સંધ્યા છાયાઃ `મ’ને લગાડો કાનો (મા) પછી ઈશ્વર પણ લાગશે નાનો!

નીલા સંઘવી
`મા એટલે મા, બીજા વગડાના વા’.
માનો કોઈ પર્યાય હોઈ જ ન શકે. સંતાનો માતાને ગમે એટલું દુ:ખ આપે, અપમાન કરે, ઝઘડા કરે પણ માતા હંમેશાં માફ કરી દે. સંતાને મા સાથે ગમે એટલું ખોટું કર્યું હોય પણ પોતાના જણ્યાને જો જરૂર પડી હોય તો બધું ભૂલી જઈને મા પોતાના દીકરા-દીકરીની મદદે દોડી જ જશે.
પુષ્પાબહેન પતિ પરેશભાઈ અને દીકરા રવિ સાથે આનંદથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. રવિ કૉલેજમાં ભણતો હતો અને પરેશભાઈ નોકરી કરતા હતા. એવાં કાંઈ શ્રીમંત ન હતા પણ પુષ્પાબહેન કરકસરથી સારી રીતે ઘર ચલાવતાં. એમને હરવાફરવા કે ખાવા-પીવાના કોઈ ચટાકા ન હતા, તેથી પતિ પાસે એમની કોઈ ડિમાન્ડ પણ ન રહેતી.
સાદું જીવન જીવતાં હતાં. થોડી બચત કરી હતી. દીકરો એન્જિનિયરિગનું ભણતો હતો. પતિ-પત્નીએ બચાવેલા પૈસામાંથી દીકરાનો ભણતરનો ખર્ચ નીકળી જતો હતો. દીકરો એન્જિનિયર થયો. સારી નોકરી પણ મળી ગઈ. સારો પગાર હતો એટલે પરિવાર ધીમે ધીમે સમૃદ્ધ થવા માંડ્યો. કમાતો-ધમાતો-દેખાવડો એકનો એક દીકરો હોવાને કારણે રવિ માટે સારા શ્રીમંત પરિવારની કન્યાઓ માટે કહેણ આવવા માંડ્યા.
શ્રીમંત પરિવારની રિયા સાથે રવિનું મન મળ્યું. રિયાને પણ રવિ ગમ્યો. રંગેચંગે લગ્ન થયા. સરસ મજાની રૂમઝુમ કરતી વહુ ઘરમાં આવી. બધું બરાબર ચાલતું હતું. પણ સુખ કોઈનું લાંબું ટકતું નથી. સુખ પછી લાઈનમાં દુ:ખ ઊભું જ હોય છે. પરેશભાઈ માંદા પડ્યા. ડોક્ટરે ટેસ્ટ કરાવ્યા. અને કમનસીબે પરેશભાઈને કેન્સર ડિટેક્ટ થયું. ઘણી સારવાર છતાં પરેશભાઈને બચાવી ન શકાયા.
પુષ્પાબહેનને બહુ દુ:ખ થયું. પતિથી ક્યારેય છૂટા પડ્યાં ન હતાં. પિયર પણ એ પરેશભાઈને મૂકીને ભાગ્યે જ ગયા હશે. પુષ્પાબહેન સૂનમૂન થઈ ગયા. એમાં પરેશભાઈના જતા વહુને છૂટો દોર મળી ગયો. રવિ આખો દિવસ કામ પર જતો રહેતો. બે વર્ષની પુત્રી રિન્કીને પુષ્પાબહેન પાસે મૂકીને રિયા પાર્ટી, પિકનિક, નાટક, સિનેમા, હરવા-ફરવામાં વ્યસ્ત થઈ ગઈ.
પુષ્પાબેહન રસોઈ પણ કરે અને રિન્કીને પણ સાચવે. પણ આ બધું કરવું ગમતું ન હતું, પણ પરાણે ખેંચતા હતાં. આટલું બધું કરવા છતાં પુષ્પાબહેનને વહુ રિયા કાંઈ ને કાંઈ સંભળાવ્યા કરતી. તેમના કામમાં ખોડખાંપણ કાઢયાં કરતી હતી. દીકરો પણ પત્નીની વાત સાંભળીને પુષ્પાબહેનને કહેતો, `મમ્મી, તમે થોડું કામ કરતા હો તો તમારો સમય પસાર થાય અને એક્ટિવિટી રહે. આખો દિવસ બેઠા રહો છો એના કરતાં હરતાફરતા રહો તો શરીર સાં ચાલે.’
અરે બેટા., હું જ તો ઘરનું બધું કામ કરું છું. રિયા તો આખો દિવસ બહાર જતી રહે છે.’ જો મમ્મી, મને રિયાની વિદ્ધ ચઢાવવાની કોશિશ ન કરતા. રિયા તમને પોતાની માની માફક સાચવે છે પણ તમને કદર નથી.’ રવિ પત્નીની બોલી બોલતો હતો. ધીરે ધીરે રિયાની જોહુકમી વધતી ચાલી. ઝઘડા કરવા લાગી. રવિ પણ પત્નીનો પક્ષ લેતો. એક દિવસ રવિ પોતાના માને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો.
પુષ્પાબહેન તો વૃદ્ધાશ્રમમાં શાંતિથી રહેતાં હતાં. ઘરમાં દીકરા-વહુના ટપલાં ખાવા કરતાં અહીં સાં હતું. સરખેસરખી ઉંમરના લોકોની કંપની હતી. પ્રભુભજન કરવા સમય મળતો હતો. પુષ્પાબહેનને દીકરા વહુની તો યાદ આવતી ન હતી, પણ રિન્કીની યાદ આવતી હતી.
કહે છે ને કે` રૂપિયા કરતાં વ્યાજ વધારે વહાલું હોય.’ એકાદ બે વાર પુષ્પાબહેન રિન્કીને મળવા ગયા પણ દીકરા-વહુ બેમાંથી એકેય મોં-મન આપ્યું નહીં પછી પુષ્પાબહેને મન વાળી લીધું અને દીકરાને ત્યાં જવાનું બંધ કરી દીધું અને બધી મોહ-માયા સંકેલ લઈ પ્રભુભજનમાં ચિત્ત પરોવ્યું.
એક દિવસ અચાનક દીકરાનો ફોન આવ્યો, મમ્મી, જલદી ઘરે આવી જાઓ. રિયાનો એક્સિડન્ટ થઈ ગયો છે.’ પુષ્પાબહેન તો હાંફળાંફાંફળાં ઘરે પહોંચ્યાં. રિયાને હોસ્પિટલ લઈ ગયા હતા.. થોડીવારમાં ખબર આવ્યા રિયાને બચાવી શકાઈ નથી. રિયાની અંતિમક્રિયા થઈ. રવિનો વલોપાત પુષ્પાબહેનથી જોવાતો ન હતો. રિયાના ક્રિયા કરમ થઈ ગયા પછી પુષ્પાબહેને જવાની તૈયારી કરી. એ જોઈને રિન્કી બોલી,દાદી, તમે ક્યાં જાવ છો? મને એકલી મૂકીને નહીં જતા. મને બહુ ડર લાગે છે.’
`બેટા, મારે તો જવું જ પડે ને? મને તો તારો ડેડી વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો છે, હું અહીં કેવી રીતે રહું?’ રવિ આ સાંભળતો હતો. દોડીને મા પાસે આવ્યો અને માના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો:
`મમ્મી, મને માફ કરી દો. મને અને રિયાને અમારાં કર્મોની સજા મળી ચૂકી છે. અમે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હવે મને અને રિન્કીને તમારી જરૂર છે. અમે બાપ-દીકરી તમારી વગર નહીં જીવી શકીએ. રિન્કીની જવાબદારી હું એકલા હાથે ઉપાડી નહીં શકું. મમ્મી, હવે તમે અહીં જ રહો પ્લીઝ.’
દીકરાની દશા જોઈને માનું હૃદય પીગળી ગયું. પુપ્પાબહેને ઘર, રવિ અને રિન્કીને સંભાળી લીધા. રવિએ રાહતનો શ્વાસ લીધો. રિન્કી દાદીના પ્રેમ અને હૂંફથી સચવાઈ ગઈ. માને ગમે તેટલો અન્યાય કર્યો હોય તોય સંતાનને જરૂર પડે ત્યારે મા હાજર થઈ જ જાય છે. તેથી જ કહે છે- `મ’ને લગાડો કાનો (મા) પછી ઈશ્વર પણ લાગશે નાનો.
આ પણ વાંચો…સંધ્યા છાયાઃ …અને રચાયું એક સાચકલું ‘બાગબાન’