પુરુષ

પ્રસૂતિની પીડા… વિશ્વની સૌથી શક્તિશાળી ભાષા

કૌશિક મહેતા

ડિયર હની,

મને બરાબર યાદ છે કે, આપણે ત્યાં દીકરી જન્મી ત્યારે તારી પીડા કેવી હતી. એકવાર લેબર પેઈન થયું અને હૉસ્પિટલ ગયા તો ડિલિવરી ના થઇ અને ઘેર પાછા ફરવું પડ્યું અને ફરી વેણ ઉપડ્યું ફરી હૉસ્પિટલ ગયા અને પછી દીકરીનો જન્મ થયો.

ગર્ભાવસ્થા દરમિયાન મેં તારી પીડા પણ જોઈ અને દીકરી જન્મી ત્યારે તારા ચહેરા પરની ખુશી પણ જોઈ. માતા બને પછી સ્ત્રી સંપૂર્ણ બને છે એવું જે કહેવાય છે એની મેં ત્યારે પ્રતીતિ જોઈ. મારા ય આનંદનો ક્યાં પાર હતો. મને તો દીકરી જ જોઈતી હતી અને એવું જ થયું. જોકે હું ક્યારેક વિચારું છે કે, માતા બનવાની જે પ્રક્રિયા છે એ કેટલી વેદનાસભર હોય છે. નવ માસ કોઈ જીવને ગર્ભમાં પાળવો અને પછી એ દુનિયામાં પ્રવેશ કરે … શું એ સફર હશે? એ તો સ્ત્રી જ જાણે. સ્ત્રી જ આટલી પીડા સહન કરી શક્તિ હશે એટલે જ કુદરતે એને માતૃત્વનો અધિકાર આપ્યો છે, પુરુષને નહિ. કહેવાય છે ને, જન્મોજન્મની પીડા જ્યારે એક પળમાં એકઠી થાય, ત્યારે મા નો જન્મ થાય છે' આપણે સાહિત્યમાં આ વિષે ઘણું બધું લખાયું છે.પ્રસૂતિની પીડા એ કુદરતની સૌથી મોટી અને રહસ્યમય કવિતા છે. જ્યારે સ્ત્રી લેબર પેઈનમાંથી પસાર થાય છે, ત્યારે તે જીવન અને મૃત્યુની સીમારેખા પર ઊભી હોય છે. એ શારીરિક ભંગાણ નથી, પણ એક દિવ્ય સર્જનનું દ્વાર છે.

જે ક્ષણે બાળકની પહેલી મુલાકાત થાય છે, ત્યારે એ હજારો કિલોમીટરની મુસાફરીનો થાક અને હાડકાં ચીરતી પીડા એક સ્મિતમાં પરિવર્તિત થઈ જાય છે. દુનિયામાં આ એક જ એવી પીડા છે જેનો અંત સુખદ હોય છે.’

પુરુષ આ પીડા નથી અનુભવી શકતો. પણ આ સફરમાં પુરુષ સ્ત્રીનો સાથ આપે તો એ સફર થોડી ઓછી દર્દભરી બને છે. જોકે ભારતીય સમાજમાં એવું ઓછું બને છે એટલે સ્ત્રી માટે આ સફર વધુ મુશ્કેલ બને છે. હિન્દી સાહિત્યમાં એક નવો અવાજ છે એ અનામિકાએ સ્ત્રીની આ વેદના અને એની અભિવ્યક્તિ આબેહૂબ કરી છે. એની એક કવિતા `સ્ત્રિયાં’માં એ લખે છે :

`બેજગહ હોતી હૈ સ્ત્રિયાં,
પર જબ વે જન્માતી હૈ કિસી કો,
તો પૂરી કાયનાત કો એક જગહ દેતી હૈમ
વે સહતી હૈ સબ કુછ
ચુપચાપ, કિસી પુરાની દીવાર કી તરહ,
જિસ પર લિખે હોતે હૈ સદીઓ કે દુખ
ઉનકી કોખ મેં સિર્ફ બચ્ચા નહીં પલતા,
પલતી હૈ વહ સભ્યતા,
જો કભી ઉન્હેં અપના નહીં માનતી
વહ દર્દ જો વહ પ્રસવ મેં પાતી હૈ,
વહી ઉસે દુનિયા કી સબસે તાકતવર ભાષા શિખાતા હૈ…’

આ અવસ્થા એ માત્ર પીડા જ નથી. વિશ્વનું એક પ્રકારે નિર્માણ છે. એક સંઘર્ષ અને એક વિજય છે. આપણે ત્યાં માતૃત્વને એક શક્તિનાં સ્વરૂપમાં જોવા મળે છે અને એટલે જ દીપ્તિ મિશ્રાએ લખ્યું છે:

મા હોના કોઈ સમજૌતા નહીં, એક સાહસ હૈ, વહ દર્દ ભી એક ઇબાદત હૈ, જિસકે બાદમા’ કા જન્મ હોતા હૈ…’

સંયુક્ત કુટુંબમાં સ્ત્રીની આ પીડા ઓછી રહે છે, કારણ કે અહી અનુભવી લોકો છે. એ સમજે છે કે, આ અવસ્થામાં કેવી પીડા સહન કરવી પડે છે અને એનો ઉપાય શું હોય છે. નવ માસ દરમિયાન કેટકેટલું ધ્યાન રાખવું પડે છે. એ ડૉક્ટર તો કહે, પણ ઘરના અનુભવી લોકો પણ એનું ધ્યાન રાખે છે. મા બનવા સ્ત્રીએ કેટલું કોરાણે મૂકવું પડે છે. પોતાનો સ્વાદ બાજુએ મુકવો પડે છે. પોતાની પસંદ નાપસંદ ભૂલવી પડે છે. કેટલી ય રાતો દર્દમાં વિતાવવી પડે છે. અને એ પીડા એણે એકલા એ જ સહન કરવાનો હોય છે. એટલે જ સાહિત્યકાર લખે છે,

`દુનિયાની સૌથી જૂની લિપિ એટલે એક માતાનું દુ:ખ, જે તે એકલી સહન કરે છે જ્યારે તે એક નવા જીવનું સર્જન કરી રહી હોય છે. આ લિપિ અક્ષરોમાં નથી લખાઈ, તે તેના પરસેવાના ટીપાંમાં, તેની શાંત ચીસોમાં અને તેના ઉખડતા શ્વાસમાં છુપાયેલી છે. જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે તે માત્ર એક શરીરને નહીં પણ એક નવી આશા અને નવી દુનિયાને જન્મ આપે છે, જેના માટે તેણે પોતાના પોતાનું અસ્તિત્વ પણ દાવ પર લગાવી દીધું હોય છે…’

-અને એટલે જ લેબર પેઈન એ માત્ર મેડિકલ ઘટના નથી, પણ એક સ્ત્રીનો `આધ્યાત્મિક વિજય ‘ છે. સ્ત્રીનું શરીર જે ફેરફારોમાંથી પસાર થાય છે તે તેની નબળાઈ નથી પણ તેની સર્જનશક્તિના નિશાન છે, જેનું સન્માન થવું જોઈએ. દરેક સ્ત્રી માતા બને છે ત્યારે આ અનુભવમાંથી પસાર થાય છે. સ્ત્રી માતા બને અને પુરુષ પિતા બને એ બંનેમાં તફાવત છે, અંતર છે અનુભૂતિનું.

તારો બન્ની

આપણ વાંચો:  સ્ત્રી પર શાયરી બેશુમાર ને પુરુષ પર કેમ નહિ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button