ખરમાસ અને શુક્ર થશે અસ્તઃ ત્રણ દિવસ બાદ દોઢ મહિના સુધી નહીં સંભળાય શરણાઈના સૂર…

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. એમાં પણ લગ્નની ગણતરી તો જીવનના સોળ સંસ્કારોમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્કારમાં કરવામાં આવે છે, તેથી તેના મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે. આગામી સમયમાં લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે એક મોટો વિરામ આવવાનો છે અને એનું કારણ છે એક તો ખરમાસ અને બીજું શુક્ર અસ્ત થશે. આ કારણે આશરે દોઢ મહિના સુધી લગ્ન માટેનું કોઈ શુભ મુહૂર્ત નથી.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે 16મી ડિસેમ્બર, 2025થી 15મી જાન્યુઆરી, 2026 સુધી ખરમાસ રહેશે, જેને કારણે લગ્ન સહિતના તમામ માંગલિક કાર્યો પર એક મહિના માટે રોક લાગી જશે. એટલું જ નહીં, આ વખતે શુક્ર ગ્રહ અસ્ત થવાને કારણે આ અશુભ ગણાતા સમયગાળાની અવધિમાં વધારો થયો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસની શરૂઆત થાય છે. ધન રાશિના સ્વામી ગુરુ હોવાને કારણે આ સમયગાળો શુભ માનવામાં આવતો નથી. 16મી ડિસેમ્બર, 2025થી ખરમાસનો પ્રારંભ થશે અને ખરમાસ 15 જાન્યુઆરી, 2026 ગુરુવારના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે કે જેને આપણે ‘મકર સંક્રાંતિ’ તરીકે પણ ઓળખીએ છીએ. આ સમયગાળા દરમિયાન, લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન, નવા વ્યવસાયનો પ્રારંભ વગેરે જેવા તમામ માંગલિક અને શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.
આ પણ વાંચો: કેનવાસ: ભારતીય લગ્નની થઈ રહી છે વૈશ્વિક બોલબાલા
આ વખતે ખરમાસની સાથે જ શુક્ર ગ્રહ અસ્ત પણ થઈ રહ્યો છે, જે વિવાહના મુહૂર્ત માટે મહત્ત્વપૂર્ણ છે. જ્યોતિષમાં ગુરુ અને શુક્ર ગ્રહને લગ્ન અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. જો આ બંને ગ્રહોમાંથી કોઈ પણ એક અસ્ત હોય, તો લગ્ન કે શુભ કાર્યો થઈ શકતા નથી.
શુક્ર અસ્ત થવાને કારણે, ખરમાસ પૂરો થયા પછી પણ તરત જ લગ્નના મુહૂર્ત શરૂ નહીં થાય, જેનાથી શુભ કાર્યોના વિરામનો સમયગાળો લંબાશે. શુક્ર 20મી ડિસેમ્બર, 2025 અસ્ત થશે અને ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં શુક્ર ફરી ઉદયમાં આવશે. આમ, ખરમાસ અને શુક્રાસ્તની બેવડી અસરને કારણે, જાન્યુઆરી 2026ના અંત સુધી લગ્નના કોઈ પણ શુભ મુહૂર્ત મળી શકશે નહીં.
વાત કરીએ 2026માં ખરમાસ પછીના લગ્નના શુભ મુહૂર્તની તો ખરમાસની 15મી જાન્યુઆરી, 2026ના રોજ પૂર્ણાહૂતિ થશે. પરંતુ ત્યાર બાદ પણ શુક્ર અસ્ત અવસ્થામાં રહેશે, જેને કારણે લગ્નના કોઈ શુભ મુહૂર્ત નહીં હોય. 2026માં ફેબ્રુઆરી મહિના બાદથી લગ્નના શુભ મુહૂર્ત ફરી એક વખત શરૂ થશે.
ફેબ્રુઆરી 2026થી લગ્નના શુભ મુહૂર્ત:
જાન્યુઆરી: કોઈ શુભ મુહૂર્ત નથી.
ફેબ્રુઆરી: 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13 (શુક્ર ઉદય પછીની તારીખો)
માર્ચ: 2, 4, 5, 6, 11, 12, 13, 14
એપ્રિલ: 18, 19, 20, 21, 23, 24, 25, 26

