પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : જાલિમ બાદશાહે ખ્વાબમાં શું જોયું?: ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા

-અનવર વલિયાણી

એ સમયનો આ પ્રસંગ છે જે કયામત (મૃત્યુલોક, ન્યાયના દિવસ) સુધી હિદાયત-ધર્મની સાચી સમજ, બોધ, જ્ઞાન શાસન કર્તાને આપતો રહેશે: ઈરાકના કુર્દી કોમના બાદશાહ બખ્તેનસર સત્તાસ્થાને આરૂઢ હતા. ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન અને ઠેઠ સિંધ પ્રદેશ સુધી તેમની વિશાળ સત્તા ફેલાયેલી હતી. પેલેસ્ટાઈનમાં યહૂદીઓનો દબદબો અને રાજ હતું. મહાન સૂફી-સંત, અલ્લાહના ઓલિયા હઝરત દાનિયાલ પણ પેલેસ્ટાઈનમાં જ વસવાટ કરતા હતા. અંદરોઅંદરના વિખવાદોના કારણે યહૂદીઓનું રાજ્ય નબળું પડતું જઈ રહ્યું હતું અને બાદશાહ બખ્તેનસરની કડવી નજર પેલેસ્ટાઈન પર હતી.

બખ્તેનસરે એક દિવસ લાગ જોઈને યહૂદીઓના રાજ્ય પર લાવલશ્કર સાથે ચડાઈ કરી અને જીતીને યહૂદીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. ત્યાંના બુદ્ધિજીવીઓ સાથે અસંખ્ય નિર્દોષ લોકોને પણ કેદ કર્યા. એ કેદીઓમાં સંત હઝરત દાનિયાલ પણ હતા. એક ઘોર અંધારી રાતે બાદશાહ બખ્તેનસરે ભયાનક ખ્વાબ જોયો. આ સપનાને લીધે તે ખૂબ જ ભયભીત થઈ ગયો, પરંતુ પરોઢ થતા રાત્રે જોયેલા ખ્વાબને તે વિસરી ગયો.

ડરને લીધે સ્મરણપટ પરથી લુપ્ત થઈ ગયેલા સપનાની ઘટના તેને કેમે કરીને યાદ આવતી નહોતી. આથી તેણે તેના દરબારી જ્યોતિષીઓ, ફાલ કાઢનારાઓ, સ્વપ્ન ફળ બતાવનારાઓને એકઠા કર્યા અને રાત્રે કયું સપનું જોવાથી તે આટલો ભયભીત થઈ ગયો હતો, તેની વિગત બતાવવા કહ્યું, પરંતુ કોઈ પણ દરબારી નજુમી કે ફાલ કાઢનારા એ બતાવી શકવા સમર્થ નીવડ્યા નહીં. એટલે તેણે એ બધાની કતલ કરવાનો આદેશ આપ્યો.

મહાન આલિમ-વિદ્વાન હઝરત દાનિયાલ એ સમયે બખ્તેનસરના કેદખાનામાં કેદ હતા. તેમને આ અત્યાચારી બાદશાહના મજકુર સપનાની જાણ થઈ. આપે જેલર દ્વારા રાજા બખ્તેનસરને કહેવડાવ્યું કે તેઓ બાદશાહે જોયેલા ખ્વાબને વર્ણવીને તેની સાચી તાઅબીર (અર્થ) બતાવી શકે એમ છે. બખ્તેનસરે હઝરત દાનિયાલને કેદમાંથી મુક્ત કર્યા અને ખ્વાબનું ફળ બતાવવા કહ્યું. સંત હઝરત દાનિયાલે રાજા પાસે એક દિવસની મુદત માગી અને રબની ઈબાદત-બંદગીમાં મશગૂલ થઈ ગયા. પરવરદિગારે આલમે હઝરત દાનિયાલને ખ્વાબની વિગત અને તેનું ફળ બંનેનો ઈલ્મ (જ્ઞાન) અતા ફરમાવ્યો. માશા અલ્લાહ (ઈશ્વર મહાન છે.)

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : એક બાદશાહ, બે ફરિયાદી: સતયુગનો લા’જવાબ કિસ્સો

બીજે દિવસે હઝરત દાનિયાલ રાજદરબારમાં ઉપસ્થિત થઈ, સૌપ્રથમ કેદ કરાયેલા દરબારીઓ, જ્યોતિષીઓ, સ્વપ્નફળ બતાવી ન શકનારા નજુમીઓ અને નિર્દોષ લોકોને કેદખાનામાંથી મુકત કરી, માફી આપવા બખ્તેનસરને જણાવ્યું. બાદશાહે હઝરત દાનિયાલના કહેવા પ્રમાણે સૌને ક્ષમા આપી જેલ મુકત કર્યા. ત્યારે બાદ બાદશાહે એક દિવસ પૂર્વે, પાછલી પરોઢે જોયો હતો તે સપનાનું આબેહૂબ વર્ણન હઝરત દાનિયાલે કર્યું અને બખ્તેનસરને એનો અર્થ બતાવતા કહ્યું કે, તેં જોયેલો ખ્વાબ સ્પષ્ટ સંકેત આપે છે, કે ટૂંક સમયમાં જ તારા જુલ્મોસિતમ અને તકબ્બૂર (અભિમાન, ઘમંડ)નો બદલો તને એ મળશે કે પ્રજાથી દૂર થઈને તુ હેવાન (જનાવરો)ની સાથે રહેવા લાગી જશે.

અને જોતજોતામાં સમયે દસ્તક દઈ દીધી કે હઝરત દાનિયાલે ઉચ્ચારેલી વાણી અક્ષરસ સાચી પડી. અત્યાચારી બખ્તેનસર જાનવરોની જેમ ઘાસ ચરવા લાગ્યો. બારગાહે ઈલાહી (અલ્લાહના દરબાર)માં તે આજીજીભરી ગીરિયાજારી કરતો રહ્યો, રડતો, કકળતો રહ્યો. તૌબા, પશ્ર્ચાતાપના આંસુઓ સાર્યા પછી તેની હાલત પૂર્વવત્ થઈ.
(ફરી ગુનાહ ન કરવાની શર્તેજસ્તો).

-અલ્લાહ સંપૂર્ણ છે અને ઈન્સાન અપૂર્ણસ્ત્રી હોય કે પુરુષ! સપનું દરેકને આવતું હોય છે. અર્ધજાગૃત મનની દશામાં ખ્વાબ આવે છે. ભરઊંઘમાં પણ આવતું હોય છે. માનવીના અંતરમનમાં સંઘરાયેલા વિચારો પણ સ્વપ્ન રૂપે રજૂ થાય છે.
સપનું જોયા પછી મોટે ભાગે તે યાદ રહેતું નથી અથવા આપણે એને ભૂલી જઈ, એના પર ઝાઝો વિચાર કરતા હોતા નથી. હઝરત દાનિયાલનું કથન છે કે જો ખ્વાબની તાઅબીર (અર્થ) કોઈને પૂછવાની જરૂર પડે તો તેણે સવારથી લઈ મધ્યાહન સુધીમાં કોઈ આલિમ-જ્ઞાની જાણકારને પૂછવું યોગ્ય બની રહેવા પામશે.

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ ઃ પૂરી કરતા ખુદા સબ મુરાદે તો ઈબાદત કી કભી જરૂરત ન હોતી

સનાતન સત્ય:
યાદ રહે, કોઈ પણ અર્થ વગરનો ખ્વાબ, સપનું હોતું નથી. બહુ ઓછા લોકો હોય છે જેને સપનું યાદ રહે છે.
પથ્થર કી લકીર:

પયગંબર હઝરત મુહમ્મદ (સલ.) કહે છે કે, દુનિયામાં ડબલ ઢોલકી (બે જીભે બોલનાર) હશે કયામતમાં તેને માટે આગની જીભ હશે. એક રિવાયત્ (અક્ષર:શ કથન)માં છે, કે તે માણસ માટે આગની બે જીભો હશે.

બોધ: ખરાબ ટેવવાળાઓનું શું થશે?
મોમીન બંદાએ આ વાત વિચારી લેવી ફાયદેમંદ છે. લાભકર્તા છે.
ખોટા સંસ્કાર કેળવવા નહીં. ખોટા સંસ્કાર ઘણી ખરાબ વાત છે. એજ પ્રમાણે આપ હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે, કે ચાડીઓ ખાનાર શખસ જન્નતમાં દાખલ થશે નહીં.
ડબલ વાતો કરનાર ડબલ ઢોલકી છે. તેનો અંજામ પણ બૂરો છે.

સાપ્તાહિક સંદેશ:
કોઈના દિલમાં અને દુઆમાં જો તમે રહેતા હોવ તો સાચું માનજો કે તમારાથી વધુ નસીબદાર કોઈ નથી.
-હદીસ

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : લાખ દુ:ખો કી એક દવા: અલ્લાહ રસૂલ અને કયામત પર ઇમાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button