પુરુષ

પરણ્યા બાદ પત્ની મિત્રો સાથે સંપર્ક ઓછો કેમ કરી દે છે?

કૌશિક મહેતા

ડિયર હની,
કેટલા પતિઓને એમની પત્નીઓના મિત્રોનાં નામ યાદ હોય છે? કેટલા પતિઓને કે સાસરિયાઓને પત્ની કે વહુ એમના જૂના મિત્રોને મળતા રહે એ ગમે છે? સાચું કહું તો આવા પ્રશ્નો પતિઓએ અને સાસરિયાઓએ ખુદને પૂછવા જોઈએ. અને પૂછે તો શું જવાબ મળે? આ પ્રયોગ કરવા જેવો છે.

આજે આ મુદો તારી સાથે ચર્ચવાનું એટલે નક્કી કર્યું કે, મોટાભાગે પરણ્યા બાદ પત્નીઓ કે વહુઓ એમના જૂના મિત્રો સાથે હળવા-મળવાનું ઓછું કરી દે છે. સંપર્ક ઘટતો જાય છે. આવું કેમ બને છે એવું તેં કે ઘરના સભ્યોએ ક્યારેય વિચાર્યું છે ખરું? મને બરાબર યાદ છેકે, એકવાર આ મુદે આપણે ચર્ચા કરી હતી અને એમ કહ્યું હતું કે, તું તારા જૂના મિત્રોને એકવાર ભેગા કર. શાળા-કોલેજમાં રિયુનિયન થાય છે એવું કૈક કરો અને એમાં મારી કોઈ મદદ જોઈતી હશે તો હું તૈયાર છે. તે કહ્યું’ તું, કરીશું. પણ ખબર નહિ પછી કાઈ એવું નહિ થયું. તારી એકાદ બે મિત્રને હું જાણું છું. એમના નામની ખબર છે. એકાદ બે વાર મળ્યા હોઈશું. પણ એવો સંપર્ક રહ્યો નથી. આવું કેમ?

શું કારણો હશે આવું બનવા પાછળ? કેટલાંક કારણો આવા હોય શકે છે, લગ્ન પછી સ્ત્રીના માથે અચાનક નવી જવાબદારીઓ આવી જાય છે. ઘરકામ, ઓફિસ, સાસુ-સસરાની સંભાળ અને પતિ સાથે સમય વિતાવવાની પ્રાથમિકતામાં ‘મી-ટાઇમ’ (પોતાનો સમય) ઓછો થઈ જાય છે. મિત્રો સાથે કલાકો સુધી વાતો કરવી કે બહાર જવું એ હવે ‘લક્ઝરી’ બનતી જાય છે.

એ પણ સાચું કે, લગ્ન પછી સ્ત્રીની દુનિયાનું કેન્દ્ર બદલાય છે. તે પોતાના નવા પરિવારને સેટ કરવામાં અને સંબંધો મજબૂત કરવામાં આટલી વ્યસ્ત થઈ જાય છે કે તેને જૂના મિત્રો સાથે સંપર્ક રાખવો ગૌણ લાગે છે. જોકે મને લાગે છે કે સૌથી સામાન્ય કારણ એ હોય શકે કે, મોટાભાગે ભારતીય પરિવારોમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વહુ હવે ઘરની વ્યક્તિ બની ગઈ છે એટલે તેણે બહારના મિત્રો સાથે બહુ ફરવું ન જોઈએ.

જો સાસરી પક્ષ થોડો રૂઢિચુસ્ત હોય તો સ્ત્રી પોતે જ વિવાદ ટાળવા માટે મિત્રોથી અંતર બનાવી લે છે. વળી, જો પત્નીના મિત્રો હજુ અપરિણીત હોય તો તેમની વાતો અને પત્નીની અત્યારની સમસ્યાઓ (જેમ કે ઘરનું બજેટ, સાસરીના પ્રશ્નો) વચ્ચે તાલમેલ બેસતો નથી. ધીમે ધીમે વાત કરવાના વિષયો ખૂટી જાય છે અને અંતર વધતું જાય છે. એય સાચું કે, નવા વાતાવરણમાં એડજસ્ટ થવામાં એટલી માનસિક ઊર્જા વપરાય છે કે દિવસના અંતે મિત્રો સાથે ચેટ કરવા કે મળવા માટેની શક્તિ જ નથી બચતી. તને શાંતિથી બેસવું વધુ ગમે છે.

સાચું કહેજે, જ્યારે તું મિત્રો સાથે વાત કરે કે બહાર જાય, ત્યારે ઘણીવાર તેને અંદરથી એવું લાગે છે કે તે ઘરની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહી રહી છે. મિત્રો સાથે સમય વિતાવે તો લાગે છે કે તે પતિ કે સાસરી પક્ષનો સમય ચોરી રહી છે? આ ‘ગિલ્ટ’ તને તારા મિત્રોથી દૂર રાખે છે? તું એવું વિચારે છે કે, ‘મિત્રો તો મારા છે જ ને, એ ક્યાં જવાના છે? અત્યારે ઘર સાચવી લઉં… ‘પણ આ પછી કરીશું’ ના ચક્કરમાં તારી મિત્રતા પાછળ છૂટી જાય છે.

સત્ય તો એ છે કે, પિયરમાં જે આઝાદી અને માહોલ હતો, તે સાસરીમાં કદાચ ન હોય. જો સાસરીમાં મિત્રો સાથે ફોન પર મોટેથી હસી-મજાક કરવાની છૂટ ન હોય, તો તે ધીમે ધીમે ફોન કરવાનું જ ઓછું કરી નાખે છે. પણ પતિઓ આ મુદે ઘણું બધું કર શકે. પત્નીને કહો કે, ’આજે રવિવાર છે, તું તારા ફ્રેન્ડસને મળી આવ અથવા તેમને ઘરે ચા પર બોલાવ… ’

જ્યારે પત્ની તેના મિત્રો સાથે ફોન પર વાત કરતી હોય, ત્યારે તેને ઘરના કામમાંથી થોડી મુક્તિ આપો. અને સૌથી જરૂરી એ છે કે, તેના મિત્રોને મળો, જેથી તેને એમ ન લાગે કે તેના મિત્રો અને તેનું લગ્નજીવન બે અલગ દુનિયા છે.

સાચું કહું તો બહુ ઓછા પતિ આવું કરે છે. હા, મહાનગરોમાં રહેતા દંપતીઓમાં ઉદારતા હોય છે. એ એકબીજાના મિત્રોને મળવા ફરવાની છૂટ આપતા રહે છે. બીજી તરફ તો પતિઓ જ એમના મિત્રો સાથે પરણ્યા બાદ મળવાનું એકદમ ચાલુ રાખે છે. ઘેર આવવા જવાનું બનતું રહે છે, પણ એવું પત્નીના મિત્રો સાથે કેમ બનતું નથી? બને છે તો ઓછું બને છે. આ વિષયે બહુ ચર્ચા થતી નથી.

પત્ની એના જૂના મિત્રો સાથે સંપર્ક ઓછો કરવા લાગે તો એને અસહજ ગણવામાં આવતું નથી. પત્ની એ પણ વિચારવું રહ્યું કે, એ પોતાના જૂના મિત્રોને ભૂલવા કેમ લાગે છે અને પતિના મિત્રોને જ મિત્રો ગણવા લાગે છે.
તારો બન્ની.

આપણ વાંચો:  પત્ની પતિથી મોટી હોય તો ચાલે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button