
શ્વેતા જોષી-અંતાણી
આસ્થા અને અનુશ્રી બંને સગી બહેન. એક બારમા ધોરણમાં તો બીજી દસમામાં ભણે. આ વર્ષે બન્નેએ બોર્ડની પરીક્ષાઓ આપેલી. આસ્થાને નાનપણથી ભણવામાં ખૂબ રસ. એના માટે પુસ્તક સિવાય અન્ય કોઈ વાત નહીં. ના કોઈ શોખ કે ના કોઈ ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન. જ્યારે અનુશ્રી પુસ્તકો સિવાયની દુનિયામાં મસ્ત રહે. આસ્થા પાસેથી સગા-સ્નેહીઓને ઘણી અપેક્ષા હતી. જ્યારે અનુશ્રી માટે એવું કહેવાતું કે એ તો પાસ થઈ જાય તોય ઘણું.
Also read : હવે પુરુષો પણ વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા સંઘર્ષ કરે છે
આખરે એ દિવસ આવી ગયો. આસ્થાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી લીધી. એની ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવાનું નક્કી થયું. એની તૈયારી માટે મમ્મી સાથે કામકાજમાં લાગેલી અનુશ્રીને વારંવાર એવું થતું કે પોતે અહીં ળશતતરશિં છે. કામકાજ પતાવી પોતાના રૂમ તરફ જતે વખતે એની પીઠ પર મમ્મીની ટકોર અથડાય:
‘જલ્દી કરજે, તારી તો આવી પાર્ટી અમે ક્યારે આપી શકીશું કોણ જાણે ‘
સામે દરવાજો ખોલી ઊભેલી અનુશ્રી એ બધાં જ મેડલ્સ જોઈ રહી, જેનાથી રૂમનો એક આખો કબાટ
છલોછલ ભરાયેલો હતો. એની વર્ષોની મહેનતનું પરિણામ. જેના માટે ઘરમાં ક્યારેય પાર્ટી રાખવામાં આવી નહોતી. ભણવાને બદલે અન્ય આવડતોની સાક્ષી પૂરતાં એ મેડલ્સને માત્ર અનુશ્રીની આળ-પંપાળ મળતી. ‘શું મારે પણ વખાણોની વણઝાર મેળવવા સ્ટડી પર વધુ ધ્યાન દેવાનું શરૂ કરી દેવું જોઈએ? અનુશ્રી જાતને પ્રશ્ન કરતી શૂન્યમનસ્ક બની બેસી રહી.
અચાનક ફોનની રીંગ, બેલનો અવાજ અને મમ્મીની બૂમ બધાએ એકસાથે એના કાનમાં ધણધણાટી બોલાવી. એટલે એ માંડમાંડ છેક છેલ્લી ઘડીએ તૈયાર થઇ. પગથિયાં ઊતરવાનું હજુ શરૂ કર્યું ત્યાં તો નીચેથી ફોઈનો અવાજ આવ્યો:, ‘ચાલ હવે તારો વારો છે, દસમા બોર્ડમાં માર્ક્સ ના આવ્યા તો ચાલે પણ હવે બારમા ધોરણમાં સારા માર્ક્સ આવશે એટલે તારી પણ આવી જ પાર્ટી અમે લઈશું’
ફોઈના આવા કટાક્ષ સામે પરાણે હસવાના લાખ પ્રયત્ન અનુશ્રીને અજાણપણે રોવડાવી ગયો.. પાર્ટીમાં
હર્ષોલ્લાસ વચ્ચે એનું હૃદય દ્રવી ઉઠ્યું, નીચે આંગણામાં ચાલતો કોલાહલ એના કાન ફાડી નાખશે એવું લાગવા માંડ્યું. બહેનને મળી રહેલા અભિનંદનનો વરસાદ, નાનાં બાળકોનો શોરબકોર અને લાઉડ મ્યુઝિક જાણે એનું હૃદય આરપાર વીંધી રહ્યા હતા.
‘આમ તો, અનુશ્રી પણ હોશિયાર છે. પણ, હવે આ સ્પોર્ટ્સને ઈત્તર પ્રવૃત્તિઓના રવાડે ચડી ગઈ તે એની બહેન જેવું રિઝલ્ટ એનું આવશે નહીં ‘લોકોની નજર અને આસપાસ ઝીણા અવાજે ચાલતી આવી ખુસરપુસર એની આખેઆખી જાતને એક મૂંગી ચીસમાં પલટાવી ગઈ.
અનુશ્રી એ જ પગલે પાછી વળી ગઈ. જાતને રૂમમાં બંધ કરી દીધી. એને ગભરામણ થવા લાગી. બહાર જઈ લોકોની નજરનો સામનો કરવો એના માટે અશક્ય થઈ પડ્યો. એકાદ-બે વાર આસ્થા એને બોલાવવા આવી, પણ, અનુશ્રીના પગ જાણે ખોટા પડી ગયેલા. એને હવે જાહેરમાં જવું નહોતું. શું નહોતું એની પાસે? બુદ્ધિ, રૂપ, ચાતુર્ય, ટેનિસ અને સ્વિમિંગ જેવી રમતોમાં ચેમ્પિયનશિપ, વાક્છટા અને એમાં વળી એની યોગ, અભિનય, નૃત્યકળા જેવી આવડતોનો તો જોટો જડે એમ નહોતો છતાંય.. દરેક વખતે એ પોતાની જ બહેન સામે વામણી કેમ પુરવાર થતી હતી. કેમ દર વખતે એને ચર્ચા કે ગોસિપનું કેન્દ્રબિંદુ બનાવી દેવામાં આવતી. એના રિઝલ્ટમાં છપાતા આંકડા અને બીજાઓના ગોખણિયા જ્ઞાન થકી મપાતા બુદ્ધિઆંક વચ્ચે પોતે અનેક વિષયોમાં પારંગત હોવા છતાં નબળી પુરવાર થતી હોય એવું એને લાગ્યા કરતું.
આવું એના એકલાની સાથે જ થાય છે એવું માનતી અનુશ્રીને ખબર નથી કે, પોતાને જે થઈ રહ્યું હતું એવું અનેકાનેક ટીનએજર્સ સાથે થતું આવ્યું છે. આપણા સમાજની બુદ્ધિને મૂલવવાની મર્યાદા તરુણોની પાંખ ઊગતાં પહેલા કાપી નાખે છે. એમના ખરા વ્યક્તિત્વને ખીલતાં પહેલા મૂરઝાવી દે છે. અનેક ટીનએજર્સ છે, જે ‘અમુક તમુક નહીં બનવા’ની લ્હાયમાં અંતે પોતીકું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે.
તરુણાવસ્થામાં આ સમસ્યા થવી આમ તો સામાન્ય ગણાય
છે કે જેમાં તરુણો પોતે શું છે? જીવનમાં આગળ શું બનવા
માગે છે? કઈ રીતે પોતાની જાતને આ દુનિયા સમક્ષ રજૂ કરવા માગે છે એ વિશે મૂંઝવણ અનુભવતા હોય અને એમાં જ્યારે ઘરમાંથી આ રીતે જાકારો મળે ત્યારે તેની બહુ ગંભીર અસર થવાં લાગે છે.
Also read : પુરુષોની પરેશાની ઓફિસ પોલિટિક્સથી કેમ બચવું?
દુનિયાભરમાં અનુશ્રીની ઉંમરના અનેક ટીનેજર્સ પોતાની ઓળખ મેળવવા સતત આ પ્રકારના મનોમંથનમાં અટવાતા રહેતા હોય છે. એમની અંદર રહેલી એનર્જી અને આવડતને યોગ્ય દિશા તરફ વાળવામાં માતા-પિતા સહિત આખો સમાજ બેદરકાર રહે છે. મોટાભાગના તરુણો માતા-પિતા, પરિવાર અને સમાજની અપેક્ષાઓ સામે પોતાના શોખ, રુચિ અને આવડતની બલિ ચડાવી દેતાં રહે છે, પરંતુ જે આમ નથી કરી શકતાં એવા અનુશ્રી જેવા તરુણો દિશાહીન નૌકા માફક જિંદગીના મહાસાગરમાં પછડાટ ખાધા કરે છે અને અનિશ્ચિતતાનાં વમળમાં અટવાતાં રહે છે.