શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ, જાણો શું કરવુ જોઈએ?

ભારતમાં શ્રાવણ મહિનાની સમાપ્તી થઈ ચુકી છે, અને ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનો પૂર્ણ થવાની થોડા દિવસો બાકી છે. ત્યારે આગામી 22 ઓગસ્ટના અમાસની તીથી છે. દેશભરમાં આ દિવસે ભાદરવી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં શ્રાવણી અમાસ તરીકે ઉજવણી થશે. આ અમાસની તીથી 23 ઓગસ્ટ અને શનિવારે આવવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન, ધ્યાન અને પૂજા કરે છે, સાથે જ પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવામા આવે છે. શનિવારે આવતી અમાસને શની અમાસ કહે છે, જે શની દોષ, સાડાસાતી અને ઢૈયા જેવી જ્યોતિષીય સમસ્યાઓના નિવારણ માટે ખાસ માનવામાં આવે છે.
શ્રાવણ માસની અમાસ તિથિ 22 ઓગસ્ટે સવારે 11:55થી શરૂ થશે અને 23 ઓગસ્ટે સવારે 11:35 સુધી ચાલશે. ઉદયા તિથિના આધારે આ પર્વ 23 ઓગસ્ટ, શનિવારે ઉજવાશે, જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવશે. આ દિવસ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ અગત્યનો છે, કારણ કે આ દિવસે શનિ ગ્રહ સાથે સંકળાયેલા ઉપાયો કરવાથી શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે. આ દિવસે પિતૃઓનું તર્પણ અને પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
શનિ અમાસના દિવસે શનિ દેવને સરસવનું તેલ અર્પણ કરવુ ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવના પગના અંગૂઠા પર તેલ ચઢાવવું જોઈએ, જ્યારે શનિ દેવ શીલા રૂપમાં હોય તો આખી શીલા પર તેલ અર્પણ કરી શકાય છે. આ ઉપાય શનિ દોષ અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે, અને આ ધાર્મિક કૃત્યથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિ અમાસના દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઉપાયથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ દીવો પ્રગટાવતી વખતે શનિ દેવનું ધ્યાન કરવું અને તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ, જેનાથી જ્યોતિષીય દોષો દૂર થાય છે.
શનિ અમાસના દિવસે શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ, કાળા તલ, ઉડદની દાળ, અને લોખંડની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, ગરીબોને ભોજન, કપડાં, પગરખા, છત્રી અને ધનનું દાન કરવું પણ ફળદાયી બની શકે છે. શનિના કષ્ટોથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની ઉપાસના સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી, આથી આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અને પૂજા કરવી જોઈએ.
આ પણ વાંચો…30 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત યોગ, શનિ-રાહુ-કેતુ વક્રી થશે, 3 રાશિઓને થશે બમ્પર લાભ…