સ્ત્રી પર શાયરી બેશુમાર ને પુરુષ પર કેમ નહિ?

કૌશિક મહેતા
ડિયર હની,
`વોઈસ ઓફ મુકેશ મુખ્તાર શાહ’ ના કાર્યક્રમમાં આપણે બંને સાથે હતાં. એણે બહુ મજાની વાત કરી હતી કે, બધી શાયરી સ્ત્રીઓ પર જ લખાયેલી છે. એમની આંખ, એમના હોઠ, ચહેરો અને શરીર પર લખાયું છે, પણ પુરૂષ વિષે કોઈ નથી લખતું.
મુખ્તારે આ વાત હળવાશમાં કરી, પણ સાવ સાચી છે. શાયરો અને કવિઓ સ્ત્રીની સુંદરતા વિશે જ લખતા આવ્યા છે. કોઈ કવયિત્રીએ પુરૂષ વિશે, એની સુંદરતા વિશે બહુ ઓછું લખ્યું છે.
એનું કારણ એ છે કે, સમાજમાં એક માન્યતા છે કે સ્ત્રી એટલે કોમળતા, સુંદરતા અને લાગણી એટલે તેના પર શાયરીઓ વધુ લખાઈ, પણ પુરૂષ એ સંઘર્ષ, મક્કમતા અને છૂપા પ્રેમનું પ્રતીક છે, જેના પર પણ ખૂબ સુંદર કવિતાઓ લખી શકાય છે. અલબત, એવું લખાયું છે ઓછું.
પુરૂષો પર ઓછું કેમ લખાય છે એનાં કારણો ગણાવી શકાય એમ છે. પુરૂષો મોટાભાગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નથી એટલે કવિઓનું ધ્યાન તેમની સુંદરતા કરતાં તેમનાં કામ પર વધુ જાય છે. અને સૌથી સબળ કારણ એ છે કે, વર્ષોથી સ્ત્રીને પ્રેરણા' તરીકે, જ્યારે પુરૂષનેરક્ષક’ તરીકે જોવામાં આવે છે. રક્ષકના સંઘર્ષને લોકો ઘણીવાર ફરજ સમજી લે છે, કવિતા નહીં.
બીજી તરફ, સ્ત્રીની શારીરિક રચના બધાને આકર્ષિત કરે છે અને એ કવિઓ માટે કવિતાનો કે ગીતનો વિષય બની જાય છે. એમને પ્રેરણા મળી જાય છે, પણ સ્ત્રીના જીવનમાં જ પુરૂષની મહત્ત્વની ભૂમિકા છે. સ્ત્રી પણ પુરૂષને જોઈ આકર્ષિત તો થાય છે. છતાં એના વિષે ભાગ્યે જ લખાય છે અને લખાય છે તો એના સંદર્ભ અલગ છે.
અંગ્રેજીમાં આવા વિષય પર ઘણું લખાયું છે. એમાં ય ડયાર્ડ કિપલિંગની ઇફ’ કવિતા બહુ જાણીતી છે, જેમાં પુરૂષની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમ કે, એમાં લખાયું છે કે,આખી દુનિયા તમારી પર શંકા કરે, ત્યારે પણ તમે તમારી જાત પર અડગ વિશ્વાસ રાખી શકો અને સાથે સાથે તેમની શંકાને સમજવાની ઉદારતા પણ રાખો, તો તમે સાચા પુરૂષ છો….’ આ કવિતામાં એમ પણ લખાયું છે કે, જો તમે સફળતામાં છકી ન જાઓ અને નિષ્ફળતામાં ભાંગી ન પડો, પણ બંનેને એક સમાન રીતે સ્વીકારો તો એ તમારી અસલી સુંદરતા છે.
બહુ જાણીતા સર્જક માયા એન્જેલોના પુરૂષ પરના વિચારો જાણીતા છે. એ લખે છે, પુરૂષની ઓળખ તેની ભુજાઓની તાકાતમાં નથી, પણ તેના ચરિત્રની મજબૂતીમાં છે. પુરૂષ જ્યારે પોતાની ભૂલો સ્વીકારે અને નમ્ર બને, ત્યારે જ તે સૌથી વધુ શક્તિશાળી લાગે છે. સ્ત્રી પુરૂષનાં સાહચર્ય વિષે તો એમણે અદભુત વાત કરી છે કે, પુરૂષની હાજરી સુરક્ષાનો અહેસાસ આપવી જોઈએ અને તેના શબ્દો ડહાપણ આપનારા હોવા જોઈએ. અને એમણે જાહેરમાં એમ લખેલું કે, હું એ પુરૂષનો આદર કં છું જે પોતાનું સન્માન કરે છે, પણ હું એ પુરૂષને પૂજું છું જે માનવતાનું સન્માન કરે છે.
ગુજરાતીમાં પણ આવું લખાયું છે. કેટલીક કવયિત્રીઓએ મજાનું લખ્યું છે. નીલમ દોશીએ લખ્યું છે કે, તને પથ્થર કહું તો મારૂં અસ્તિત્વ રડશે, તારા મૌનને સમજતા મને આખું આયખું નડશે. એષા દાદાવાલા તો લખે છે કે, પુરૂષ એટલે સ્ત્રીના કપાળ પરનું એ આશ્વાસન, જે માત્ર સ્પર્શથી કહી દે છે કેહું છું ને!’
એની સુંદરતા એની જીતેલી બાજીઓમાં નથી, પણ હારેલી ક્ષણોમાં એના સ્મિતને સાચવી રાખવાની રીતમાં છે!’
સ્ત્રીઓની એક ફરિયાદ હંમેશાં હોય છે કે, એમના કામની કદર થતી નથી. આ વાત સાવ ખોટી પણ નથી. સ્ત્રી ઘરમાં અને ઓફિસમાં કામ કરે છે. બંને જગ્યાએ જવાબદારી દિલથી નિભાવે છે પણ એમને કોઈ થેંક યુ’ પણ કહેતું નથી. આવી ફરિયાદ તો પુરૂષ પણ કરી શકે છે? પત્ની કે માતાની વાહ વાહ તો થાય છે પણ પતિ કે પોતાની કેટલી વાહવાહી થાય છે? હા એ વાત પણ સાચી કે, સૌથી વધુ જોક પણ સ્ત્રીઓ પર થાય છે. એ બાબતે સ્ત્રી કે પત્ની સોફ્ટ ટારગેટ બને છે.
ગમે તે કહો, સ્ત્રીના સૌન્દર્યની વાત વધુ થાય છે અને પુરૂષના સામર્થ્યની વાત વધુ થાય છે. સ્ત્રી અને પુરૂષ માટે આ બે ખાના પડી ગયા છે. એનાથી વાત બહુ આગળ વધતી નથી. આ સમાજે સ્વીકારેલી વાત છે. પરમ્પરા બની ગઈ છે. અને પરમ્પરા બહુ જલદી બદલાતી કે તૂટતી નથી હોતી. હળવાશમાં એમ કહેવામાં આવે છે કે, `સ્ત્રી કલ ભી ભારી થી, આજ ભી ભારી હૈ. પુરૂષ કલ ભી આભારી થા, આજ ભી આભારી હી હૈ….!’
તારો બન્ની



