર વર્કશોપ અને વિશેષ પ્રદર્શનો ગોઠવાશે. ગ્રહોની ગતિ અને અવકાશીય સંરેખણ પાછળના વિજ્ઞાનને સમજાવવા માટે વ્યાવહારિક પ્રવૃત્તિઓ અને પ્રદર્શનોનું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં ગ્રહોની પરેડ પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સમજણ કેળવવા અને સાથે-સાથે આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓ વિશે જિજ્ઞાસાનો ભાવ વિકસિત કરવા માટે આ કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે.