અહા…કેવી મસ્ત મજાની જિંદગી! | મુંબઈ સમાચાર

અહા…કેવી મસ્ત મજાની જિંદગી!

  • નીલા સંઘવી

સાઠ સાલ પછી જિંદગી કેટલી સરસ રીતે જીવી શકાય એનું ઉદાહરણ છે. ભાવેશભાઈની પ્રવૃત્તિઓ જોઈએ તો ખ્યાલ આવે કે ‘સાઠે બુદ્ધિ નાઠી’ કહેવત જેણે પણ કહી હશે એ ખોટી છે. સાઠે તો અનુભવનો અર્ક જીવનમાં મળે એટલે બુદ્ધિ તેજ થાય.

વ્યવસાય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પણ એ એક ક્રિયેટિવ આર્ટિસ્ટ છે. ભાવેશભાઈને ફરવાનો બહુ શોખ. ખૂબ ફરે અને ત્યાંના કલ્ચર, ખાનપાન, ભાષા વિષે અભ્યાસ કરે. એ માને કે અલ્ઝાઈમર અને પાર્કિંસન જેવી બીમારીથી બચવું હોય તો તન અને મનને સતત પ્રવૃત્તિમય રાખવું જોઈએ. જીવનસંધ્યાએ એક એવો શોખ રાખવો જોઈએ, જે છેલ્લાં શ્વાસ સુધી તમારી સાથે રહે.

લૉકડાઉન દરમિયાન લોકો સાથે સંપર્કમાં રહેવાનો અને કંઈક શીખવવાનો ભાવેશભાઈને વિચાર આવ્યો. મળી તો શકાતું ન હતું, તો શું કરવું…

‘ઝૂમ’ મીટિંગ કરવાનો વિચાર કર્યો.

દર ગુરુવારે ઝૂમ મીટિંગના માધ્યમથી જુદા-જુદા વિષય અને વકતાઓને સાથે લઈને એમણે કાર્યક્રમની શરૂઆત કરી. લોકોને બેથી ત્રણ કલાક મનોરંજન કરાવતા અથવા કોઈક નોલેજ ઓરીએન્ટેડ કાર્યક્રમ આપતા. ભાવેશભાઈનો પોતાનો સમય પસાર થતો અને બીજાને પણ મજા આવતી. આમ લૉકડાઉનમાંથી હેમખેમ બહાર નીકળી ગયા.

પરિવારમાં ભાવેશભાઈનાં બા, પત્ની અને બે દીકરી. બંને દીકરીઓના લગ્ન પછી ભાવેશભાઈના પત્ની આરતીબહેન પાસે કોઈ ખાસ પ્રવૃત્તિ ન રહી. જીવનનો ઘણો સમય દીકરીઓને ઉછેરવામાં ગયો. હવે જ્યારે આરતીબહેન પાસે સમય જ સમય છે ત્યારે ભાવેશભાઈએ આરતીબહેનના કુકિંગની રેસીપીના વીડિયો યુટ્યૂબ પર મૂકવા માંડ્યા. આરતીબહેન રસોઈમાં એક્સપર્ટ તેથી ટેકનોસેવી ભાવેશભાઈએ આરતીબહેનનની રેસીપી બનાવતા વીડિયો શૂટ કર્યા, એડિટ કર્યા અને યુટ્યૂબ ચેનલ શરૂ કરી. દર અઠવાડિયે એક વાનગી બનાવીને યુટ્યૂબ પર પોસ્ટ કરતા ગયા. એનો બહુ ફાયદો થયો. પતિ-પત્ની બંનેને આમાં બહુ મજા આવતી હતી. સાથે સાથે એમની દીકરીઓ ભણવામાં વ્યસ્ત હોવાને કારણે રસોઈ આવડતી ન હતી એ મમ્મીની ચેનલમાં જોઈને શીખી ગઈ. હવે એમને કોઈ પણ રેસિપી પૂછવા માટે મમ્મીને ફોન નહોતો કરવો પડતો.

અઠવાડિયામાં એક વાર એ આ વીડિયો પોસ્ટ કરતા. બાકીના સમયમાં શું કરવું? આરતીબહેનને ગાવાનો બહુ શોખ. ભાવેશભાઈએ એમને સારામાં સારી મ્યુઝિક સિસ્ટમ લઈ આપી.

આમાં ગીતો સાંભળીને આરતીબહેન ઘણું શીખ્યા. અને આજે તો એ સ્ટેજ શો પણ કરે છે!. લોકો એમના પ્રોગ્રામમાં ગાવા માટે આરતીબહેનને બોલાવે છે. આરતીબહેનનો આત્મવિશ્ર્વાસ વધી ગયો. સ્ટેજ ફિયર ચાલી ગયો. અને હવે એ સતત વ્યસ્ત રહે છે. એમની સોસાયટીમાં મહિનામાં બે વાર ગીતો-સંગીતનો કાર્યક્રમ એ લોકો ગોઠવે છે,

જેમાં આરતીબહેનનું ગાયન તો હોય જ. ડ્યુએટમાં ભાવેશભાઈ સાથ આપતા. સાથ આપતા આપતા હવે પોતે પણ ગાવા માંડ્યા છે. આ યુગલ રોજ સાંજે એક દોઢ કલાક ગીતો ગાય અને રેકોર્ડ કરે.

ભાવેશભાઈને સતત પ્રવૃત્તિમાં જોઈએ. એ નિવૃત્તિમાં માનતા જ નથી. સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. તાજેતરમાં ભાવેશભાઈ જર્મની ગયા હતાં. એમની એક દીકરી જર્મની છે. દીકરીને ત્યાં દીકરીનો જન્મ થયો. ભાવેશભાઈએ નક્કી કરી લીધું કે મારે જર્મન ભાષા શીખવી છે ને શીખવાનું ચાલુ કર્યું અને આજે કામ પૂરતું બોલી શકે છે. ભાવેશભાઈ ઈચ્છે કે એમની દોહિત્રી જ્યારે અહીં એમને મળવા આવે ત્યારે એ એની સાથે જર્મનમાં વાત કરી શકે. જર્મન ભાષા શીખવી અઘરી છે પણ ભાવેશભાઈ શીખવાનું છોડતા નથી. એ ખુશ થાય છે કે હવે દીકરી-જમાઈ સાથે જર્મનમાં વાત કરી શકશે.

ભાવેશભાઈ માને છે કે સમાજે આપણને ઘણું આપ્યું છે તો આપણે પણ સમાજને કંઈક પાછું વાળવું જોઈએ. એમને વિચાર આવ્યો કે વડીલોને મોબાઈલ ફોન, કમ્પ્યુટર વાપરવામાં તકલીફ થાય છે. તેથી એમણે ડિજિટલ લિટરસી ઝુંબેશ શરૂ કરી.
સિનિયર સિટિઝન તેમ જ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ શીખવવા માટે શિબિર કરે છે.

એ ઉપરાંત, સાયબર સિક્યોરિટી અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે શીખવે છે.

આ ઉપરાંત ભાવેશભાઈ ફોટોગ્રાફી, કેલિગ્રાફી, વીડિયો ગ્રાફી પણ શીખે છે. આમ એ આજીવન વિદ્યાર્થી છે.

પરિવારમાં એ ફેમિલી ડૉક્ટર જેવાં છે. નાનપણથી સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું પણ બની ગયા સી.એ. તેથી એમણે બોમ્બે હૉસ્પિટલથી છ મહિનાનો નર્સિંગનો કોર્સ કર્યો. તેથી મિત્રો કે પરિવારમાં કોઈ બીમાર પડે તો પ્રથમ ક્ધસલટ ભાવેશભાઈને કરે પછી ડૉક્ટરની સલાહ લે.

એક વાત ભાવેશભાઈ બહુ સરસ કહે છે. એ કહે છે ઉંમર થાય પછી બેમાંથી એક ક્યારે અલવિદા કરી દે તે કહેવાય નહીં. મોટે ભાગે એવું બને છે કે બેમાંથી એક અલવિદા કરી દે પછી પાછળ રહેલ પતિ-પત્નીનું જીવન દુષ્કર બની જાય છે. તેથી એકલા રહેવાની આદત પાડવી જોઈએ….

ભાવેશભાઈ આરતીબહેનને એકલાં જ ટ્રાવેલિંગમાં મોકલે. તાજેતરમાં આરતીબહેન જર્મની ગયા તો ભાવેશભાઈ દોઢ મહિનો એકલા રહ્યા, રસોઈ બનાવીને જમ્યા, ઘર સાચવ્યું. ભાવેશભાઈ જ્યારે એકલા બહારગામ જાય ત્યારે આરતીબહેન એકલા આરામથી રહી શકે. આમ એકલા રહેવાની ટ્રેનિંગની શરૂઆત એ યુગલે કરી દીધી છે.

આપણ વાંચો:  બહુપતિ કે બહુપત્ની…આ તે કેવી પ્રથા?!

જો ભાવેશભાઈ આ ઉંમરે આટલું બધું કરી શકતા હોય તો યુવાનો કેટલું બધું કામ કરી શકે…. મુશ્કેલી તો બધાંના જીવનમાં આવે, એમાંથી આનંદની પળો ચોરી લઈને માણવાની છે. ભાવેશભાઈ આરતીબહેનને જોઈને મીઠી ઈર્ષા થાય કે કેવી મસ્ત
મજાની જિંદગી જીવી રહ્યું છે આ યુગલ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button