પુરુષલાડકી

વિશેષઃ જ્યારે મહિલાએ પુરવાર કરવું પડે કે તે મહિલા છે!

રાજેશ યાજ્ઞિક

ભારતની મહિલા રમતવીરો અત્યારે સ્પોટલાઇટમાં છે. મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીતી લીધો, તો પ્રજ્ઞાચક્ષુ મહિલા ટી-20 વર્લ્ડકપમાં પણ આપણા દેશની મહિલાઓએ તિરંગો ફરકાવી દીધો. પણ મહિલા રમતવીરોએ જે સંઘર્ષ કરવો પડે છે, તે માત્ર નાણાંનો અભાવ, કે પરિવાર, સમાજ કે સરકારના સમર્થનના અભાવ પૂરતો સીમિત નથી. મહિલાઓએ શારીરિક અને માનસિક રીતે તેને તોડી નાખે તેવા એક અન્ય સંઘર્ષનો પણ ઘણીવાર સામનો કરવો પડે છે. અને આ સંઘર્ષ માત્ર ભારતની નહિ, વિશ્વભરની મહિલા ખેલાડીઓને કરવો પડે છે.

તમે ક્યારેય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતમાં કોઈ પુષ ખેલાડી માટે એવું કહેવાતું સાંભળ્યું કે, `આ તો મહિલા છે, છતાં પુષોની સ્પર્ધામાં રમવા ઊતરી છે?’ લગભગ ક્યારેય નહીં. પણ એવું જરૂર સમાચારોમાં ચમક્યું છે, કે ફલાણી મહિલા ખેલાડી હકીકતમાં તો મહિલા જ નથી! એ પુષ છે, અથવા એ ટ્રાન્સજેન્ડર છે તેથી મહિલાઓ સાથે સ્પર્ધા કરવા લાયક નથી. હા, ખેલજગતમાં મહિલાઓ માટે માત્ર અન્ય મહિલા ખેલાડીઓ સાથે સ્પર્ધા જ નથી કરવાની હોતી, પણ ઘણીવાર આવા આક્ષેપોનો સામનો પણ કરવાનો આવે છે. કેટલીક મહિલાઓનો શારીરિક દેખાવ અને બાંધો પુરૂષ જેવો હોવાથી જ તેમના ઉપર આક્ષેપો થવા લાગે છે.

તેના માટે મહિલા ખેલાડીઓના જેન્ડર ટેસ્ટ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પુરૂષ શ્રેણીમાં ભાગ લેતા રમતવીરો પર લિંગ ચકાસણી કરવામાં આવતી નથી કારણ કે સામાન્ય રીતે સ્ત્રી અથવા આંતરલિંગી રમતવીર માટે પુરૂષ શ્રેણીઓમાં ભાગ લેવા માટે કોઈ સ્પર્ધાત્મક ફાયદો જોવા મળતો નથી. પણ મહિલાઓને આ માનસિક રીતે પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

દક્ષિણ આફ્રિકાની બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન કેસ્ટર સેમેન્યાએ એક વખત જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે ટેસ્ટોસ્ટેરોન ઘટાડતી દવા લેવી એ “નરક” હતું અને તેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી હતી. સેમેન્યાએ પોતાના નવા પુસ્તક, “ધ રેસ ટુ બી માયસેલ્ફ”માં, દવાના તેના શરીર પર થયેલા નુકસાનકારક પ્રભાવનું વર્ણન કર્યું છે અને હવે કહે છે કે તે અન્ય મહિલાઓને પણ આવું જ સહન ન કરવું પડે તે માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગે છે.

હા, હું અલગ છું, પણ તે મને સ્ત્રી કરતાં ઓછી નથી બનાવતું. ટેનિસ લેજન્ડ માર્ટિના નવરાતિલોવાને પણ આવાજ આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેને કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નહોતી પડી. ભારતીય મહિલા એથ્લીટ દૂતી ચંદને માત્ર 18 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાંથી પ્રતિબંધિત કરવામાં આવી કારણકે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ કુદરતી રીતે ઊંચું હતું.

પેરિસમાં 2024 સમર ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગમાં પણ આવો વિવાદ થયો હતો. જેમાં બે મહિલા બોક્સર પર નિશાન સધાયું હતું. અલ્જેરિયન ઇમાને ખેલીફ અને તાઇવાનની લિન યુ-ટિગ. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા બોક્સિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તેમની લાયકાત પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ખેલિફના કિસ્સામાં વર્લ્ડ બોક્સિંગ દ્વારા ફરજિયાત લિંગ પરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો, એટલુંજ નહીં તેની ઓળખ પણ ગુપ્ત રાખવામાં ન આવી. આવાં પરીક્ષણો ગૌરવ અને આત્મવિશ્વાસનાં મૂળભૂત ધોરણોને જાળવીને થવા જોઈએ. આજના જમાનામાં આવી વાતો વાઈરલ થતાં એક મિનિટનો પણ સમય નથી લાગતો હોતો. તેની અસર માત્ર ખેલાડીઓને જ નહીં, તેમના પરિવારને પણ ભોગવવી પડે છે.

એક બાજુ ક્રિકેટ કે બોક્સિંગ જેવી રમતો રમતી મહિલા ખેલાડીઓને સમાજનો એક વર્ગ પહેલેથી જ “પુરૂષો જેવી” ગણીને તેવી નજરે જોતો હોય અને બીજી બાજુ જેના ઉપર તેમનું કોઈ નિયંત્રણ નથી તેવી કુદરતી ટેસ્ટોસ્ટેરોન જેવી વાત માટે પણ તેને જ દોષી ઠરાવી દેવામાં આવે. દૂતી ચંદે પણ રમતો માટેની ઇન્ટરનેશનલ કોર્ટમાં લડાઈ લડીને ન્યાય મેળવવો પડ્યો હતો. મહિલા ખેલાડીઓને આવી વ્યથામાંથી પસાર ન થવું પડે તેના માટે વિશ્વના તબીબો અને સરકારો સાથે મળીને શા માટે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી? પુરૂષો તો મજબૂત અને શક્તિશાળી જ હોય, પણ સ્ત્રી તો નાજુક જ હોય તેવી માન્યતા વિજ્ઞાનમાં પણ પ્રબળ છે.

હા, ઘણાં પરિબળોમાં પુરૂષ અને સ્ત્રીની સરખામણી ન થઇ શકે. પણ તેનો મતલબ એવો પણ નથી થતો કે કેટલીક મહિલાઓ પુરૂષો કરતાં શારીરિક રીતે પણ ચડિયાતી ન હોઈ શકે. સાથેસાથે એ પણ સત્ય છે કે શારીરિક રીતે મજબૂત, વધુ શક્તિશાળી હોવા માત્રથી કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોવાથી જ એ મહિલા મટી જતી નથી. તેની સાથે મહિલા જેવો જ વ્યવહાર થવો જોઈએ. દરેક મહિલા તેની હકદાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button