પુરુષ

મેલ મેટર્સ : આઝાદ ભારતમાં દેશપ્રેમની કેટલીક નવી વ્યાખ્યા કંઈક આવી છે!

  • અંકિત દેસાઈ

વિદેશી કાપડનો બહિષ્કાર, સ્વદેશી અપનાવવી અને અંગ્રેજી સરકારની નોકરીમાંથી રાજીનામું આપીને અસહકારની ભાવના દર્શાવવી. તે સમયે આ બધું દેશ માટેના પ્રેમનું પ્રતીક હતું. અને એ વખતે લાખો યુવાનોએ એવું કરેલું અને અંગ્રેજી સલ્તનતના પાયા ઢીલા પાડી નાખેલા, પરંતુ આજે આઝાદ ભારતમાં દેશપ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

આજના સમયમાં દેશપ્રેમ એટલે ફક્ત ભાવનાત્મક કે પ્રતીકાત્મક જોડાણ નહીં- વર્ષમાં બે વાર જનગનમન' ગાઈ લીધું પછી ઈન્સ્ટાગ્રામ’ પર એની સ્ટોરી ઠઠડાવી દીધી એટલે પૂં એવું નહીં, પરંતુ રોજિંદા જીવનમાં નાની-નાની વાતમાં દેશ પ્રત્યેની જવાબદારી દર્શાવવી, પોતાના ભાગની ફરજો અદા કરવી અને ખાસ તો દેશના રિસોર્સિસનું ધ્યાન રાખીને તેમાં પોતાનું યોગદાન આપવું એ હવે નવા સમયનો દેશપ્રેમ છે.

આ પણ વાંચો: મેલ મેટર્સ : અનધર રાઉન્ડ: વધુ કિક …વધુ નશો વધુ આનંદ આપી શકે?

જોકે અમને આ બધી લપ હમણાં કેમ સૂઝી?

તો કે આજકાલ દાંડી યાત્રાના દિવસો ચાલી રહ્યા છે અને ઐતિહાસિક દાંડી યાત્રાના આ દિવસોમાં ગાંધીજીએ દેશના લાખો લોકોને દેશપ્રેમ કોને કહેવાય કે દેશ માટે યોગદાન આપવું એટલે શું એ વિશેની કેટલીક બાબત સ્પષ્ટ કરી આપી હતી. એ પરથી જ અમને વિચાર આવ્યો કે ભાઈ ચાલો , ત્યારે તો દેશ આઝાદ નહોતો અને અંગ્રેજો સામે લડી લેવાનું હતું. એટલે મિસ્ટર ગાંધીએ કેટલાંક સૂત્રો વ્યાખ્યાયિત કરી આપ્યા કે `આ કરશો એટલે તમે દેશમાં યોગદાન આપ્યું કહેવાશે’ પરંતુ આજના સમયમાં શું ? શું હમણાં દેશને નાગરિકોના યોગદાનની જરૂર નથી ? એટલે જ પછી અમે થોડો વિચાર કર્યો અને આ એક નાનકડી યાદી બનાવી. કે હાલના સમયમાં દેશને બીજી કોઈ જરૂર હોય કે ન હોય, પરંતુ કેટલીક બેઝિક વર્તણૂકોની તો અત્યંત તાતી જરૂરિયાત છે, જેમકે.

આજે દેશપ્રેમ એટલે દેશને સ્વચ્છ રાખવો. ગમે ત્યાં ગંદકી ન ફેલાવવી એ એક નાનું પગલું છે, પરંતુ તેની અસર ઘણી વ્યાપક હોય છે. જ્યારે આપણે રસ્તા પર કચરો ફેંકીએ છીએ, જાહેર સ્થળોને ગંદા કરીએ છીએ, ત્યારે આપણે દેશની સુંદરતા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીએ છીએ. એ આપણામાંના જ છે કે જાહેર સ્થળોએ કચરો કરતા ખચકાતા નથી અને કેટલાક તો એમ પણ ગર્વભેર કહે છે કે આપણે ટેક્સ શેનો ભરીએ છીએ? જો, આ માનસિકતા ઘર કરી ગઈ હોય પછી સ્વચ્છતાને લઈને આપણા માપદંડો તો ભૂલી જાઓ, પરંતુ દેશ માટેનો આપણો ગર્વ કેવોક છે એ પણ ચર્ચાનો વિષય બને કે નઈ?

બીજું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ દેશપ્રેમનો એક હિસ્સો છે. ગમે તેમ ડ્રાઇવિંગ ન કરવું, ઝડપની મર્યાદાનું ધ્યાન રાખવું અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું એ નાની વાતો લાગે છે, પરંતુ આનાથી રસ્તાઓ પર સલામતી વધે છે. આપણે જ્યારે નિયમો તોડીએ છીએ, ત્યારે ફક્ત આપણું જીવન જ નહીં, બીજાનું જીવન પણ જોખમમાં મુકાય છે. યુવાનો, જે ઘણી ઝડપ અને સાહસના શોખીન હોય છે, એમણે આ વાત ગંભીરતાથી લેવી જોઈએ. ટ્રાફિક સેન્સ એટલે દેશના અન્ય નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા. અને આ ટ્રાફિક સેન્સમાં હોર્નાહોર્ન પણ આવે. આપણે રસ્તા પર એ રીતે હોર્ન વગાડતા ફરીએ છીએ કે જાણે આપણે યુદ્ધ માટે રણશિંગુ ફૂંકતા હોઈએ!

બીજી તરફ રસ્તા પર ચાલવાને લઈને પણ આપણે એવા જ તરંગી. જોકે એમાં વાંક આપણા ભ્રષ્ટ તંત્રનો પણ એટલો જ છે. જે તંત્ર હપ્તા લઈને ફૂટપાટો ફેરી-પાથરણા અને દુકાનોને ભેટમાં આપી દેતું હોય એ દેશમાં લોકો પછી રસ્તાઓ પર ન ચાલે તો બીજે ક્યાં ચાલવાના ?

આ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં બહુ ઘોંઘાટ ન કરવો એ પણ દેશસેવાનું એક સ્વરૂપ છે. ભારતમાં ઉત્સવો, લગ્નો કે અન્ય પ્રસંગોમાં ઘોંઘાટ એક સામાન્ય બાબત બની ગઈ છે.

આનાથી ધ્વનિ પ્રદૂષણ વધે છે, જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એ વિશે તો આપણે કદાચ આવતી સદીમાં ચિંતા કરીશું, પરંતુ આપણા જાહેર કાર્યક્રમોનો ઘોંઘાટ અને એમાં આપણો વ્યવહાર એ હદનો નિંભર હોય છે કે આપણે વિચાર જ નથી કરતા કે આ કાર્યક્રમોની બીજાઓ, ખાસ કરીને દર્દીઓ, વૃધ્ધો અને વિદ્યાર્થીઓ પર શું અસરો થતી હશે ? આપણે ત્યાં સુધી મચી પડીએ છીએ કે શહેરોના પોલીસ કમિશનરો કે જિલ્લાના પોલીસ અધિક્ષકોને દર વખતે ચિંતા થઈ જાય છે કે આ પ્રજા ક્યાંક દંગલ ન મચાવી દે!

આ પણ વાંચો: મેલ મેટર્સ : આપણા જ સ્વાસ્થ્યને લઈને ગંભીર ક્યારે થશું?

અને છેલ્લે, દેશના કુદરતી સંસાધનો જેમ કે પાણી, વીજળી અને જંગલોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો એ આજના યુગમાં દેશપ્રેમનું સૌથી મોટું પગલું છે. આપણે જ્યારે પાણી બગાડીએ છીએ, વીજળીનો દુપયોગ કરીએ છીએ કે જંગલોનો નાશ કરીએ છીએ, ત્યારે આપણે આવનારી પેઢીઓનું ભવિષ્ય જોખમમાં મૂકીએ છીએ.

યુવાનો પાસે નવી ટેકનોલોજી અને જાગૃતિનું બળ છે. એ રિસાયક્લિંગ, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ અને પાણીની બચત જેવી આદતો અપનાવીને દેશના સંસાધનોનું રક્ષણ કરી શકે છે. પર્યાવરણ-પ્રકૃતિ સંરક્ષણ મૂળમાં હોય એવી લાઈફ સ્ટાઈલનું અનુસરણ કરી શકીએ છીએ, પરંતુ આપણને એ વ્યય દેખાતો જ નથી. બલ્કે આપણે વધુ ને વધુ રિસોર્સિસનો નાશ કરી રહ્યા છીએ. અને પછી આપણે દાવા કરીએ છીએ કે આપણે માટે દેશ પ્રથમ છે. અરે, દેશ પ્રથમ હોય તો પ્રતીકાત્મક્તા નહીં, આચરણ પર ભાર આપીએ. નહીંતર તો આપણી વાતો વાર્તાઓ બનીને રહી જશે. એનો શું અર્થ ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button