વિશેષ: ઈસાની નજરમાં… માતા સામે જોઈ રહેલા બાળકની નિર્દોષતા

-ઝુબૈદા વલિયાણી
નગર આખામાં એના સૌંદર્યની બોલબાલા હતી.
હું તૃપ્ત થયો છું.
એનું વ્યક્તિત્વ રૂપઘેલા યુવાનોને કાયમ આકર્ષતું.
આપણે એને મીલી કહીએ.
કુદરતે એને છૂટે હાથે ખૂબસુરતી બક્ષી હતી.
ભર જોબનમાં મહાલતી આ માનુની વારવનિતા હતી.
પરવાળા જેવા હોઠ.
માછલી જેવી આંખો.
કેળ જેવી કમર.
રૂપાની ઘંટડી જેવો મંજુલ કંઠ અને
ગોઠણ સુધી પહોંચતો ચોટલો.
આ પણ વાંચો : વિશેષ: જોજો, ભારતમાં વસંત ફક્ત પુસ્તકોમાં જ રહી ન જાય!
સપ્રમાણ ઊંચાઈ અને ઉન્નત ઉરોજ.
નગરના તમામ યુવાનો મીલીના આશિક હતા.
મીલી વારવનિતા હતી. એ કાયાના સોદા કરતી.
કોઈ એક યુવાનની એ થઈ શકે એમ નહોતી.
એ કુળવધૂ બની શકે એમ નહોતું.
એટલે જ નગરના વડીલોએ તેને નગરવધૂ બનાવી દીધી હતી. નક્કી કરેલા મૂલ ચૂકવે એ એક રાત પૂરતો મીલીનો શય્યાસાથી. બીજી સવારે છેડા છૂટ્ટા. મીલી સ્વતંત્ર.
પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી નગરમાં આનંદ ઓચ્છવનું વાતાવરણ હતું.
ચોમેર ધજાપતાકા અને સુશોભિત કમાનો ઊભી કરાઈ હતી.
દીપમાળા મુકાતી હતી.
સડકો પર સુગંધી દ્રવ્યોનો છંટકાવ થઈ રહ્યો હતો.
દિવસમાં બે વાર માર્ગોની સફાઈ થઈ હતી.
આ પણ વાંચો : વિશેષ: ધર્મના માર્ગમાં એક્સેલરેટર ને બ્રેક બંને જોઈએ!
આખું શહેર જાણે આળસ મરડીને બેઠું થઈ ગયું હતું. બાળકો દોડાદોડ કરતા હતા. કોઈના પગ જાણે જમીન પર ટકતા નહોતા.
મીલીએ એની નોકરાણી મારિયાને પૂછયું- આ શેની દોડાદોડ છે?
મારિયાએ કોઈ મોટા ખબરપત્રીની અદાથી માહિતી આપી – ઓલા શાંતિ, પ્રેમ અને કરુણાના સંદેશવાહક, દીન-દુ:ખીઓના બેલી સંત ઈશુ આપણા નગરમાં પધારી રહ્યા છે. નાના મોટા સૌ તેમને આવકારવા ઉત્સુક છે. હું પણ એમના ચરણે નાનકડી ભેટ ધરવા જવાની છું. આવો લહાવો ફરી ક્યારે મળવાનો હતો!
મારિયા તો વહેલાસર ઘરકામ પતાવીને ઝટપટ ચાલી ગઈ. રૂપગર્વિતા મીલી વિચારે ચડી ગઈ.
આ બધા લોકો હોંશે હોંશે ઈસા મસીહના ચરણે ભેટ ધરશે. મારી ભેટ ઈસા સ્વીકારશે ખરાં?
હું તો પાપણી છું.
શરીર વેચીને આ વૈભવમાં મહાલું છું.
હું ઈસા મસીહાને આપી આપીને શું આપું.
મારી તો કાયાય અભડાયેલી છે.
મીલીએ પોતાના પેટીપટારા અને અલમારીઓ ખોલી નાખ્યા.
હીરા-મોતી.
માણેક-નીલમ-પોખરાજ.
સોનું-રૂપુ બધું મારી પાસે છે.
પણ આવું બધું તો બીજા લોકો પણ આપવાના.
ઈસાને મારી ભેટની કોઈ નવાઈ નહીં રહે.
મારે તો કંઈક અનેરું આપવું જોઈએ.
આવા વિચારોમાં સમય ક્યાંય વીતી ગયો.
અચાનક હર્ષનાદો અને જયજયકાર સંભળાયો.
વાતાવરણમાં ગજબની પવિત્રતા અનુભવાઈ.
ધીમે ધીમે હર્ષનાદ નજીક આવતો સંભળાયો.
મીલીએ દર્પણમાં જોયું. હજુ તો પોતે તૈયાર પણ નહોતી થઈ. લાવને જોઈ લઉં કે ઇસા કેટલેક પહોંચ્યા છે.
એવું વિચારીને મીલી પોતાના મહાલયની અટારીમાં પહોંચી.
જોયું તો ઈસા મસીહા પોતાના મહેલની નીકટ હતા.
સાવ સ્વાભાવિકપણે ઈસાએ ઊંચે નજર કરી.
આજ સુધી પોતાને જોનારા દરેક પુરુષની દૃષ્ટિમાં વિકાર અને વાસના હતા.
ઈસાની નજરમાં માતા સામે જોઈ રહેલા બાળકની નિર્દોષતા હતી.
લાખોની સંપત્તિની માલકણ મીલી ઉઘાડા પગે દોડી.
તેના નોકરચાકર, મહાલયના ચોકીદારો ફાટી આંખે જોઈ રહ્યા.
મીલી દોડીને ઈસાના ચરણમાં ઢળી પડી.
એની આંખોમાંથી વહેતા આંસુ ઈસાના ચરણ પલાડી રહ્યા.
પોતાના રેશમ જેવા મુલાયમ લાંબા વાળથી મીલી ઈસાના ચરણ લૂછતી રહી.
એના માથે હાથ ફેરવતાં ઈસાએ મીલી સામે જોયું. જાણે કહેતા હોય-
મીલી, તારા આંસુ જેવી અમૂલ્ય ભેટ મને કોઈએ આપી નથી.