
- અંતરા પટેલ
મને આસાનીથી રડવું નથી આવતું. જયારે મારા માતા- પિતાનું નિધન થયું ત્યારે હું નહોતી રોઈ. હા, આંસુ હતા, પણ તે આંખોથી છલકાયા નહિ. જયારે મારુ કોઈ અન્ય લોકોની સામે જાહેરમાં અપમાન થયું કે મને કોઈ ગંભીર ઇજા કે કોઈ ગંભીર નુકસાન થયું ત્યારે પણ હું નહોતી રોઈ.
જે નિમિત્ત કે ઘટના જેમકે, અંતિમસંસ્કાર, વિદાઈ અથવા ભાવનાત્મક ફિલ્મ જોતા જોતા મોટા ભાગના લોકો રડી પડે છે એ વખતે પણ મને રડવું નથી આવતું તો એનો અર્થ એ થયો કે હું માણસ નથી?
’રોવાથી કઈ નસીબ નથી બદલાતા. આખી જિંદગી મને આ વાતે રોવા ન દીધી’. સુદર્શન ફકીરે આ શેર લગભગ મારા માટે જ લખ્યો હતો.
જયારે અમાન્ડા અનિસિમોવા વિમ્બલ્ડન મેચ હારી ગયા પછી વર્લ્ડ ટેલિવિઝન પર પોક મૂકીને રડતા જોઈ ત્યારે મને મનમાં એક પ્રશ્ન એ ઊઠ્યો કે કેમેરાની સામે હોવા છતાં એ પોતાના આંસુ રોકી ન શકી કે ચહેરા પર કોઈ ખોટી વિષાદભરી મુસકાન પણ લાવવાની કોશિશ ન કરી. એ વખતે મને અમાન્ડાના રોવામાં એક સચ્ચાઈ દેખાઈ.
આપણે હંમેશાં રડવાને એક નબળાઈ માનીએ છીએ કે પછી એમ માની ન લેવું કે એ વ્યક્તિ ખૂબ જ લાગણીશીલ છે કે પછી કોઈ વ્યક્તિ જયારે પોતાની લાગણીઓ પર નિયંત્રણ ગુમાવે છે ત્યારે તે રડે છે.
આ વાત ખાસ પુરૂષોના સંદર્ભમાં કહેવામાં આવે છે કે, ’પુરુષો રડે નહિ’ એટલે એમની પાસે એવી આશા રાખવામાં આવે છે કે એ પોતાના આંસુ પી જાય. બાળપણમા કયારેક મારો ભાઈ રડતો તો એને એમ કહેવામાં આવતું કે, ’છોકરીઓની જેમ રડવાનું બંધ કર!’. જાણે રડવાનો એ છોકરીઓનો અધિકાર છે.
હવે મને વિચાર આવે છે કે, આ પ્રકારની માન્યતા માત્ર છોકરાને નીચા દેખાડવા માટે નહિ પરંતુ છોકરીનું અપમાન પણ છે એટલા માટે જ મેં આના વિરોધમાં રડવાનું બંધ કરી દીધું.
બાળપણથી જ છોકરાઓને પોતાની લાગણીને કઇ રીતે કાબૂમાં રાખવી એ શીખવાડવામાં આવે છે જયારે છોકરીઓ વધારે પડતી લાગણીશીલતા દર્શાવે. બાળપણથી જ ઘરમાં કે શાળામાં એનો ઉછેર એ વિચારધારાથી કરવામાં આવે છે કે, સહનશીલતાનો અર્થ એટલે તાકાત અને આંસુ એટલે નબળાઈ અને અસ્થિરતાની નિશાની છે.
હકીકતમાં રડવાનું આનાથી પણ વધારે જટિલ છે. જયારે કોઈનું મરણ થાય ત્યારે જે દુ:ખ લાગે અને રડવું આવે એ સહજ છે. કોઈ પ્રિયજનની દુનિયામાંથી વિદાય એ ખૂબ પીડાદાયક હોય છે. હતાશા, પીડા, અને ભયંકર થાકને કારણે પણ રડવું આવે છે.
મારી એક મિત્રની ઇન્ટરનેશનલ ફ્લાઈટ મિસ થઈ ગઈ એટલે એ ખૂબ જ રડી હતી. રડવાનું કારણ ફ્લાઇટ મિસ થવું એ નહોતું ,પણ વિદેશ જવાનો અવસર એ ચૂકી એ હતું!
દુ:ખની જેમ ખુશીના આંસુને પણ કઈ રીતે ભૂલી શકાય ? લગ્ન પછી અમે જયારે મારી દીકરીને વિદાય આપી હતી ત્યારે મેં મારા ભાઈને રડતા જોયો જેને હું પથ્થર દિલ માનતી હતી. આજ રીતે શતરંજ ના બાહોશ ખેલાડી દિવ્યા દેશમુખ જ્યારે વિશ્વ કપ જીતી ત્યારે મેં એને રડતા જોઈ હતી. જોકે એ જયારે અન્ય સ્પર્ધા હારી ત્યારે એ જરાય રડી નહોતી !
‘સેન્ડી હૂક સ્કૂલ’ માં ગોળીબાર બાદ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે અમેરિકન પ્ર્મુખ બરાક ઓબામા રડી પડ્યા હતા. 2009માં રાફેલ નડાલ સામે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ હાર્યા બાદ રોજર ફેડરરે રડતા રડતા કહ્યું હતું કે,’ ઓ ગોડ, આઈ એમ ડાઈંગ,,,! ’ આસામમાં પૂર પીડિતોની દુર્દશા સાંભળીને હેમ બરુઆ સંસદમાં રડી પડ્યા હતા.
રાહુલ દ્રવિડ પોતાની ફેરવેલ સ્પીચ આપતા આપતા રડી પડ્યો હતો. રડવાથી આ લોકો નાના નથી થઈ ગયા. આંસુઓએ એમને વધુ માનવતા અને વાસ્તવિકતા સાથે સાંકળે દીધા હતા.
આપણે ખાસ કરીને સાર્વજનિક અને પ્રોફેશનલ જીવનમાં આંસુઓને ખરાબ સમજીયે છીએ. એક વખત મારા સહકર્મચારી પોતાની વ્યથા સંભળાવતા રડી પડ્યા તો મેં તથા અમારા બોસે એની મજાક ઉડાવતા કહ્યું કે, ’તમારે બધાની સામે રોવાય નહિ’. સવાલ થા્ય: કેમ ન રડાય? જ્યાં હમદર્દીનું મહત્ત્વ સૌથી વધારે હોય ત્યાં વાસ્તવિકતા- સચ્ચાઈ કેમ આપણે સ્વીકારતા નથી?
રડવું એક દવા બરાબર છે. મારી મમ્મી હંમેશાં કહેતી હતી કે, રડી લેવાથી દુ:ખ હળવું થાય છે. સાયન્સનું પણ એ જ કહેવું છે. ભાવનાત્મક આંસુઓમાં એન્ટી સ્ટ્રેસ હોર્મોન હોય છે. રડવાથી તનાવ ઓછો થાય છે, નર્વસ સિસ્ટમને આરામ મળે છે અને રાહત અનુભવાય છે. તેથી જ લોકો કહે છે કે, ’મને રડ્યા પછી ખૂબ જ સારુ લાગ્યું’.
જાપાનમાં તો રડવા માટે ક્લ્બ છે જ્યાં બધા સાથે રડવા માટે ભેગા થાય છે. આ પ્રથાને ‘રુઇ – કટાસુ’ ( આંસુની તલાશ) કહેવામાં આવે છે. રડવું એ એક બીમારી નથી, પરંતુ શરીરને સાજું કરવાની એક રીત છે.
દરેક જણ આસાનીથી નથી રડી શકતું. ઘણા લોકો, મારી જેમ, વસ્તુઓને ખરેખર મહેસૂસ કરે છે, પરંતુ પોતાની ભાવનાઓને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. મારા હિસાબે આ બરાબર છે.
લોકોના સ્વભાવ, વ્યક્તિત્વ તેમ જ હોર્મોનલ બદલાવ અલગ અલગ રીતે હોય છે. આપણે એ માન્યતામાંથી-ખોટી ધારણાઓ પર પૂર્ણ વિરામ મૂકીને એમાંથી બહાર આવી જવું જોઈએ કે રડવું એ ખરાબ છે કે પછી ખોટું છે. રડવું કે ન રડવું એ માણસના ચારિત્ર્ય માટે ચોક્કસ કંઈક છે.
હું એવા ઘણા દ્રઢ મનોબળવાળી વ્યક્તિઓને જાણું છે કે એ ભરી સભામાં પણ રડી શકે…આપણે અહીં એ આંસુઓને એ રીતે ન જોવા જોઈએ કે પેલી વ્યક્તિએ પોતાના પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે.
આપણે અહીં એ સમજવું જોઈએ કે આ આંસુઓ જ એ વ્યક્તિની સાચી ઓળખ છે. આ સંસારમાં સાચા આંસુ જ માણસની સાચી અભિવ્યક્તિ છે.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટરઃ જાને કહાં ગયે વો દિન…