પુરુષ

પત્નીઓને બધું યાદ કઈ રીતે રહે છે?!

કૌશિક મહેતા

ડીયર હની,
એક બહુ જાણીતો જોક છે.
પત્ની: તમે મારો જન્મદિવસ કેમ ભૂલી ગયા?
પતિ: તારો જન્મદિવસ હું કેવી રીતે યાદ રાખું? તું દર વર્ષે તો કહે છે કે તારી ઉંમર વધી જ નથી, તું હજુ પણ 25ની જ લાગે છે… તો પછી મને એમ કે તારો જન્મદિવસ આવ્યો જ નથી!
વેરી સ્માર્ટ જવાબ!

દરેક પત્નીની પતિ પ્રત્યે ફરિયાદ હોય છે કે તમને તો કાઈ યાદ જ રહેતું નથી… ‘કૌન બનેગા કરોડપતિ’માં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પરિવાર સાથે આવેલા અને અમિતાભ બચ્ચને એમના પત્નીને પૂછ્યું કે, તમારા પતિ સામે કોઈ ફરિયાદ? તો પત્નીએ કહ્યું કે, એ ભૂલી બહુ જાય છે. આજે કોઈ વાત કરી હોય તો બહુ જલદી ભૂલી જાય છે અને યાદ કરાવીએ તો એમ કહે કે, તે મને ક્યારે કીધું હતું?!

આમ આદમીથી માંડી મોટા માણસો સુધી આ ફરિયાદ સામાન્ય છે. જોકે સવાલ અહીં એ છે કે, પત્નીઓને બધું યાદ કેમ રહે છે? તારી જ વાત કરું તો તને ઘરના બધા સભ્યોના જન્મદિન યાદ હોય છે. એટલું જ નહિ, પ્રસંગોમાં કોણે કેટલો વ્યવહાર કરેલો એ પણ યાદ હોય છે. ક્યા પ્રસંગમાં કોણે શું પહેર્યું હતું એ પણ યાદ હોય છે.

બીજી તરફ પતિઓન-પુરુષો ને આવી વાતો યાદ રહેતી નથી. હા, એમના કામકાજની વિગતો યાદ રહે છે, પણ ઘરની વાતો યાદ રહેતી નથી. અહી જ પુરુષ અને સ્ત્રીમાં અંતર પડે છે. શું આ પાછળ કોઈ વિજ્ઞાન કામ કરે છે? હા, એવું કૈક તો છે જ સ્ત્રીઓમાં સામાન્ય રીતે ‘એપિસોડિક મેમરી’ વધુ પ્રબળ હોય છે. એ ઘટનાઓ, લાગણીઓ અને જે તે પ્રસંગે કોણે શું પહેર્યું હતું કે શું વાત કરી હતી, તેવી વિગતો યાદ રાખવામાં કુશળ હોય છે. તેમના માટે જન્મદિવસ કે વર્ષગાંઠ એ માત્ર એક તારીખ નથી, પણ એક લાગણી છે.

બીજું એક કારણ સામાજિક પણ છે કે, પરંપરાગત રીતે ઘરના સંબંધો જાળવી રાખવાની અને સામાજિક જવાબદારી સંભાળવાની જવાબદારી પત્ની પર વધુ હોય છે. કોને ક્યારે વિશ કરવું, કોને શું ગિફ્ટ આપવી, આ બધું મેનેજ કરવું એ તેના રોજિંદા કાર્યોનો એક ભાગ બની જાય છે. તેને ‘મેન્ટલ લોડ’ પણ કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પુરુષનું મગજ ઘણીવાર ‘ટાસ્ક ઓરિએન્ટેડ’ (કામ પૂરતું) હોય છે. એ મોટી સમસ્યાઓ ઉકેલવામાં કે ઓફિસના કામમાં એટલા ડૂબી જાય છે કે નાની વિગતો તેમના મગજમાંથી નીકળી જાય છે. જ્યારે સ્ત્રીનું મગજ ‘મલ્ટી-ટાસ્કિંગ’ -એક સાથે અનેક કામ સરળતાથી કરી શકે છે.

પુરુષ આ બાબતે દરેક વખતે માર ખાય છે, પણ અમિતાભ બચ્ચને કુમાર મંગલમની પત્નીને ટીપ આપી કે, મોબાઈલમાં વોઈસ રેકોર્ડર હોય છે એ ચાલુ રાખો અને પતિ ભૂલી જાય ત્યારે એને એ સંભળાવો એટલે એની પાસે સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય નહિ રહે ! .

વાત સાચી છે. ટેકનોલોજી કામ લાગે છે આવા કામોમાં. ગૂગલ રિમાઈન્ડરમાં માત્ર તે દિવસનું જ નહીં, પણ 2 દિવસ અગાઉનું રિમાઇન્ડર સેટ કરો, જેથી ગિફ્ટ કે પ્લાનિંગ કરવાનો સમય મળે. જો તમે ઓફિસમાં વધુ સમય વિતાવતા હો તો તમારી ડેસ્ક ડાયરીમાં પહેલા પાના પર જ આ ચાર-પાંચ મહત્ત્વની તારીખો લખી રાખો. ઘરમાં એક એવું કેલેન્ડર રાખો જ્યાં બધાના જન્મદિવસ સાથે મોટા અક્ષરે નામ લખેલું હોય. રોજ સવારે ચા પીતી વખતે તેના પર નજર નાખવાની આદત પાડો.

આ બધું તો ખરું, પણ સાચો ઉપાય તો એ જ છે કે, તમે તારીખો ભૂલી જ જતા હો તો પત્ની સમક્ષ સ્વીકારી લો. પત્નીને કહો કે આપણે સાથે મળીને ફોનમાં રિમાઇન્ડર સેટ કરીએ? ફાયદો એ થશે કે પત્ની નારાજ પણ નહિ થાય અને ખોટું પણ નહીં લાગે અને બંને સાથે મળીને સેલિબ્રેટ કરી શકશો. બાકી પત્ની પાસે આ મુદે તો તમે ટૂંકા જ પડવાના. હજુ ય ભરોસો પડતો નથી? તો સાંભળો આ જોક…

પત્ની: સાંભળો છો, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. આજે આપણે બહાર જમવા જઈશું અને પછી કંઈક સરસ ગિફ્ટ અપાવજો.
પતિ (કંટાળીને): પણ ગયા મહિને જ તો આપણે જમવા ગયા હતા અને તને સાડી અપાવી હતી!

પત્ની: અરે, એ તો મારો જન્મદિવસ હતો! અને એની પહેલા જે હોટલમાં ગયા હતા એ તમારો જન્મદિવસ હતો. ગયા રવિવારે ગયા એ પપ્પાની રિટાયરમેન્ટ પાર્ટી હતી… અને હા, પેલી જ્વેલરી લીધી એ તો ભાઈના લગ્નની ખુશીમાં હતી!

પતિ (માથું પકડીને): ઓ ભગવાન! તને આ બધું આટલું ડિટેલમાં કેવી રીતે યાદ રહે છે?
પત્ની: બહુ સિમ્પલ છે… તમે કઈ તારીખે કેટલા રૂપિયા વાપર્યા ને, એનો હિસાબ રાખું એટલે તારીખ તો આપોઆપ યાદ રહી જ જાયને!
તારો બન્ની.

આ પણ વાંચો…સાસુ-વહુના સંબંધો સારા કેમ ના હોય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button