પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ `જિંદગી કા સફર’ સમજી લેવાનો સમય: શું અલ્લાહ ઈન્સાન જાત પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે…?

અનવર વલિયાણી

`…જે મોમીન; નખશિખ મુસલમાન છે,

  • જે આખેરત; મૃત્યુલોકના અમર જીવન અર્થાત્‌‍ પરલોક પર ઈમાન; આસ્થા; સચ્ચાઈ રાખે છે, તે કોઈપણ વ્યક્તિને કષ્ટ આપતો હોતો નથી. આવો ઈન્સાન કોઈને પણ ઈજા પહોંચાડતો નથી, કારણ કે તે એક સાચો (નામનો નહીં) મુસલમાન; અલ્લાહનો બંદો હોય છે.
  • ઈમાન; સચ્ચાઈનો આ તકાઝો છે કે મોમીન કોઈ પણ ધર્મ-જ્ઞાતિના, સમાજ-જમાતના ગમે તેના હોય કદી કોઈને દુ:ખ પહોંચાડતો નથી.
  • માણસ માત્રનું સર્જન અલ્લાહ, ઈશ્વર, પ્રભુ, ગોડે કર્યું છે. જગતકર્તાને કોઈપણ શબ્દથી સંબોધો તે સર્વત્ર છે. જીવમાત્ર, સાથે હમદર્દી દાખવવી એ તેનો નિયમ છે…!’ (ભાવાનુવાદ `હદીસ’.)
  • મઝહબે ઈસ્લામની હિદાયત; જ્ઞાન, ઉપદેશ એ છે કે, એક મુસલમાનની જિંદગી અમન; શાંતિ; શુકુનની હોવી જોઈએ અને એ ત્યારે શક્ય બને છે કે,
  • જીવમાત્રને તેના થકી કોઈ તકલીમ; કષ્ટ પહોંચવો જોઈએ નહીં, પરંતુ અફસોસ સાથે નોંધવું પડે છે કે બીજાને, પછી ગમે તે હોય, કષ્ટ પહોંચાડવામાં જોહુકમી કરવામાં હાથ અથવા ઝબાન (જીભ) ચાલે છે આ એક નિંદિનય-અપરાધને પાત્ર ગુનો છે જેને દીને ઈસ્લામ પસંદ કરતો નથી. તેમજ આ બંને વાતોથી દૂર રહેવા, તેને કાબૂમાં, નિયંત્રણમાં રાખવા ભારપૂર્વક આદેશ માનવ માત્ર આપે છે.

વહાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો! તકલીફો અને ઈજા ચાર પ્રકારની હોય છે:

  1. અંગ અને શારીરિક,
  2. માલ-મિલકત, ધન-દૌલત,
  3. દિલ-હૃદયને દુ:ખ પહોંચે તેવી વર્તણૂકને અંજામ આપવો અને
  4. ઈઝઝત-આબરૂના ધજાગરા કરવા
  • વ્હાલા વાચક બિરાદરો!
  • ઈસ્લામના આદેશમાંથી એ બોધ મળી રહેવા પામે છે કે મોટે ભાગે ઈજા પહોંચાડવામાં હાથ અને જીભનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે કોઈનું ખૂન કર્યું, કોઈને મારધાડ કરવામાં આવી જેવી બાબત શરીરની તકલીફ કહેવાય અથવા કોઈને માર્યો તો નહીં, પરંતુ હથિયાર ચાકુ છૂરી બતાવી ધાકધમકી આપી આ હાથ વડે દિલને ઝફાહાની-તકલીફ આપવું કહેવાય.

કોઈનો માલ ચોરી કરવો, છીનવી લેવો, નુકસાન કરવું, ગાળગલોચ કરવી, આક્ષેપ મૂકવો, કૂટેવો મોં પર કહી દેવી કે પીઠ પાછળ ચર્ચા કરવી, આ જીભ વડે બીજાની આબરૂ-ઈજજતનું નુકસાન થયું. કોઈને બીજાનો માલ ચોરી કરવાની સલાહ આપી અને તેણે ચોરી લીધો તો આ જીભ વડે માલનું નુકસાન કર્યું કહેવાય છે.

વહાલા વાચક બિરાદરો! માનવ માત્ર સાથે મહોબ્બતથી વહેવાર કરો: `કોઈ દેખે યા ના દેખે અલ્લાહ દેખ રહા હૈ…!’ – અલ્લાહ, ઈશ્વર, ગોડ, પ્રભુ, ભગવાન… ગમે તે નામ કહો, આપો… તે રોમેરોમમાં વસે છે, તે સર્વત્ર છે. ભિતરના સઘળા ભેદને તે જાણે છે.
સમર્પણ ભાવના, સમજણ, સદાચરણ હોય તો જ સત્યને અનુસરવાની પ્રેરણા મળે છે.

પ્રેરણાસ્ત્રોત:

  • પ્રિય વાચક મિત્રો!
  • જિંદગી સમયની બનેલી છે અને તમે જો જિંદગીને ચાહતા હો તો સમયને વડફી નાખશો નહીં.

કુદરતે ઈલાહી

  • અલ્લાહે જ્યારે આ ધરતીનું સર્જન કર્યું ત્યારે તે કાંપતી, ધ્રૂજતી અને અસ્થિર હતી, તે ત્યાં સુધી કે અલ્લાહતઆલાએ તેના પર પર્વતો જડી દીધા નહીં!
  • સૃષ્ટિના સર્જનહારના આ ચમત્કારને જોઈ એક ફરિશ્તા (દેવદૂત)એ વિનંતી કરી કે, `તારી મખ્લૂક (તમામ જીવ, પ્રાણી)માં પર્વતો કરતાંય વધારે શક્તિશાળી કોઈ ચીજ છે ખરી?’
  • સૃષ્ટિના મહાન સર્જનહારે જવાબ આપ્યો કે, `હા! પર્વતો કરતાંય વધુ તાકાતવર ચીજ લોઢું છે. લોઢું પર્વતો કરતાંય વધુ શક્તિશાળી એટલા માટે છે કે, તે પર્વતોને તોડી શકે છે.’
  • `અને શું તારી મખ્લુકમાં કોઈ વસ્તુ લોઢા કરતાંય વધારે શક્તિશાળી છે ખરી?’
  • ઉત્તર મળ્યો, `હા, આગ (અગ્નિ) વધારે શક્તિશાળી છે જે લોઢાને પીગળાવી દે છે.’
  • `શું આગ કરતાંય વધુ તાકાતવર કોઈ ચીજ છે?’
  • `હા, પાણી છે, જે આગને ઓલવી નાખે છે.’
  • `હે અલ્લાહ, તારી મખ્લુકમાં પાણી કરતાંય વધારે શક્તિશાળી કોઈ ચીજ છે ખરી?’ આશ્ચર્યથી ફરિશ્તાએ પૂછયું.

`- હા, પવન છે જે પાણી પર કબજો જમાવી લે છે અને તેને ઉડાડતી ફરે છે.’

  • `યા અલ્લાહ! હવા કરતાંય તારી મખ્લૂકમાં બીજી કઈ ચીજ છે જે સૌથી વધુ શક્તિશાળી, જોમવંતી છે?’
  • અને જવાબ મળ્યો, `હા, એક નેક અને ભલો ઈન્સાન, જે જમણા હાથે કરેલ દાન ડાબા હાથ સુધ્ધાંને ખબર પડવા દેતો ન હોય તે મારા તમામે તમામ સર્જનોમાં સર્વશ્રેષ્ઠ સર્જન છે.

ધર્મજ્ઞાન:

  • દુનિયાના કોઈ પણ ધર્મનો અભ્યાસ કરો.
  • નેક-ભલાઈ-ઈન્સાનિયત,માનવતાનું કામ કરનારાને વગર થાંભલે ઊભેલા આકાશના થાંભલા-સ્તંભ કહ્યા છે, અને આવા ઈન્સાનિયતને ઉજાગર કરતા કાર્યને લીધે જ દિવસ પછી રાત, રાત પછી દિવસ ઊગે છે. આ એકધારા ચાલી રહેલા નિયમથી સાબિત થાય છે કે હજુ સુધી અલ્લાહે માણસજાત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી. સૃષ્ટિનો સર્જક મહાન છે, દયાળુ અને દાતા છે.
  • જોકે તેની દયા સામે ઈન્સાન બેદરકાર બનતો જઈ રહ્યો છે.
  • કયામત, આખરી ફેસલો, ન્યાયનો દિવસ બનતા બનાવો, આફતોથી સ્પષ્ટ થાય છે કે માણસ હયાતીમાં જ નજરોનજર જોઈ લે, અનુભવ કરી લે અને પ્રેરણા લઈ, સચ્ચાઈના માર્ગે પાછો વળી જાય.
  • દુનિયા આખીમાં આવી અરાજકતા બાપદાદાના સમયમાં પણ નહોતી બની. કલ્પના સુધ્ધાં નહોતી કે આવું પણ બની શકે છે…!
    જિંદગી કા સફર, હય યહ કયસા સફર,
    કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં…!

સાપ્તાહિક સંદેશ:

`…શું તેં નથી જોયું કે અલ્લાહે આકાશો અને પૃથ્વીને જેવા જોઈએ તેવા બનાવ્યા.

  • જો તે ચાહે, ઈચ્છે તો તમારો નાશ કરી નાખે અને તમારી જગ્યાએ બીજી કોમ લઈ આવે.
  • અને એ કામ અલ્લાહ માટે કાંઈ જ મુશ્કેલ નથી. (પવિત્ર કુરાનની સુરા, પ્રકરણ ઈબ્રાહિમની આયત (વાક્ય, કથન 18થી 20નું સંક્ષિપ્તમાં ભાવાનુવાદ).

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button