મેલ મેટર્સઃ સેક્સ્ટોર્શન: જ્યારે ન્યૂડ વીડિયો કોલ બ્લેકમેલિંગમાં ફેરવાય જાય…

અંકિત દેસાઈ
આજના ડિજિટલ યુગમાં, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાએ જ્યાં લોકો વચ્ચેના અંતર ઘટાડ્યા છે ત્યાં સાયબર ક્રાઈમ (સાયબર અપરાધ)ના નવાં જોખમો પણ ઊભાં કર્યાં છે. આ જોખમોમાંનું એક સૌથી ચિંતાજનક સ્વરૂપ છે સેક્સ્ટોર્શન (Sextortion) અથવા ન્યૂડ વીડિયો કોલ બ્લેકમેલિંગ.
આ ગુનામાં, ગુનેગારો સામાન્ય રીતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અથવા ડેટિગ એપ્સ દ્વારા પુષને ફસાવે છે, તેમની સાથે વિશ્વાસ કેળવે છે અને પછી વીડિયો કોલ દરમિયાન તેમને અશ્લીલ કૃત્યો કરવા માટે મનાવે-લલચાવે છે, જેના રેકોર્ડિંગનો ઉપયોગ પાછળથી પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના બ્લેકમેલિંગનો ભોગ બનેલા પુષ ઘણીવાર શરમ, ડર અને એકલતાને કારણે ચૂપ રહે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
આ આખી જાળ ખૂબ જ ચાલાકીથી ગોઠવવામાં આવે છે. ગુનેગારો, જેઓ મોટે ભાગે આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાગ હોય છે, એ આકર્ષક પ્રોફાઇલ ફોટાનો ઉપયોગ કરે છે, મોટે ભાગે કોઈ સ્ત્રીનો. ઝડપથી વિશ્વાસ કેળવવા માટે એ પ્રેમ કે સંબંધના ખોટા વાયદા કરે છે. એકવાર પીડિત (પુરુષ) ફસાઈ જાય, પછી પેલા પુષને વીડિયો કોલ માટે પૂછે છે. કોલ શરૂ થતાં જ, ગુનેગાર (અથવા ઘણીવાર ગુનેગાર દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યક્તિ) કપડાં ઉતારવાનું અથવા અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કરે છે અને સામે છેડે પુરુષને પણ તેવું કરવા માટે લલચાવે છે.
આ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ ગુનેગાર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવે છે. કોલ પૂરો થતાં જ, પીડિતને તે વીડિયો મોકલવામાં આવે છે અને તેની પાસેથી જબરદસ્તીથી મોટી રકમની માગણી કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે કે જો પૈસા નહીં આપે તો આ વીડિયો તેના પરિવાર, મિત્રો કે સોશ્યલ મીડિયા પર શેર કરી દેવામાં આવશે.
જો કોઈ પુરુષ આ પ્રકારના બ્લેકમેલિંગનો શિકાર બને તો સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું છે ગભરાટમાં આવવાને બદલે શાંત રહેવું. બ્લેકમેલરનો મુખ્ય હેતુ ડર પેદા કરીને પૈસા પડાવવાનો છે અને આ રીતે ગભરાટમાં લેવાયેલો નિર્ણય તમને આર્થિક અને માનસિક રીતે વધુ નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો…મેલ મેટર્સ: પુરુષત્વ ને ટેસ્ટોસ્ટેરોન: જ્યારે ઊર્જા ઘટે છે ત્યારે…?
પૈસા ચૂકવશો નહીં:
બ્લેકમેલર્સને ક્યારેય પૈસા ચૂકવવા જોઈએ નહીં. મોટાભાગના કિસ્સાઓમાં, એકવાર તમે પૈસા ચૂકવશો, પછી એ ગેન્ગ વધુ પૈસાની માગણી કરવાનું ચાલુ જ રાખશે. પૈસા ચૂકવવાથી તમે માત્ર તેમની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો છો.
તુરંત તમામ સંચાર બંધ કરો:
બ્લેકમેલિંગનો મેસેજ આવતાં જ તે વ્યક્તિને બધા જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ, વોટ્સએપ અને અન્ય સંચાર માધ્યમો પરથી તુરંત બ્લોક કરી દો. બ્લેકમેલર સાથે વાતચીત સંપૂર્ણપણે બંધ કરી દો. તેમને કોઈ જવાબ આપશો નહીં, દલીલ કરશો નહીં કે ધમકીઓ આપશો નહીં.
પુરાવા એકઠા કરો:
બ્લોક કરતાં પહેલાં, ધમકીભર્યા મેસેજિસ, વીડિયો કોલના સ્ક્રીનશોટ, પ્રોફાઇલ ID (યુઝરનેમ), અને ચેટ હિસ્ટરીના પુરાવા એકઠા કરીને સુરક્ષિત જગ્યાએ સાચવી લો. આ પુરાવા ભવિષ્યમાં પોલીસ ફરિયાદ માટે અત્યંત મહત્ત્વના છે.
પોલીસનો સંપર્ક કરો:
આ કાયદેસરનો ગુનો છે, અને તેનાથી ડરવાની કે શરમાવાની જરૂર નથી. તમારા નજીકના પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ સેલ, અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને તુરંત ફરિયાદ નોંધાવો. પોલીસ અધિકારી આવા કેસોથી વાકેફ હોય છે અને તમારી ઓળખ ગુપ્ત રાખીને કાર્યવાહી કરશે. ફરિયાદ નોંધાવવી એ ગુનેગારોને પકડવા અને અન્ય લોકોને બચાવવા માટેનું એક મહત્ત્વનું પગલું છે.
પરિવાર અને મિત્રો સાથે વાત કરો:
પુષો ઘણીવાર શરમ અને ગૌરવને કારણે આ વાત છુપાવે છે, જે તેમને વધુ માનસિક તણાવ આપે છે. એક વિશ્વાસુ મિત્ર, જીવનસાથી કે પરિવારના સભ્ય સાથે વાત કરવાથી માનસિક બોજ હળવો થાય છે અને તમને સહકાર મળે છે.
તમારા એકાઉન્ટ્સ સુરક્ષિત કરો:
તમારા બધા સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની પ્રાઇવસી સેટિગ્સને કડક બનાવો અને અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ સ્વીકારવાનું ટાળો.
યાદ રાખો, સેક્સ્ટોર્શનનો ભોગ બનવું એ તમારી ભૂલ નથી, પરંતુ ગુનેગારનો ગુનો છે. સમયસર કાર્યવાહી, મૌન તોડીને મદદ માગવી અને કાયદેસરની પ્રક્રિયા અપનાવવાથી આ જોખમી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. આ પ્રકારના પડકારનો સામનો કરતી વખતે મજબૂત રહેવું અને પોતાને માનસિક રીતે તંદુરસ્ત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સાચી હિંમત છે.
આ પણ વાંચો…મેલ મેટર્સઃ પુરુષના આરોગ્ય પર અદૃશ્ય આક્રમણ એટલે ઓછી ઊંઘ