સાહિત્ય જ્યારે બને જીવનનો ખરો ધબકાર…

નીલા સંઘવી
જે વ્યક્તિ સાહિત્ય, સંગીત, કળાથી વંચિત રહે છે તે પૂંછડી અને શીંગડા વગરના પશુ સમાન છે. તે ઘાસ ખાધા વગર પણ જીવે છે….
બીજા શબ્દોમાં કહીએ તો સાહિત્ય અને સમાજ વચ્ચે અનેરો સંબંધ છે. સાહિત્ય સમાજને અરીસો દેખાડે છે. સાહિત્ય હંમેશાં સ્થળ- કાળનાં સ્પંદનો ઝીલે છે જે તે સમયના રીતરિવાજો, માન્યતાઓ, વહેમો, કુરૂઢિઓ તેમ જ આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. કોઈ પણ સમાજનો અંતરંગ પરિચય એના સાહિત્ય દ્વારા મેળવી શકાય છે.
તમને થશે કે આજે ‘સંધ્યા છાયા’ કોલમમાં સાહિત્યની વાત કેમ માંડી છે તો તમને કહી દઉં કે આજે આપણે અહીં એવી વડીલ વ્યક્તિની વાત કરવાના છીએ જેમના માટે સાહિત્ય જ જીવન છે. એમના માટે જીવનનો ખરો ધબકાર સાહિત્ય છે…
હરીશભાઈ આજે તો 85 વર્ષથી પણ વધુ વયના છે. છેલ્લાં ઘણાં વર્ષોથી એ સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. અને આ કામ એટલી નિષ્ઠાથી કરી રહ્યાં છે કે એક દિવસ પણ તેમનો ખાડો ન પડે.
હરીશભાઈ અને મીનાબહેન આ એક એવું સરસ યુગલ છે, જેને જોઈને લાગે કે આ બંને તોmade for each others છે-જાણે એકમેક માટે જ સર્જાયા છે. વૃદ્ધાવસ્થામાં પણ બંને દર્શનીય લાગે છે. બંનેના શોખ પણ સરખા. બંનેને જોઈએ તો આપણે પણ ખુશ થઈ જઈએ. બંનેને એકમેક પર અપાર વહાલ. તેમને જોઈને સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવી જાય: ‘એક ડોશી હજુ ડોસાને વહાલ કરે છે.’ આવા પ્રેમાળ દંપતી માટે કવિ કલાપીની પંક્તિઓ પણ બંધ બેસે: ‘એહો! કેવું સુખી જોડુ કર્તાએ વિરમ્યું દીસે!’
હરીશભાઈ અને મીનાબહેન માત્ર એકમેકને જ પ્રેમ નથી કરતાં- લોકોને પણ પ્રેમ આપે છે-પ્રેમ પામે છે. અને રખે માનતા કે આ દંપતીના જીવનમાં ખુશી જ ખુશી હતી. જીવનમાં તકલીફો અને દુ:ખ સાથે લડીને એ બન્ને આજે આ મુકામે પહોંચ્યા છે.
હરીશભાઈના એક પુત્રનું યુવાનીમાં જ અકાળે અવસાન થઈ ગયું છે. બીજો પુત્ર અમેરિકા રહે છે. પુત્ર અવસાનના દુ:ખને મનમાં જ દબાવીને એ બન્ને રચનાત્મક કાર્ય કરતા રહે છે. વર્ષે બે વર્ષે પુત્રના પરિવાર સાથે રહેવા માટે બે-ચાર મહિના અમેરિકા પણ જઈ આવે છે. પુત્રના નિધન બાદ ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી પણ ધીરે-ધીરે બંનેએ પોતાની જાત સંભાળી અને એકમેકને પણ સંભાળ્યા.
‘હરીશભાઈ -મીનાબહેન સાહિત્ય સેવા કઈ રીતે કરે છે?’
એવો પ્રશ્ન વાચકોને થાય એ સ્વાભાવિક છે. તો જણાવી દઉં કે હરીશભાઈએ અઠવાડિયાનો એક દિવસ ફિક્સ કર્યો છે. આ ફિક્સ દિવસે એક સાહિત્યકાર એમના ઘેર આવે અને પોતાની કૃતિઓનું પઠન કરે. હા, આ કાર્યક્રમ હરીશભાઈના ઘરના દીવાનખાનામાં વર્ષોથી અવિરત ચાલે છે. સાંજના સમયે એક સર્જક હરીશભાઈના ઘેર આવે જેમને આમંત્રિત કરવામાં આવ્યા હોય, દર અઠવાડિયે આવનાર સર્જકની માહિતી હરીશભાઈના વોટ્સએપ ગ્રૂપ તેમ જ જાણીતા અખબારોમાં પણ આપવામાં આવે, જેના કારણે જે સાહિત્ય રસિક વ્યક્તિને સાહિત્યનો આનંદ લેવો હોય એ પણ હરીશભાઈના ઘેર શ્રોતા તરીકે હાજરી આપી શકે.
એક કલાકની સમય અવધિ દરમિયાન સર્જક પોતાની કૃતિઓ રજૂ કરે. અહીં ફક્ત શુદ્ધ સાહિત્યની જ વાતો થાય છે. આડી-અવળી કોઈ વાતોને અહીં સ્થાન નથી. કાવ્ય, વાર્તા, નાટક જેવાં સાહિત્ય પ્રકારને પ્રાધાન્ય આપવામાં આવે. અહીં ફક્ત શુદ્ધ સાહિત્યમાં જેમને રસ હોય તેવાં જ શ્રોતાઓ આવકાર્ય છે. અહીં ટોળાને સ્થાન નથી અને તેથી જ ટોળાને આકર્ષિત કરવા માટે ચા-નાસ્તાની લાલચ આપવાની તેમને જરૂર પડતી નથી.
અહીં ચા નાસ્તાની વ્યવસ્થા ન હોવા છતાં સાહિત્ય રસિક શ્રોતાઓ હાજરી આપે છે. શ્રોતાઓની હાજરી સંખ્યામાં ઓછી હોય છે પણ જેટલાં હાજર હોય છે તે બધાં સુજ્ઞ શ્રોતાઓ હોય છે. તેથી એક કલાક સર્જકને સાંભળ્યા બાદ હરીશભાઈ દરેક શ્રોતાને સર્જકે રજૂ કરેલ કૃતિ કે કૃતિઓ વિશે પોતાનું મંતવ્ય આપવા અનુરોધ કરે છે. હાજર દરેક શ્રોતા પોતાને સર્જકે રજૂ કરેલ રચના માટે જે કહેવાનું હોય તે બેધડક કહે છે. સુષ્ઠુ સુષ્ઠુ જ કહેવાનો અહીં રિવાજ નથી.
સર્જકની કોઈ ભૂલ દેખાય કે સર્જકની કોઈ રચના ન ગમે તો શ્રોતા કહી શકે છે. બધાં જ શ્રોતાઓ પોતાનું મંતવ્ય આપી દે પછી હરીશભાઈનાં પત્ની મીનાબહેન અને છેલ્લે હરીશભાઈ પોતાનું મંતવ્ય જણાવે છે.
મીનાબહેન અને હરીશભાઈ બંને સાહિત્યના મર્મજ્ઞ છે તેથી તેમના મંતવ્યનું અનેરું મહત્ત્વ છે. હરીશભાઈની વિદ્વતાભરી વાણી સાંભળવી એ એક લહાવો છે. હરીશભાઈ પોતે લેખક-કવિ છે તેથી સાહિત્યની બારીકીઓ જાણે છે. અહીં આવનાર શ્રોતાને તો કાંઈક જાણવા-શીખવા મળે જ, સાથે સાથે સર્જકને પણ શીખવા મળે છે. શ્રોતાઓનું કે હરીશભાઈ-મીનાબહેનનાં સૂચનો સર્જક માટે ઉપયોગી થઈ શકે છે અને સર્જક પોતાની કૃતિમાં સુધારા-વધારા કરીને કૃતિને શ્રેષ્ઠ બનાવી શકે છે. આમ દર અઠવાડિયે એક દિવસ ચાલતી આ પ્રવૃત્તિ લેખક-શ્રોતા માટે એક જીવંત વર્કશોપ બની રહે છે.
હા, એક વાત કહેવાની રહી ગઈ. સૌ શ્રોતા અને યજમાન પોતાના મંતવ્ય આપી દે પછી સર્જકને કોઈ જવાબ આપવાના રહેતાં નથી. સર્જકે તો બધાંની વાત સાંભળીને જો યોગ્ય લાગે તો પોતાની રચનાને બેહતર બનાવવાનો પ્રયાસ કરવાનો છે.
હરીશભાઈ-મીનાબહેન અમેરિકા જાય ત્યારે પણ તેમની દીકરીઓ સમાન લેખિકાઓને ચાવી આપીને જાય છે અને આ દીકરીઓ પણ પૂરી નિષ્ઠાથી દર અઠવાડિયે એક સર્જકને નોતરીને હરીશભાઈનું કાર્ય ચાલુ રાખે છે. હરીશભાઈની આ સાહિત્ય-સેવા ફક્ત ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ ચાલુ છે. ત્યાં પણ હરીશભાઈએ સાહિત્યનું આવું ગ્રૂપ બનાવ્યું છે. ત્યાં પણ સર્જકને સાંભળવા શ્રોતા આવે છે. હરીશભાઈએ તૈયાર કરેલી ટીમ હરીશભાઈની ગેરહાજરીમાં પણ સાહિત્ય-સેવા ચાલુ રાખે છે. એક વ્યક્તિમાં નેતૃત્વ શક્તિ હોય તો કેટલું સરસ કાર્ય થઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આપણ વાંચો: સ્વજનોની હૂંફ છે અસરકારક દવા



