
નીલા સંઘવી
આજે વાત કરવી છે સોનાબહેનની. સોનાબહેન ઘેર ઘેર જઈને રસોઈ કરવાનું – નાસ્તા બનાવવાનું કામ કરે. બીમાર પતિનું અવસાન થયા બાદ સોનાબહેન અને દીકરો અજય રહી ગયા. કોઈ બચત ન હતી. જે નાની- મોટી બચત હતી તે પતિની બીમારીમાં વપરાઈ ગઈ હતી. એક રૂમનું નાનકડું ઘર હતું. સોનાબહેન તો વર્ષોથી રસોઈનું કામ કરતાં હતાં અને ત્રણ જણનું ભરણપોષણ કરતાં હતાં. પતિની સારવારનો ખર્ચો પણ જેમ તેમ કરીને કરતાં હતાં. ક્યારેક કોઈક સંસ્થાની મદદથી દવાનો ખર્ચ કાઢી લેતાં હતાં.
વર્ષોથી કામ કરતાં હોવાને કારણે પતિના અવસાનથી માથે પહાડ તૂટી પડ્યો હોય એવું કાંઈ સોનાબહેનને લાગ્યું નહીં. એમણે પોતાનાં કામ ચાલુ રાખ્યાં અને દીકરાને કહ્યું, ‘જો બેટા અજય, તું ભણવામાં સારો છે. ભણવામાં ધ્યાન આપજે. ભણીશ-ગણીશ તો તારો ઉદ્ધાર થશે. જો ભણવામાં નબળો પડીશ તો તારું કોઈ ભવિષ્ય નહીં હોય. અત્યારે તો મારાથી હજુ કામ થઈ શકે છે તેથી તને ભણાવવાનો ખર્ચો આપણે કાઢી લઈશું. જરૂર પડશે તો ભણવા માટે કોઈ સંસ્થાની મદદ પણ લઈશું. માટે બસ એટલું કહેવું છે કે તું ભણવામાં ધ્યાન આપજે. ખર્ચની વ્યવસ્થા હું ગમે તે રીતે કરી લઈશ.’
‘મા, તું ચિંતા ન કરીશ. હું ભણવામાં ધ્યાન આપું છું અને આપીશ જ કારણ કે મને ખબર છે કે હું ભણીશ તો જ આપણી ગરીબી હટાવી શકીશ.’ અજય માને બાંહેધરી આપતો.
અજયનો જવાબ સાંભળીને સોનાબહેનને કોઠે ટાઢક થતી અને એમનો વધુ કામ કરવાની શક્તિ મળતી. સોનાબહેન પાંચ ઘરે રસોઈનું કામ કરતાં અને બપોરના ફાજલ સમયમાં નાસ્તા બનાવવાં જતાં, જેને કારણે થોડી વધારાની આવક થતી હતી. આમ મા દીકરો બંને પોત-પોતાના કામમાં વ્યસ્ત રહેતાં હતાં. અજય એસ.એસ.સી.માં સારા માર્ક્સે પાસ થયો. સારી કોલેજમાં એડમિશન પણ મળી ગયું. સોનાબહેને રસોઈનું એક કામ વધારે લઈ લીધું, કારણ કે હવે અજય માટે કોચિંગ ક્લાસ કરવા જરૂરી હતા. વળી સોનાબહેનને એમ પણ થતું કે છોકરો કોલેજમાં જાય છે તો સારાં કપડાં અપાવી દઉં.
આ પણ વાંચો: આવી ભૂલ તમે પણ કદી ન કરતા
બીજા છોકરાઓ ફૂલફટાક થઈને કોલેજ આવતા હોય તે જોઈને બીચારા મારા અજયને પણ મન થાય ને? ભણવામાં હોંશિયાર અજયે અહીંનું ભણતર તો સારી રીતે પૂર્ણ કરી લીધું. એની ઈચ્છા એમબીએ કરવાની હતી તે પણ પરદેશ જઈને, પણ આ વાત માને કહેતા અચકાતો હતો, માને કઈ રીતે કહેવું? મા બીચારી પૈસા ક્યાથી કાઢશે? પણ એક દિવસ વાતવાતમાં તેણે માને પોતાના મનની ઈચ્છા જણાવી દીધી.
માએ કહ્યું, ‘બધું થઈ જશે, તું જા…’ સોનાબહેને પોતાની શેઠાણીને વાત કરી. શેઠાણીએ તેને
કહ્યું કે તમને થોડા પૈસા હું આપીશ. પણ અજયને કહેજો બેન્કમાં જાય ત્યાંથી તેને એજ્યુકેશન લોન મળી જશે અને પરદેશ જઈને ભણતાં ભણતાં તે પાર્ટટાઈમ કામ પણ કરી શકશે એટલે તમારા ઉપર પણ વધારે બોજો નહીં આવે. બેન્કમાંથી અજયને એજ્યુકેશન લોન પણ મળી ગઈ. અજયે બધી તપાસ કરી એ શોધી કાઢ્યું કે એમબીએ કરવાનો ખર્ચ સિંગાપોરમાં થોડો ઓછો આવે છે. એટલે અજય સિંગાપુર ગયો.
ભણતાં ભણતાં પાર્ટ ટાઈમ કામ પણ કરતો હતો એટલે હવે ખર્ચની કોઈ ચિંતા ન હતી. મા પણ થોડા ઘણાં પૈસા મોકલતી રહેતી હતી. અજયને માસ્ટર્સની ડિગ્રી મળી ગઈ. ત્યારબાદ સારી જોબ પણ મળી ગઈ. સોનાબહેને ઘણાં વખતથી દીકરાને જોયો ન હતો તેથી કહ્યું, ‘થોડા દિવસ ઘેર આવી જા.’ પણ અજય વાત ટાળતો રહ્યો, રજા નથી મળતી એમ કહીને.
મા, દીકરાની રાહ જોઈને બેઠી હતી કે દીકરો આવશે. આટલું બધું ભણ્યો. મારાં અરમાન પૂરા થયા. પણ અજય આવવાનું નામ લેતો ન હતો. એક દિવસ અજયે ફોન કરીને જણાવ્યું, ‘મા, મેં લગ્ન કરી લીધાં છે, સોનાબહેન ચોંકી ગયા. લગ્ન કરી લીધાં ત્યાં સુધી આ છોકરો વાત પણ કરતો નથી. છતાં મન મનાવ્યું અને કહ્યું, ‘કોણ છે છોકરી?’ ‘મા, અહીંની લોકલ છે અને સારી જોબ કરે છે.’
‘તમે, બંને અહીં આવી જાવ. નાનકડું ગેટ ટુગેધર રાખીશું. હવે તો તું પણ કમાય છે એટલે ખર્ચનો પણ વાંધો નહીં આવે.’
‘ના, રે ના એવા ખોટા ખર્ચા કરવા મારી પાસે પૈસા નથી. અજયે કહ્યું અને સોનાબહેન તો સુન્ન થઈ ગયાં. આગળ કાંઈ બોલી ન શક્યાં. પછી તો ધીરેધીરે દીકરાના ક્યારેક ક્યારેક આવતા ફોન સાવ બંધ થઈ ગયા. ક્યારેક સોનાબહેન ફોન કરે તો અજય ‘હાય, હલ્લો’ કરીને મૂકી દે. સોનાબહેનને બહુ જ ખરાબ લાગતું. પેટે પાટા બાંધીને છોકરાને ભણાવ્યો. મેં તો કદી એના પૈસાની આશા કરી નથી. પણ સગાંવહાલાં સંભળાવે છે, ‘હજુ કેમ આ રસોઈના કામ કરે છે? હવે તો દીકરો પરદેશમાં કમાય છે. હવે તારે પૈસાની ક્યાં ખોટ છે?’
આ પણ વાંચો: સેતુનું કામ કરજો…
સોનાબહેન શું બોલે? બધાંને થોડું કહેવા બેસાય કે દીકરો તો ફોનમાં વાત પણ પરાણે કરે છે. ઘરે આવવા પણ તૈયાર નથી. એક વાર સોનાબહેનને ફોનમાં કહ્યું, ‘તારી વહુને લઈને એકવાર તો આવ ઘરે.’‘ના, ભાઈ, ના એવી ગરીબીમાં અને તૂટ્યા ફૂટ્યા ઘરમાં મારે નથી આવવું.’ અજયની આ વાત સાંભળ્યા પછી સ્વાભિમાની સોનાબહેને દીકરાને ફોન કરવાનું બંધ જ કરી દીધું. દીકરો તો સામેથી ફોન કરતો જ નહીં. હા, સોનાબહેનના મનમાં પણ એમ હતું જ કે દીકરો કમાતો થશે પછી ઢસરડા કરવાનું બંધ કરી દેશે, પણ દીકરાએ ક્યારેય માને બે પૈસાય મોકલ્યા જ નહીં કે એમ પણ ન કહ્યું કે મા તેં બહુ કામ કર્યું હવે રહેવા દે, હું છું ને.
સોનાબહેને આ વાસ્તવિક્તા સ્વીકારી લીધી હતી. હવે સોનાબહેન દીકરાને ફોન નથી કરતાં, એમને યાદ આવે ત્યારે બે આંસુ સારી લે છે. હવે એકલાનું પેટ ભરવાનું છે એટલે કામ ઓછાં કરી નાખ્યાં છે. પોતાની ખુમારીથી પોતાનું કમાઈને જીવે છે. સોનાબહેનને સંતોષ છે કે પોતાની ફરજ પોતે પૂર્ણપણે બજાવી છે. આવાં સોનાબહેનને સલામ.