સૈયારા… તું કે હું બીમાર પડીએ તો… | મુંબઈ સમાચાર

સૈયારા… તું કે હું બીમાર પડીએ તો…

કૌશિક મહેતા

ડિયર હની,

હમણાં હમણાં એક ફિલ્મ ‘સૈયારા’ની ખાસ્સી ચર્ચા ચાલે છે. આપણે બંનેએ હજુ સુધી એ જોઈ નથી પણ જોઈશું તો સાથે જોઈશું. આ ફિલ્મના રિવ્યુ અને કેટલાક અહેવાલો પરથી લાગે છે કે, આ નવા જમાનાની લવસ્ટોરી છે. આજે જે 20 -25 વર્ષના છે એમની પ્રેમ વિશેની સમજણ જરા જુદી પ્રકારની છે. એ કોઈના પ્રેમમાં ઝડપથી પડે છે અને બ્રેક – અપ, પેચ- અપની રમત રમ્યા કરે છે. ‘સૈયારા’ ફિલ્મમાં તો તીવ્ર પ્રેમની અનુભૂતિ રજૂ થઇ છે. એક પાત્રને બીમારી છે અને બીજું પાત્ર એનો સાથ કઈ રીતે આપે છે અને છેલ્લે સૌ સારાવાના થાય છે.

આ ફિલ્મ જોયા પછી યુવાન દર્શકો ભાંગી પડે છે- રડવા લાગે છે, વિગેરે વિગેરે…

પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ તો ફિલ્મી વાત છે, પણ મારે તને બે કિસ્સા એવા કહેવા છે જે વાસ્તવિક છે.

એક કિસ્સો છે પશ્ચિમ બંગાળ- કોલકાતાનો. ત્યાં રહેતી જીજા ઘોષ જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાય છે. આ બીમારીને કારણે એના સ્નાયુઓ પર નિયંત્રણ નથી રહેતું અને બોલવામાં પણ તકલીફ પડે છે. તેમ છતાં, એ એક સક્રિય સમાજ સેવિકા અને લેખિકા છે. જ્યારે જીજાએ નાગ નામની એક વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે સમાજે એનો સખત વિરોધ કર્યો.

ઘણા લોકોએ નાગને કહ્યું કે, ‘આવી અપંગ સ્ત્રી સાથે લગ્ન કરીને તારું જીવન શા માટે બરબાદ કરી રહ્યો છે?’

પરંતુ નાગે જીજાની શારીરિક મર્યાદાઓ કરતાં એના મજબૂત વ્યક્તિત્વ અને પ્રેમમાં વધુ વિશ્વાસ રાખ્યો. નાગ હંમેશાં જીજાની પડખે ઊભા રહ્યા છે. એ જીજાને રોજિંદા કાર્યોમાં મદદ કરે છે, જેમ કે તૈયાર થવું, કાર્યક્રમોમાં લઈ જવું અને સામાજિક અવરોધો સામે લડવું…. નાગનો પ્રેમ જીજાને સ્વતંત્ર અને સન્માનભર્યું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. જીજાને ક્યારેય નાગ એક અપંગ તરીકે જોતો નથી, પરંતુ એક સક્ષમ અને પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે એનું સન્માન કરે છે.

બીજો કિસ્સો બેંગલૂરુમાં રહેતા એક 50 વર્ષીય દંપતીનો છે. બંને પતિ-પત્ની એચઆઈવી (HIV) પોઝિટિવ છે. 2022માં પતિને ક્રોનિક કિડની ડિસીઝનું નિદાન થયું. બે વર્ષમાં સ્થિતિ વધુ ગંભીર બની ગઈ અને નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી,પરંતુ એચઆઈવી પોઝિટિવ હોવાને કારણે એમને ડાયાલિસિસની સુવિધા સરળતાથી મળતી ન હતી, જેથી એમણે દર અઠવાડિયે 100 કિલોમીટરથી વધુ મુસાફરી કરવી પડતી હતી. આ સંઘર્ષ જોઈને પત્નીએ એક મોટો નિર્ણય લીધો. પત્નીએ પતિને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો. ડોક્ટરોને આશ્ર્ચર્ય થયું, કારણ કે બંને એચઆઈવી પોઝિટિવ હતા. આખરે ડોક્ટરોએ સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને આજે પતિ-પત્ની બંને સ્વસ્થ છે.

અહીં મુદો એટલો જ છે કે, પ્રેમને માત્ર શરીર સાથે જ સબંધ નથી હોતો. એ તો તમારા હ્રદયને, આત્માને સ્પર્શે છે. ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે, પતિ અને પત્ની એકબીજાથી અલગ સ્વભાવ ધરાવતા હોય છે, બંને વચ્ચે ઝગડા પણ આ કારણે થતા રહે છે, છતાં એકબીજા સાથે બન્ને એડજસ્ટ કરે છે. બીમારી હોય કે પછી કોઈ બીજી વાત. લગ્નજીવનમાં એકબીજાના સ્વભાવ, ખામીઓ અને ભૂતકાળને સ્વીકારવા અત્યંત જરૂરી છે. જો તમે તમારા પાર્ટનરને જેવા છે તેવા જ અપનાવો તો સંબંધ વધુ મજબૂત બને છે. પ્રેમ- સમર્પણ સાથે પડકારો સામે મક્કમતાથી ઊભા રહી શકે એ જ દંપતી એકબીજા સાથે રાજી રહી શકે. ‘સૈયારા’ ફિલ્મમાં આવી જ કૈંક વાત છે.

મારો અને તારો સ્વભાવ પણ એકસરખો ક્યાં છે? ઘણીવાર આપણી વચ્ચે ઝગડા થાય છે. એકબીજા સાથે અબોલા પણ થાય છે. જોકે, એ સ્થિતિ લાંબો સમય ટકતી નથી. કોઈ તો સંવાદ માટે આગળ વધે છે તો કોઈ તો સોરી કહે છે. અને ફરી દાંપત્યની મહેક મહેકવા લાગે છે.

નવી પેઢીએ આ જ સમજવાની જરૂર છે. ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે કોઈ વાતે મતભેદ થાય તો બંનેમાંથી કોઈ શક્ય સમાધાન માટે તૈયાર થતું નથી. વાત આગળ વધી પડે છે અને બ્રેક અપ થાય છે. સબંધ એ બહુ સંવેદનશીલ વાત છે. અને તમારું પ્રિય પાત્ર કે જીવનસાથી કોઈ તકલીફમાં હોય કે ગંભીર બીમારી આવે તો બીજું પાત્ર એવું કહે જ કે, મૂંઝાતા નહિ, હું તમારી સાથે છું. આપણા જ એક સગાના દીકરાનાં લગ્ન થયા અને કોઈ વાતે બંને વચ્ચે ઝગડો થયો અને છૂટાછેડા સુધી વાત પહોચી. બંને અલગ થયાં. એ પછી એ દીકરાને કોઈના સધિયારાની જરૂર હતી પણ એ ના મળ્યો એ કારણે એ દિશા ભટકી ગયો છે. આ સ્થિતિ આપણા જીવનમાં કદી નહિ આવે એવો મને વિશ્વાસ છે. તને પણ વિશ્વાસ છે એવો મારો વિશ્વાસ છે.

તારો બન્ની

આ પણ વાંચો…બહુપતિ કે બહુપત્ની…આ તે કેવી પ્રથા?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button