પુરુષ

આ છે ‘લફરાં સદન’નો એક ‘સંસારી’ સાધુ !

બ્રિટિશ રાજવી તરીકેના માનદ ખિતાબો – અઢળક આર્થિક વારસો તથા માતૃભૂમિ સુધ્ધાં ત્યાગનારા પ્રિન્સ હેરી આજકાલ કેમ અવારનવાર સમાચારોમાં ગાજ્યા કરે છે?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

જ્યોતિષની દૃષ્ટ્રિથી જોઈએ – કહીએ તો બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ- ટુના રાજવી પરિવાર પર શનિ મહારાજ (ગ્રહ) કોપાયમાન લાગે છે. કોવિડ લોકાઆઉટ વખતે તત્કાલિન બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિશની ઘેર એક દારૂ પાર્ટીનો વિવાદ થયો એમાં રાજવી પરિવાર પણ આડકતરી રીતે સંડોવાઈ ગયો હતો. પછી પ્રિન્સ એન્ડ્રયુ પર જાતીય શોષણના ગંભીર આક્ષેપો થતાં એણે પોતાની સૈન્ય પદવી તથા શાહી ખિતાબ પરત કરવા પડ્યા.

આમેય આ શાહી પરિવાર છેલ્લાં કેટલાંક વર્ષોથી નાની-મોટી આફતોમાં અટવાયા કરે છે. અગાઉ રાજવી ઘરાનાની બે પૂત્રવધૂ ડાયના અને સારાહ એમનાં લગ્નેત્તર સંબંધો અને પછી છૂટાછેડાંને લીધે વગોવાઈ ગઈ હતી. એ વખતે લંડનનું રાજવી નિવાસસ્થાન બકિંગહામ પેલેસ લફરાં સદન તરીકે ખાસ્સુ વગોવાયું હતું. એમાંય સૌથી ફૂટડી પૂત્રવધૂ ડાયનાનું એના પ્રેમી સાથે પેરિસના એક કાર અકસ્માતમાં કમોત થયું એ રાજવી પરિવાર માટે જબરો આઘાત હતો. આવી ઉપાધિઓ વચ્ચે ડાયનાના બન્ને પુત્ર : વિલિયમ અને હેરીએ નાનપણમાં મમ્મી ડાયનાને અકસ્માતમાં ગુમાવી એના રંજ ઉપરાંત રાજવી પરિવાર તરફથી થયેલી મમ્મીની ઉપેક્ષા-અન્યાય તથા પિતા ચાર્લ્સના પ્રેમિકા કેમિલા સાથેનાં લગ્નેત્તર લફરાં-મેરેજ,વગેરેને લઈને બન્ને ભાઈ ક્યારેય રાજવી પરિવાર સાથે ભળી ન શક્યાં.

હાલના તબક્કે મોટો ભાઈ વિલિયમ તો એની પત્ની કેટ સાથે રોયલ ફેમિલીમાં જેમ તેમ ગોઠવાઈ ગયો છે ,પરંતુ હેરીએ જાણીતી અમેરિકન ટીવી એકટ્રેસ મેગન માર્કલ સાથે લવમેરેજ કર્યા પછી એ યુગલ રાજવી પરિવારની ઘણી બધી રીતિ-નીતિથી અકળાતું હતું. રાજઘરાનામાં ચાલતા ઘમંડ -દંભ-પાખંડ અને પ્રણાલીના નામે ખેલાતા કપટના ખેલ પરાકાષ્ઠાએ પહોંચતાં રાજપરિવાર તથા જન્મભૂમિ સુધ્ધાં ત્યાગી હેરી-મેગન બે વર્ષ પહેલાં અમેરિકા- કેલિફોર્નિયા જઈ એક સામાન્ય નાગરિક તરીકે વસી ગયા છે. રાજવી પરિવાર સાવ ત્યાગીને એક સામાન્ય બ્રિટિશ દંપતી તરીકે શરૂઆતમાં કેનેડા અને પછી અમેરિકામાં સ્થાયી થઈ જીવન પસાર કરવાનો હેરી-મેગનના ક્રાન્તિકારી નિર્ણયે દુનિયા આખીને ચોંકાવી દીધી હતી. એ વખતે જીવિત એવાં દાદીમા-રાજમાતાએ એમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો,પણ સ્વભાવે આછાબોલો- અતડો,પણ સિદ્ધાંતવાદી પૌત્ર હેરીએ આ નિર્ણય પછી રાજવી તરીકેના બધા જ ખિતાબ-એને મળતી લાખો પાઉન્ડની રોકડ તથા બીજી સવલતોનો સ્વેચ્છાથી ત્યાગ કર્યો. આપણી સંસારી ભાષામાં કહીએ તો પહેરેલ કપડે ‘ઘર’(અહીં રાજવી મહેલ)માંથી નીકળી ગયો… હા,એની મમ્મી ડાયનાના એક વારસદાર તરીકે એના ભાગમાં આવેલી કરોડો પાઉન્ડની જાયદાદ પણ એ પતિ-પત્ની સમાજનાં સેવાભાવી કાર્યોમાં જ વાપરે છે.

સિદ્ધાંતનો આવો પક્કો હેરી ગયા વર્ષે ફરી એક વાર એના એક અવનવા નિર્ણયને લઈને સમાચારોમાં ચમક્યો હતો.. પત્ની મેગન અને પોતાનાં બન્ને નાનાં સંતાન સાથે હેરી થોડા દિવસ માટે પોતાના વતન બ્રિટન આવવા ઈચ્છતો હતો, પરંતુ એણે બ્રિટિશ રાજવી તરીકે કોઈ જ પ્રકારની રાજ્ય સુરક્ષા લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.. હેરી કહે કે અમેરિકામાં મારી પોતાની અંગત સુરક્ષા ટીમ છે. એ ટીમ અમારી સાથે આવશે, પરંતુ જડબેસલાક સિક્યોરિટી માટે અમારે સ્થાનિક બ્રિટિશ સુરક્ષા ટીમની પણ જરૂર પડશે. જવાબમાં બ્રિટિશ સરકારે તરત જ સહર્ષ હા પાડી. જવાબમાં હેરીએ ત્યારે સામે એક શરત મૂકી હતી:
થેંક યુ, ‘પણ બ્રિટનમાં અમારી સુરક્ષાનો જે પણ ખર્ચ થશે એ હું જ ભોગવીશ!’

બ્રિટિશ સરકાર હેરીની વાત સ્વીકારવા તૈયાર નહોતી ત્યારે બધાને આંચકો લાગે તેમ એ વખતે, હેરીએ લંડન કોર્ટના દરવાજાં ખટખડાવીને અપીલ કરી હતી કે ‘અમારી સુરક્ષા પાછળ જે જંગી ખર્ચ થશે એ બ્રિટિશ પ્રજાએ આપેલા ટેક્સની રકમમાંથી સરકાર કરશે,જે મને મંજૂર નથી. હવે હું પણ બીજા સામાન્ય નાગરિક જેવો જ છું તો પછી આ ખાસ વ્યવસ્થાનો જંગી ખર્ચ અહીંની સરકારે મારા માટે શું કામ ભોગવવો જોઈએ?!’

હેરીએ ત્યારે એની કોર્ટ અપીલમાં ચીમકી પણ આપી હતી: ‘જો સરકાર અમારી સુરક્ષાનો ખર્ચ લેવા તૈયાર નહીં થાય તો સોરી, અમારે પણ માતૃભૂમિની આ મુલાકાત રદ કરવી પડશે !’
આવી ચીમકી પછી જીદે ચઢેલા આ મામલામાં કોર્ટે દરમિયાનગીરી કરીને બ્રિટશ સરકાર હેરી પાસેથી એક ચોક્કસ રકમ ટોકન તરીકે સ્વીકારે એવું નક્કી કરીને મામલો થાળે પાડ્યો હતો…!
જો કે પોતાના રાજપાટ-રાજવી હોદ્દા અને એની વારસામાં મળેલી અઢ્ળક સંપત્તિ પ્રત્યે એક સાધુની જેમ સાવ નિર્લેપ રહેતો હેરી આમ છતાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાદ- વિવાદમાં અટવાતો- સપડાતો રહ્યો છે.

થોડા મહિના પહેલાં હેરીએ બ્રિટિશ પોલીસને ફરિયાદ કરી હતી કે એનો ફોન હેક કરી એના ખાનગી વાતચીતના ડેટા-વિગતો ચોરીને એને બદનામ કરતાં અમુક લેખ પ્રગટ કરવામાં આવ્યા છે અને આ કામ બ્રિટનના જાણીતા અખબાર જૂથ : ‘મિરર’ના અમુક પત્રકારોએ કર્યું છે. હેરીએ ‘મિરર’ સામે વળતરરૂપે કોર્ટમાં કેસ ફટકાર્યો હતો. બ્રિટિશ રાજવીના ૧૩૦ વર્ષોના ઈતિહાસમાં હેરી સર્વપ્રથમ રાજવી હતો, જે કોર્ટમાં ખુદ જુબાની આપવા ખડો થયો હતો. તાજેતરમાં હેરી આ કેસ જીતી ગયો છે અને કોર્ટે ‘મિરર’ને ૧૪૦,૬૦૦ પાઉન્ડ (આશરે ૧૫ લાખરૂપિયા) હેરીને વળતર પેટે ચૂકવી દેવાનું ફરમાન કર્યું છે..

આ ચુકાદા પછી હેરીએ જાહેરમાં કહ્યું છે કે વર્ષોથી બ્રિટિશ પ્રેસ અમારા રાજવી પરિવાર વિશે એલફેલ લખતું આવ્યું છે,પણ રાજવીને છાજે એવી માન-મર્યાદા સાચવીને અમે પ્રેસનાં આવાં જુઠ્ઠાણાંનો કયારેય જાહેર જવાબ આપ્યો નથી, પણ હવે બહુ થયું….હવે તો હું એક એકની સામે લડત ચલાવીને એમને ખુલ્લા પાડીશ…!’

હેરીના આવાં તેજાબી વિધાનથી અત્યારે બ્રિટનમાં જબરો ઊહાપોહ મચ્યો છે. આ પહેલાં આ જ વર્ષે હેરી લિખિત પોતાની જીવનકથાનું એક પુસ્તક ‘સ્પેર’ પ્રગટ થયું છે. એમાં લખેલી કેટલીક ઘટનાએ પણ ચકચાર જગાડી છે. એમાં હેરીએ સ્વીકાર્યું છે કે ‘યુવાનવયે હું પણ ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. અફઘાનિસ્તાન વોર વખતે હું બ્રિટિશ આર્મીમાં હતો ત્યારે મેં મારા હાથે ૨૫ તાલિબાનોને પોઈન્ટ બ્લેંકથી પતાવી દીધા હતા!’

પોતાના મોટાભાઈ વિલિયમ અને મોટીભાભી કેટ સાથે હેરીને લાંબાં સમયથી પંગો હતો. એક વાર વિલિયમે બહુ ખરાબ રીતે હેરીની એકટ્રેસ પત્ની મેગનને સંબોધી એથી ઉશ્કેરાયેલા હેરીએ મોટાભાઈને ફટકાર્યો પછી એ બન્ને ભાઈઓ વચ્ચે જે છૂટ્ટા હાથે મારામારી થઈ એ કિસ્સો પણ હેરીએ પોતાના આ પુસ્તકમાં વિગતવાર વણર્વ્યો છે.

આવી રાજધરાનાની અનેક માહિતી-લફરાં બહાર આવતાં બ્રિટિશ રાજવી પરિવારની દેવની જેમ પૂજા કરતી ત્યાંની પ્રજા તો અવાક થઈ ગઈ છે. રાજવી પરિવારની ઈજ્જતના જે રીત જાહેરમાં ગાભાં નીકળી રહ્યાં છે એનાથી ખુદ પિતા કિંગ ચાર્લ્સ પણ બહુ ચિંતિત છે. બન્ને ભાઈ વચ્ચે સુલેહ કરાવવાના અને હેરીને સમજાવીને અમેરિકાથી બ્રિટન પરત બોલાવી લેવાના ચાર્લ્સના અત્યાર સુધીના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે.

આ પણ વિધિની કેવી વક્ર્તા છે કે ૯૯ વર્ષી પતિ ફિલિપ્સના અવસાનના ૧ વર્ષ બાદ ૯૬ વર્ષનાં બ્રિટનનાં આ મહારાણીએ બ્રિટન પર ૭૦ વર્ષ રાજ’ ચલાવ્યું એ દરમિયાન પોતાની જૂની આંખે આવા બધા અનેક નવા તમાશા જોઈને વિષાદ હ્ર્દયે ૨૦૨૨ના આખરી વિદાય લેવી પડી હતી !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button