પુરુષ

મેલ મેટર્સઃ સંતાનોની પરીક્ષાઓ વખતે તમે પત્ની જેટલું ટેન્શન લો છો ખરા?

અંકિત દેસાઈ

ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસીને છાપું વાંચતા કે મોબાઈલ સ્ક્રોલ કરતા પિતા માટે સંતાનોની પરીક્ષા એટલે કદાચ માત્ર એક કેલેન્ડરની તારીખ હોઈ શકે, પણ રસોડામાં ગેસના ચૂલા પાસે ઊભેલી માતા માટે એ એક યુદ્ધની તૈયારી જેવું હોય છે. સામાન્ય રીતે મધ્યમવર્ગીય પરિવારોમાં એક વણલખ્યો નિયમ બની ગયો છે કે સંતાનોની ફી ભરવાની જવાબદારી પિતાની અને તેમને ભણાવવાની, જમાડવાની કે પરીક્ષાના ટેન્શનમાં સહભાગી થવાની જવાબદારી માતાની.

જોકે વિચારવા જેવી વાત એ છે કે શું માત્ર આર્થિક જોગવાઈ કરી દેવાથી પિતાની જવાબદારી પૂરી થઈ જાય છે? શું પિતા તરીકે આપણું કામ માત્ર ‘એટીએમ’ કાર્ડ બનીને રહેવાનું છે? વાસ્તવિકતા એ છે કે જ્યારે સંતાનની પરીક્ષા આવે છે ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ જતું હોય છે, પણ એ બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર સ્ત્રીના ફાળે જ કેમ આવે છે? પત્ની સવારના પાંચ વાગ્યે ઊઠીને બાળકને જગાડે, એના માટે બદામનું દૂધ તૈયાર કરે, એના રિવિઝનમાં મદદ કરે અને બાળક જ્યારે પરીક્ષા આપીને પાછું આવે ત્યારે એના ચહેરાના હાવભાવ પરથી એનું પેપર કેવું ગયું હશે એ પારખવાની મથામણ પણ એ જ કરે.

આ આખી પ્રક્રિયામાં પિતા ક્યાંક ને ક્યાંક પ્રેક્ષકની ભૂમિકામાં આવી જાય છે. ઘણીવાર પિતાઓ એવું કહેતા સંભળાય છે કે ‘હું આખો દિવસ ઓફિસે કામ કરીને થાકીને આવું છું, હવે ઘરે આવીને પણ મારે આ બધું જોવાનું?’ આ એક બહુ મોટો ભ્રમ છે. ઓફિસનું કામ ચોક્કસ થકવી નાખતું હોય છે, પણ સંતાન એ માત્ર પત્નીની જવાબદારી નથી, એ એક સંયુક્ત પ્રોજેક્ટ છે, જેમાં બંનેની સમાન ભાગીદારી અનિવાર્ય છે.

જ્યારે તમે ઓફિસથી ઘરે આવો છો ત્યારે બાળકને એમ નથી જોઈતું કે તમે એને ગણિતના દાખલા ગણાવો, પણ એને એ જરૂર જોઈએ છે કે તમે એની બાજુમાં બેસો, એના ખભે હાથ મૂકો અને પૂછો કે ‘બેટા, આજે કયો વિષય વાંચ્યો? કંઈ તકલીફ તો નથી ને?’ પત્ની જ્યારે બાળકના ખોરાકનું ધ્યાન રાખતી હોય, એને સમયસર ઊંઘાડવાની કોશિશ કરતી હોય ત્યારે પિતાએ માત્ર હુકમ કરવાને બદલે એ પ્રક્રિયામાં સામેલ થવું જોઈએ.

જો પત્ની રસોડામાં બાળકની પસંદગીનું જમવાનું બનાવતી હોય જેથી પરીક્ષાના સમયે એનું મન પ્રફુલ્લિત રહે તો પિતા તરીકે તમારે એ જોવું જોઈએ કે ઘરમાં ટીવીનો અવાજ ધીમો રહે અથવા મહેમાનોની અવરજવર મર્યાદિત થાય. ટેન્શન લેવાનો અર્થ એ નથી કે તમે પણ ફાળ ફાળ થવા માંડો, પણ ટેન્શન લેવાનો અર્થ એ છે કે તમે એ પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ બનો.

સંતાનો જ્યારે મોટાં થાય છે ત્યારે એમને એ યાદ નથી રહેતું કે પિતાએ કેટલી ફી ભરી હતી, પણ એમને એ ચોક્કસ યાદ રહે છે કે જ્યારે એ રાત્રે મોડે સુધી જાગીને વાંચતા હતા ત્યારે પિતાએ જાગીને પાણીનો ગ્લાસ આપ્યો હતો કે નહીં. પરીક્ષાના દિવસોમાં પત્ની પર કામનું ભારણ બમણું થઈ જતું હોય છે. એકબાજુ ઘરની જવાબદારી અને બીજી બાજુ બાળકના કરિયરની ચિંતા. આવા સમયે પિતા જો મૌન ધારણ કરી લે અથવા એમ કહી દે કે ‘બધું તું સંભાળી લેજે’, તો એ પત્ની સાથે અન્યાય છે.

પિતા તરીકે તમારે બાળકના અભ્યાસક્રમમાં ઊંડા ઊતરવાની જરૂર નથી, પણ એના મનોબળને મજબૂત કરવાની જવાબદારી તમારી છે. તમારી હાજરી જ બાળકમાં એક આત્મવિશ્વાસ ભરે છે. પત્ની કદાચ બાળકની શારીરિક અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરતી હશે, પણ માનસિક ટેકો આપવાનું કામ પિતાનું છે. ફી ભરીને તમે તમારું કર્તવ્ય પૂરું નથી કર્યું, પણ તમે એક માર્ગ મોકળો કર્યો છે,જે માર્ગ પર ચાલતી વખતે બાળક જ્યારે લથડાય ત્યારે પત્નીની સાથે તમારે પણ એનો હાથ પકડવો પડશે.

આપણે ત્યાં પુરુષો ઘણીવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં પાછા પડતા હોય છે, પણ સંતાનની પરીક્ષા વખતે તમારી પત્ની જે સ્તરે ચિંતિત હોય છે, તે સ્તરે તમારે પણ ઊતરવું પડશે. જો પત્ની બાળકના ડાયેટ ચાર્ટ વિશે વિચારી રહી હોય તો તમારે બાળકના રિલેક્સેશન વિશે વિચારવું જોઈએ. સાથે મળીને વોક પર જવું, થોડી હળવી વાતો કરવી કે પરીક્ષાના ડરને દૂર કરવો એ પિતાની નૈતિક ફરજ છે.

યાદ રાખજો, જે ઘરમાં પિતા સંતાનોના અભ્યાસમાં સક્રિય રસ લે છે ત્યાં બાળકો વધુ પ્રગતિ કરે છે, કારણ કે એમને લાગે છે કે એમની પાછળ આખી ટીમ ઊભી છે, માત્ર એક સંઘર્ષ કરતી માતા નહીં. એટલે હવે જ્યારે પણ સંતાનની પરીક્ષા આવે ત્યારે માત્ર ‘ઓલ ધ બેસ્ટ’ કહીને છૂટી ન પડતા, પણ પત્નીની પડખે ઊભા રહીને એના કામમાં મદદ કરજો અને બાળકના આ સંઘર્ષમાં ખભેખભા મિલાવીને ચાલજો. જવાબદારી વહેંચવાથી ભાર ઓછો થાય છે અને પરિણામ વધુ મીઠું આવે છે.

આપણ વાંચો:  એકલતાને કરો બાય બાય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button