પત્નીઓને બધી ખબર કેમ પડી જાય છે…?

- કૌશિક મહેતા
ડિયર હની,
કેટલીક વાર આશ્ર્ચર્ય થાય છે કે તમને એટલે કે પત્નીઓને કે ઘરની કોઇ પણ મહિલાને ખબર કેમ પડી જાય છે કે કોનો મૂડ કેવો છે અને એને ઠીક કરવા શું કરવું જોઈએ? એ પણ જોયું છે કે, પત્ની ગુસ્સે થાય તો એમનો ગુસ્સો દૂધના ઉફાણા જેવો હોય છે, જે ઝડપથી નીચે બેસી જાય છે. દરેક પુરુષે આ અવલોકન કરવા જેવું છે. પોતાના જીવનના જ પ્રસંગોને યાદ કરશો તો ખ્યાલ આવી જશે.
મને બરાબર યાદ છે કે, કોઈ વાતે તું દીકરા પર બહુ ગુસ્સે થઇ ગઈ હતી. એને ફટકાર્યો નહોતો એટલું જ.. ત્યારે દીકરો ઓઝપાઈ ગયેલો. એ તુરંત રૂમમાં જતો રહ્યો હતો. પછી કાઈ બોલ્યા વિના મોબાઈલ જોવા લાગ્યો હતો. તું ત્યારે રસોડામાં હતી. થોડીવારમાં રસોઈ થઇ ગઈ અને જમવાનો સમય થયો તો તું જ સામેથી રૂમમાં ગઈ અને દીકરાને કહ્યું, મોબાઈલ મૂક, પહેલા જમી લે.
પછી પાછી રસોડામાં જતી તું મનોમન જાણે બોલતી હતી કે, મોબાઈલમાંથી નવરા થતા નથી. આવું એકવાર નહિ અનેકવાર બન્યું છે. દીકરા પર તું ગુસ્સે થાય અને અને મનાવે પણ તું જ.
દીકરીનો કિસ્સો તો એનાથી ય વધુ યાદ રહે એવો હતો. એ નાની હતી ત્યારે એને કેલ્શિયમની ખામી હતી. એ કારણે એ જ્યાં ત્યાં દીવાલ કે સ્કૂટર પરની ધૂળ હોય એ આંગળી ફેરવી અને મોમાં મૂકતી. તારી નજરમાં એ આવે એટલે એના પર કેવી ગુસ્સે થતી. એકવાર ડેલીએ ઊભી ઊભી દીકરી ગુટખાનું ખાલી રેપર લઇ ચાટતી હતી. તે એ જોયું અને તારો ગુસ્સો સાતમા આસમાને.
તે દીકરીને જોરથી તમાચો ઠોકી દીધો. દીકરી ડઘાઈ ગઈ-રડવા લાગી. હું ત્યારે ઘરમાં જ હતો. બા પણ હતાં. અમે બંનેએ જોયું કે દીકરી બહુ રડતી હતી. મેં એને ઘરમાં લીધી. બા બોલવા લાગ્યાં કે, આ રીતે છોકરાવને મરાય? મેં પણ તને કહ્યું કે, તું ગુસ્સે થા ત્યાં સુધી બરાબર, પણ દીકરી પર હાથ ના ઉપાડાય….તું સામી દલીલ કરતી હતી કે, તને ખબર છે એ શું કરતી હતી? તેં કારણ બતાવ્યું તો પણ મને તારું મારવાનું કોઈ પણ રીતે ગળે ન ઊતર્યું.
અલબત, થોડો સમય થાય અને તારો ગુસ્સે ઠંડો પડે એટલે તું જ દીકરી પાસે જતી. અને મનાવી લેતી. એને કોઈ ચીજ ખાવા આપતી. મને સમજાતું નહોતું કે પેલા ગુસ્સે થવું પછી હાથ ઉપાડવો અને પછી તું જ પાછા મનાવા જાય. કદાચ આને જ ‘મા ‘કહેવામાં આવે છે.
હું ગુસ્સે થાવ અને તને કોઈવાર ઊંચા અવાજે કહી દઉ તો તું ય સામો જવાબ દે છે, પણ હું ગુસ્સે હોઉં તો બહુ બોલતો નથી. શાંત થઇ જાઉં છું. મનમાં ઊથલપાથલ ચાલતી રહે છે ને તું એ સમજી જાય છે. ઘણીવાર ઓફિસમાં કે પરિવારમાં કાઈ બન્યું હોય, જીવ કચવાતો હોય, ગુસ્સો આવ્યો હોય તો તુરંત કળી જાય છે કે ‘કૈક તો બન્યું છે…’ હું કાઈ કહું પહેલા તું સમજી જાય છે.
થોડીવાર તું કાઈ પૂછતી કે બોલતી નથી. પછી કારણ પૂછે છે. મારામાં અંદર રહેલો ગુસ્સો બહાર નીકળી જાય છે ને મન શાંત થાય છે. તું એની જ રાહ જોતી હોય છે. અને એવો મલમપટ્ટો કરે છે કે મૂળ ઠીક થઇ જાય છે. અને આનંદમાં હોઉં તો પણ તને ખબર પડી જાય છે. હું લખવા બેઠો હોઉં કે પછી કોઈ કામ ચાલતું હોય તો ચા આપી જાય કે પછી કોઈ ખાવાની ચીજ જરૂર મૂકી જાય.
આવું તમે જ કરી શકો. પણ તું કોઈ કારણે ગુસ્સે થાય તો હું સાવ ચુપ થઇ જાઉં છું તારું એ રૂપ બહુ આંચકો આપનારું હોય છે. મને એમ જ લાગે કે અત્યારે ના બોલવામાં નવ ગુણ છે. અલબત, હું ય તારો ગુસ્સો શાંત પાડવા પ્રયત્ન તો કરું જ છું. મને ખબર હોય છે કે એ લાંબો સમય ટકશે નહિ.
મેં આ વિશે ઘણીવાર વિચાર્યું છે અને મને ઉત્તર એ મળ્યો છે કે પત્ની એના પતિ કે સંતાનોના ચહેરાના હાવભાવ, ચાલવાની રીત, બેસવાની રીત વગેરે પરથી સમજી જાય છે કે એમનો મૂડ કેવો છે. પછી એનો ઉપાય શું કરવો જોઈએ એની રેમેડી તમારી પાસે હોય છે. એનું એક કારણ એ કે પત્નીને પોતાના પરિવાર સાથે એક ભાવનાત્મક જોડાણ હોય છે. આ જોડાણને કારણે એ એમનાં દુ:ખ અને તકલીફોને સરળતાથી સમજી શકે છે.
વર્ષોના અનુભવ પછી, પત્નીને ખબર હોય છે કે કઈ પરિસ્થિતિમાં કેવો ઉપાય કરવો જોઈએ, જેમ કે, જો બાળક નારાજ હોય, તો એને મનપસંદ વસ્તુ આપવી અથવા પ્રેમથી વાત કરવી. આ એક કુદરતી પ્રક્રિયા છે, જેમાં કોઈ તાલીમ કે ભણવાની જરૂર નથી હોતી. આ એક સહજ સમજણ છે જે પ્રેમ અને લાગણીથી ભરેલા સંબંધોમાંથી જન્મે છે એટલે જ પત્ની હોય કે મા, બહેન હોય કે ભાભી… મહિલાઓ કોઈ પણ સબંધમાં સમસ્યા સર્જાય તો એનો ઉકેલ બહુ ઝડપથી શોધી લે છે.
તારો બન્ની
આપણ વાંચો: પત્નીની જેમ પતિ અટક બદલાવશે?