પુરુષલાડકી

કોણ ઠર્યું ખરો વારસદાર?

નીલા સંઘવી

પ્રતાપભાઈને ત્રણ દીકરા અને એક દીકરી. પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. ચારેય સંતાનોને પરણાવી- રાવી દીધાં હતાં. બધાં પોતપોતાની રીતે સુખી હતાં. ચારેય સંતાન પોતાના કામધંધા અર્થે અલગ અલગ શહેરમાં વસતા હતા.

પ્રતાપભાઈ પોતાના ગામમાં જ રહેતા હતા. ગામમાં ખેતીની જમીન હતી. માણસો રાખીને તે ખેતી કરાવતા હતા. એમાંથી તેમનો ખર્ચ નીકળી જતો હતો. દીકરાઓ શહેરમાં સાં કમાતા હતા. હા, દીકરીની સ્થિતિ સાધારણ હતી.

પ્રતાપભાઈ વર્ષમાં એકાદવાર ચારેય સંતાનને મળવા જઈ આવતા હતા. અઠવાડિયું રહે અને ખેતરમાં ઉગાડેલ, ચોખા, ફળ, મગફળી જેવી ચીજવસ્તુઓ આપી આવે. પિતા અઠવાડિયું જ રહેશે તેની ખાતરી હોવાને કારણે બધાંને ઘેર એ વ્યવસ્થિત રીતે સચવાઈ જતા.

જોકે, હમણાં હમણાંથી પ્રતાપભાઈ થોડા ખોવાયેલા લાગતા હતા. કંઈક વિચારમાં હોય એમ લાગતું હતું.
થોડા દિવસ પછી પ્રતાપભાઈ મોટા દીકરાને ત્યાં મુંબઈ ગયા. હંમેશની માફક અઠવાડિયું રોકાવાના હતા. એકાદ દિવસ તો ખોવાયેલા ખોવાયેલા જ રહ્યા. દીકરાને પણ થયું કે, `પપ્પા કાંઈક વિચારમાં લાગે છે.’ એટલે તેણે પૂછયું, કેમ, પપ્પા કાંઈ બોલતા નથી. કાંઈ પ્રોબ્લેમ છે?

હા બેટા, પ્રોબ્લેમ તો છે’ પ્રતાપભાઈએ જવાબ આપ્યો. શું થયું?’
`મારી તબિયત હમણાંથી સારી રહેતી નથી. રિપોર્ટ કઢાવવા પડશે અને સર્જરી કરાવવી પડશે. પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ છે.

આટલો બધો ખર્ચ? તમે પૈસા કાંઈક બચાવ્યા હશે ને?’ના, રે ના … મારી પાસે 50,000 જેવી બચત હશે. બાકીના પૈસાની વ્યવસ્થા કરવાની છે એટલે જ તારી પાસે આવ્યો છું. પણ તને વાત કરતા સંકોચ થતો હતો. હવે વાત નીકળી છે એટલે તને કહી દીધું. તું પૈસાની વ્યવસ્થા કરી દે તો હું સર્જરી કરાવી લઉં.’

`પપ્પા, મારી પાસે આટલાં બધાં પૈસા ક્યાંથી હોય? હમણાં જ કોલેજ ખુલી છે, છોકરાંઓની ફી ભરવામાં જેટલી બચત હતી તે બધી જ વપરાઈ ગઈ છે. તેથી મારી આશા તો રાખતા જ નહીં.’

દીકરાની ચોખ્ખી ના સાંભળીને પ્રતાપભાઈને ગુસ્સો આવ્યો, પણ કાંઈ બોલ્યા નહીં અને અઠવાડિયાને બદલે ચાર દિવસમાં જ ગામ જવા નીકળી ગયા. દીકરા કે વહુએ રોક્યા પણ નહીં.

થોડા દિવસ પછી વચેટ દીકરાને ત્યાં મદ્રાસ ગયા. ત્યાં જઈને પણ એકાદ દિવસ રહ્યા બાદ પ્રતાપભાઈએ સર્જરી માટે પાંચ લાખ રૂપિયાની જરૂર છે એ વાત દીકરા સમક્ષ રજૂ કરી. દીકરો તો ભડકી જ ગયો:

`તમે મારી પાસે પાંચ લાખની રકમ માગો છો? મારે તો ટૂંકો પગાર છે માંડ માંડ ખર્ચો કાઢું છું. મારી અપેક્ષા તો બિલકુલ રાખતા નહીં. નાનકાને કહો એ લહેર કરે છે, એની પાસે પૈસા છે.’

આ દીકરાની વાત સાંભળીને પ્રતાપભાઈ મનમાં બોલ્યાં, `તું પણ લહેર જ કરે છે. તારી પાસે પણ પૈસા છે. પણ બાપ માટે તારી પાસે પૈસા નથી.’

પ્રતાપભાઈ ત્યાંથી ત્રણ દિવસમાં નીકળી ગયા. અહીં પણ તેમને રોકાવાનો આગ્રહ કોઈએ કર્યો નહીં. પ્રતાપભાઈને બહુ દુ:ખ થયું. જેમની માટે રાત-દિવસ ખેતરમાં મજૂરી કરી, પાઈ પાઈ ભેગી કરીને ભણાવ્યા-વરાવ્યા. સાંજે માંદે દોડીને ડોક્ટર પાસે લઈ ગયા. રાત રાત જાગીને જેમની સેવા-સુશ્રુષા કરી આજે પોતાને કરવાની વાત આવી તો સાફ ના પાડી દીધી.

અઠવાડિયા પછી દુ:ખી મને પ્રતાપભાઈ ત્રીજા દીકરાને ઘેર ગયા. ત્રીજાને તો બે ભાઈ પાસેથી ખબર પડી જ ગઈ હતી કે બાપા ઓપરેશન કરાવવા માટે પૈસા લેવા આવ્યા હતા. અમારી પાસે ન હતા તેથી ના પાડી. હવે તારી પાસે આવશે. એટલે નાનકાએ તો જવાબ પહેલેથી જ ગોખી રાખ્યો હતો, હકીકતમાં પત્નીએ ગોખાવી રાખ્યો હતો. પ્રતાપભાઈ નાનકડાને ઘેર પહોંચીને સોફા પર બેઠાં. દીકરો સામે બેઠો, બોલ્યો:

`જુઓ પપ્પા, તમે મારી પાસે પૈસા માગવા આવ્યો હો તો મારી પાસે પૈસાની સગવડ નથી. હું મહિનાના બે છેડા માંડ ભેગા કં છું. તેથી મારી આશા રાખશો નહીં.’બાપાએ વિચાર્યું આ મોટો ફ્લેટ, મોટી ગાડી અને લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવતો દીકરો કેટલો ગરીબ છે. બિચારો કે બાપાની સર્જરી માટે એની પાસે પૈસા નથી.

પ્રતાપભાઈ ઉદાસ થઈને ગામ પાછા ફર્યા.
અઠવાડિયા પછી દીકરીને ઘેર બેંગલોર ગયા. દીકરી તો પપ્પાને જોઈને રાજી રાજી થઈ ગઈ. જમાઈ પણ ઓફિસેથી આવીને પગે લાગ્યો. જમ્યા પછી રાત્રે વાતો કરવા નિરાંતે બેઠો. દીકરીએ પૂછ્યું,

પપ્પા, તબિયત સારી છે?’ ના બેટા, સર્જરી કરાવવાની છે. પાંચ લાખનો ખર્ચ છે. તારા ત્રણેય ભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી છે.’`તો હું આપીશ’ દીકરીએ કહ્યું

ના, ના બેટા તારો હાથ પણ ભીડમાં રહે છે તેની મને ખબર છે. પ્રતાપભાઈની આંખમાં આંસુ આવી ગયા.’ પપ્પા, મેં પૈસા બચાવીને રાખ્યા છે, સાંજે માંદે કામ આવે એટલા માટે તેનાથી તમારી સર્જરી થઈ જશે.’દીકરીની દિલેરી જોઈને પ્રતાપભાઈ દીકરીને ભેટી પડ્યા અને બોલ્યા:

`ના, બેટા… ના, મારે કોઈ પૈસાની જરૂર નથી. આ તો હું મારાં સંતાનોની પરીક્ષા કરતો હતો. ચાર સંતાનમાંથી કોણ યોગ્ય છે જેને હું મારો વારસદાર બનાવું એ નક્કી નહોતો કરી શકતો એટલે મેં માંદગીનું નાટક કર્યું. એમાં સૌની અસલિયત છતી થઈ ગઈ. ખેતીવાડીની આવકમાંથી મેં સારી એવી મૂડી જમા કરીને ફિક્સ ડિપોઝિટ કરી છે. એ બધી મૂડી તારે નામે કરી દઈશ, દીકરી.

ના, પપ્પા મારે કાંઈ જોઈતું નથી. તમે ભાઈઓને આપી દેજો.’ દીકરીએ કહ્યું. એ લોકોએ જે કર્યું તેનાથી મારૂ દિલ તેમના પર ઊઠી ગયું છે. તું જ મારી સાચી વારસદાર છો દીકરી.’ પ્રતાપભાઈની આંખમાં ખુશીના આંસુ વહી રહ્યા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button