પુરુષ

એકલતાને કરો બાય બાય…

નીલા સંઘવી

માણસ સામાજિક પ્રાણી છે. સામાન્ય રીતે માનવીને એકલા રહેવું નથી ગમતું. એકલતા માણસને વિચલિત કરી મૂકે છે. એકલતા એટલે સંગાથનો અભાવ. આ એક એવી અનુભૂતિ છે, જે લોકોને- ખાસ કરીને વૃદ્ધોને અકળાવતી હોય છે. આ એક ગંભીર સમસ્યા છે જે વ્યક્તિને પોતાની અંદર જ સીમિત કરી દે છે. કવયિત્રી અક્ષણા ચોકસી લખે છે:

‘એકલતા એટલે…’
ભડકા વગરનો ધુમાડો
ઓરડાની દીવાલો ઉપર લીંપાયેલો,
દેખાય નહીં
પણ પળે પળે હાજરી પૂરીને
એ ન બળે પણ આંખ બાળે
એ છોડોને છાટો પણ આંસુઓને પાળે
એકલતા એટલે….
ગયેલાંની લીલીછમ યાદોનો ડૂમો
મૌન રહેતી ન સંભળાતી બૂમો
ડૂમો તો ડૂસકે ડૂસકે વરસે,
પણ બૂમો ?
એ તો બોલાશના પડઘાને તરસે…

ઘરમાં એકલા થઇ ગયેલા વૃદ્ધ કોઇ સાથે વાત કરવા તરસતા રહે છે. એકલતા બહુ ભારે છે. કહેવાય છે કે જંગલમાં ઝાડવું પણ એકલું ન હજો. ખરેખર એકલા રહેવું બહુ મુશ્કેલ છે, પણ જો કોઇ એકલું હોય તો પરિસ્થિતિને સ્વીકારીને એકલતાને એકાંતમાં ફેરવી નાખવી જોઇએ, નહીં તો પછી ડિપ્રેશનનો શિકાર થઇ જવાય. કેટલાય વૃદ્ધજનો જેઓ એકલા રહેતા હોય તેઓ કકળાટ કરતા હોય છે, ‘એકલા નથી ગમતું, આખો દિવસ શું કરવાનું ? કોઇ વાતચીત કરવા વાળું હોય તો ગમે. અમારે તો કોઇની રાહ જોવાની નથી કે રાત પડે કોઇ આવશે.

અરે, કોઇ બેલ મારીને આવવા વાળુ પણ નથી ઘરે. આખા દિવસમાં એકવાર કામવાળી બેલ મારીને આવે એ આવે. બસ-પછી કોઇ આવે ને જાય. એકલતાથી કંટાળીને ઘણાં સિનિયર સિટીઝન વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલી જાય છે, જેથી ત્યાં સમવયસ્કોનો સંગાથ મળે, વાતચીત થઇ શકે, રમતગમત કે પૂજાપાઠ જેવી પ્રવૃત્તિઓ થઇ શકે. એકલા જીવવું અઘરું છે….

આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે, જેમણે એકલતાને એકાંતમાં પરિવર્તિત કરી દીધી છે. 76 વર્ષની વયે તે એકલા બહુ આનંદથી જીવે છે. મનપસંદ પ્રવૃત્તિ કરે છે અને ગમતાનો ગુલાલ કરે છે. એકલા આનંદથી જીવે છે એનો અર્થ એ નથી કે સ્વર્ગસ્થ થયેલા પોતાના જીવનસાથીને તે વિસરી ગયા છે. ના, રે ના… તેમના જીવનસાથી તેમના દિલમાં વસે છે. તેમની સાથે વાત કરીએ તો દરેક દસ-વીસ વાકય પછી તે પોતાના જીવનસાથીનો ઉલ્લેખ કરશે જ કરશે.

આ વ્યક્તિ છે ડો. સરોજ. તે પણ છેલ્લાં થોડાં વર્ષોથી એમણે પ્રેક્ટિસ છોડી દીધી છે. ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડ્યા પછી તે સેવાના માર્ગે વળી ગયાં . અમેરિકા જઇને પોલિએટીવ કેરનો અભ્યાસ કર્યો , જેના અંતગર્ત જેમની બીમારી અસાધ્ય હોય અને બચવાની આશા લગભગ નહીંવત હોય તેમનું કાઉન્સેલિંગ કરવાનું. તેમનું દર્દ ઓછું થાય તેવી વાતો કરવાની તેમની સંભાળ રાખવાની.

આ ક્ષેત્રે ડો. સરોજે ઘણું કામ કર્યું. અમેરિકામાં હોસ્પિટલમાં કામ કર્યું. આ હોસ્પિટલમાં ઘર જેવા માહોલમાં દરદીની સારવાર થાય છે. કેન્સર જેવી બીમારીમાં છેલ્લાં સ્ટેજ પર પહોંચી ગયેલા દરદીઓની બાકી રહેલી જિંદગીને ઓછી પીડાદાયક બનાવવાનું કામ અહીં થાય છે. અહીં ‘ક્યોર’ ને નહીં- ‘કમ્ફર્ટ’ ને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં દર્દીને ભાવનાત્મક પ્રયત્ન કરવામાં આવે છે. જીવનના અંતકાળે દર્દીને અને એના પરિવારને ઇમોશનલ સપોર્ટ આપવામાં આવે છે.

ડો. સરોજે આ કામ નિષ્ઠાપૂર્વક કર્યું પછી ભારત આવીને ટાટા હોસ્પિટલમાં પણ તેમણે palliative care ( અંગ્રેજી શબ્દો છે ) વિભાગમાં કામ કરીને દર્દીઓના જીવનમાં આશાની-પ્રેમની-સંતોષની જયોત જગાવવાનું કાર્ય કર્યું. હવે થોડાં વર્ષોથી બધાંમાંથી નિવૃત્ત થયા પછી પતિ સાથે કવોલિટી ટાઇમ વિતાવવા હતાં એ દરમિયાન પતિનું અચાનક હાર્ટએટેકથી અવસાન થયું. કોઇ દિવસ એકલા રહ્યાં ન હતાં. પિયર-સાસરી બંને વસ્તારી પણ પતિના અવસાન સાથે સાવ એકલાં પડી ગયાં. બહુ દુ:ખમાં ડૂબી ગયાં, પણ બુદ્ધિશાળી હોવાથી વિચાર્યું જવાના હતા તે તો ગયા હશે પાછા આવવાના નથી. મનને વાળ્યું.

જયારે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. કેન્સર પેશન્ટની સેવા કરતા હતા. ત્યારે પત્રકારત્વ અને લેખન પણ કરતા હતાં. લેખન તો ચાલુજ હતું. હવે વધારે ઊંડા ઊતરીને આધ્યાત્મિક લેખન ચાલુ કર્યું. હોસ્પિટલમાં થયેલા અનુભવો વિશે લખ્યું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ધ્યાન, યોગ અને કસરત કરવાનું ચાલુ કર્યું. ચિંતન અને મનનમાં જાતને પરોવી. મિત્રો સાથે ફોન-કોલ્સ કરીને સ્ફૂર્તિમય થતા ગયા. પોતાની જાતના કલ્યાણાર્થે પ્રવૃત્તિઓ શરૂ કરી.

ડો. સરોજ વાનપ્રસ્થ જીવન જીવે છે. સાદો ખોરાક, સાદાં વસ્ત્રો, પહેરવાનું પસંદ કરે છે. મોટા ભાગે સફેદ વસ્ત્રો. સારું જીવન ઉચ્ચ વિચાર એ એમનો જીવનમંત્ર છે. પોતાની જાત સાથે વાત કરીને જીવવાને કારણે તેઓ ખુશ રહી શકે છે. એકલા હોવાને તેમને કોઇ પ્રોબ્લેમ નથી. એકલતા ને એકાંતમાં પરિવર્તિત કરીને તેઓ જીવનની ગહેરાઇને સમજવાનો પ્રયત્ન કરતા રહે છે. જીવન ની સચ્ચાઇને સમજવા માટે રિસર્ચ વર્ક કરવામાં તે દિવસનો મોટાભાગનો સમય ગાળે છે.

રિસર્ચ પૂર્ણ થયે તેનું ફરીથી વ્યવસ્થિત આલેખન કરીને પુસ્તક રૂપે પ્રકાશિત કરશે. તેમને આ કામ કરવાની બહુ જ મજા આવે છે. આને કારણે તેમને એકલતા લાગતી નથી અને કોઇની કંપનીને જરૂર પણ પડતી નથી. બસ, આવાં ડોકટરની કથા તમે સાંભળી. હવેથી આપણે બધાં પણ એકલતાનાં રોદણાં રડવાનું બંધ કરીને મનગમતી પ્રવૃત્તિ કરીશું. બરાબરને?

આપણ વાંચો:  મહિલાઓમાં પ્રિય રેડી બ્લાઉઝ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button