
અનવર વલિયાણી
અરબીનો એક અતિ પ્રચલિત શબ્દ છે રબ!
- રબનો સરળ અર્થ થાય છે,
- ‘રોજી’ આપનાર ઈશ્ર્વર-અલ્લાહ, પ્રભુ.
- ઈબાદત, પ્રાર્થના, પ્રેયરનો અર્થ ફક્ત તેની સ્તૂતિ કરવાનો નથી પરંતુ અલ્લાહનો સતત શુક્રિયા – આભાર માનતા રહી, તેણે જે કંઈ આપ્યું છે તેનો નત્ મસ્તકે – નમનપૂર્વક સ્વીકાર કરવાનું છે.
- તમામ જીવોમાં સર્વશ્રેષ્ઠ જીવ મનુષ્ય કેટલો બધો નગુણો, નાશુક્ર છે કે તે યાદે ઈલાહીમાં તો પાછી પાની કરતો નથી પણ તેને જે કાંઈ આપવામાં આવ્યું છે તેમાં સંતોષ માનતો નથી. સાત પેઢી ખાય તેટલું ખૂટે નહીં છતાં તેને વધુને વધુ મળે, ગમે તે માર્ગે મળે તેવું જ ઈચ્છતો રહે છે. રબતઆલાએ સૂચવેલા નેક માર્ગ પર ચાલતો નથી ત્યારે થાય છે કે તે જે ઈબાદત કરે છે તે માત્ર પોતાના મનને છેતરવા સિવાય બીજું કશું નથી. * બંદો પોતાની દુઆઓમાં માગ માગ કર્યાં કરતો રહેતો હોય તો તેને મતલબી ઈબાદત જ કહી શકાય.
- રબનો આભાર વ્યક્ત કરવાનું નામ ઈબાદત છે. મન – હૃદય પર લાગેલા ડાઘને દૂર કરવાનો પ્રયોગ. રૂહાને (આધ્યાત્મિક, રાસાયણિક) નિ:સ્વાર્થ બંદગી છે. * મતલબી – સ્વાર્થી ઈબાદતમાં સાચી ઈબાદત કર્યાનો અહેસાસ (અનુભૂતિ) થતી નથી, તે ફર્જી (બનાવટી) ઈબાદત છે.
અમિરૂલ મોઅમિનીન હઝરત અલી કર્રમલ્લાહ વજહુએ સૂચવેલી આઝાદ, સ્વતંત્ર ઈબાદતથી ઈન્દ્રિયો ગમ, નિરાશાની ખીણમાંથી બહાર નીકળી ખુશી, આનંદના સમુદ્રમાં હિલોળા લેતી હોય છે, અને એક વખત ઈન્દ્રિયોનું શુદ્ધિકરણ થાય એટલે સાચી પાકીઝગી, પવિત્રતા અને પરહેઝગારી (સંયમી, સદાચારી)નું વાતાવરણ સર્વત્ર ફેલાય જાય છે.
બેશક! બંદાની ઈબાદતમાં પોતાને જે જોઈએ તે ગમે તે રીતે મળવું જ જોઈએ એવી માગણી કરાય તો બંદગીમાંનો આત્મા, રૂહાનીયત નાશ પામે છે. રબ, સૌનો પાલનહાર જે આપે, જ્યારે આપે, ઓછું કે વધુ અથવા નામનું જ આપે તેનો શુક્ર અદા કરી હસતાં મુખે કબૂલ કરી લેવાનું નામ જ ઈબાદત છે. યાદ રહેવું ઘટે કે પાત્રતા વિના, હૈસિયત, ક્ષમતા વિના ક્યારેય કશું મળતું નથી અને મળે તો પણ શુકુન, શાંતિ, ખુશી મળતી નથી.
આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!
અંધરાધાર વરસાદ વરસતો હોય, સમુદ્ર, તળાવ, નદી – નાળા, ખાબોચિયા સઘળું છલકાય, પરંતુ ખુલ્લા આકાશ નીચે એક પાત્ર મૂકેલ હોવા છતાં તેમાં એક ટીપું પણ પાણી સંગ્રહ થયું ના હોય ત્યારે એટલું સ્પષ્ટ થાય કે એ પાત્રના તળિયે કાણાં પડ્યાં હોવાં જોઈએ જેથી તેમાંથી પાણી વહી જાય છે. પાત્રતા વગરના પાત્રને વાસણ કઈ રીતે કહી શકાય? જેની અંદર કશું ક્ધટેઈન સમાવી ના શકાય તેને ક્ધટેઈનર અથવા પાત્ર કઈ રીતે લેખી શકાય? ઈબાદત એ કંઈ કોઈ ફરિયાદ કે જે નથી મળ્યું તેને પ્રાપ્ત કરવાની યાચના, ગીરિયાજારી કે માગણી નથી, પરંતુ જે મળ્યું છે તે બદલ સૃષ્ટિના મહાન સર્જનહારનો શુક્રિયા – આભાર વ્યક્ત કરી એમાં સંતોષ માનવાની દોરવણી, માર્ગદર્શન છે જે દીને ઈસ્લામ તેના ઉમ્મતિઓને શીખવેલ છે. બેશક! નિ:સ્વાર્થ ઈબાદત – બંદગીથી ઈન્સાન સ્વાર્થી મટી પરમાર્થી બની જાય છે.
મહાન વિચારક હેનરી એખિયલ લખે છે કે – ‘સ્વાર્થ માનવીમાં રહેલી એક પશુવૃત્તિ છે, જ્યારે માનવતા સ્વાર્થનો ત્યાગ કરવાથી શરૂ થાય છે.’ હું પદ, અહમ્ – ઈગોનો ત્યાગ કરાય અને આપતા રહેવા ઉપરાંત એ આપેલું ભૂલી જવામાં આવે તો બંને જહાંના જીવન સાર્થક થઈ જાય. દાન – ખૈરાત – મદદ, સહાનુભૂતિ કરીને પોતાના નામની તખ્તી મુકાવનાર અથવા પોતાના કાર્યની તારિફ – પ્રશંસા માટે સભાઓ યોજી તાળીઓનાં ગડગડાટ સાંભળવાની ટેવ ધરાવનાર ભલે બે ઘડી ખુશ થતા હોય! પરંતુ હકીકતમાં તો તેઓ અહંકારના ઝેરી સાપને દૂધ પીવડાવવા જેવું જ વાતાવરણ સર્જતા હોય છે. આપણા પૂર્વજો – વડીલો કહી ગયા છે કે એક હાથે કરેલા દાનની ખબર બીજા હાથ સુધ્ધાંને થવા ન પામે તેનું નામ જ સાચી સખાવત કહેવાય. માલ-સામાનમાં નાજાયઝ નફો રળવાથી, ટેક્સ વગેરેની ચોરી કરવાથી કે કોઈને લૂંટીને તેમાંથી અમુક હિસ્સો ડોનેશન કે પરોપકારના કાર્ય પાછળ ખર્ચી નાખવાથી પરવરદિગાર રાજી થાય ખરો?
બોધ
- તકબ્બુર (અહંકાર)ને ત્યજી, રબને સમર્પિત થઈ, નિસ્વાર્થ ઈબાદત કરતા રહો, તેણે જે સ્થિતિમાં રાખ્યા છે તેનો સ્વીકાર કરી આભાર અદા કરતા રહો. ફરિયાદ કરવાથી, માગ – માગ કરવાથી દૂર રહો. સુખ-દુ:ખ એક સિક્કાની બે બાજુ જેવા છે. તે સચ્ચાઈને વાગોળતા રહો.
- સબ્ર કરો, એવા સ્વાર્થી લોકો તમને મળશે જે તમારા બનીને તમને છેતરશે, મૂર્ખ બનાવશે.
- નગુણા – નિષ્ઠુર લોકો પત્નીના – બાળકોના તો નથી થતા પણ પોતાની ખૂદની જાત સુધ્ધાંના પણ નથી થઈ શકતા.
- અનુભવ થાય તે પહેલાં ચેતી જાઓ.
- રબની સ્તૂતિ કરતા રહો.
- તેને ખબર છે કે બંદાની હકીકત
- એ ભૂખ્યો ઉઠાડે છે પણ ભૂખ્યો સુવડાવતો નથી.
- કીડીને કણ અને હાથીને મણ રબ આપે છેજ.
લાખ દુ:ખો કી એક દવા, નિસ્વાર્થ ઈબાદત કરો, તેમાં સ્વાર્થી મનોવૃત્તિને સ્થાન આપશો નહીં. સેતાન ઈબ્લીસના બહેકાવાથી સાવધાન રહો.
સાપ્તાહિક સંદેશ
‘…અને અમે કુરાનને બોધ ગ્રહણ કરવા માટે સરળ, સહેલું કરી દીધું, તો હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર?
સાવધાન: મનફાવતા અર્થઘટન કરનારા લેભાગુ મુલ્લા – મૌલવીઓથી સાવધાન રહો.
આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : જાલિમ બાદશાહે ખ્વાબમાં શું જોયું?: ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા