મા-બાપને સાચવીએ એમનાં ભાઈ-બહેનને નહીં !

નીલા સંઘવી
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં કોલેજ ફ્રેન્ડસનું ગેટ-ટુગેધર હતું. વર્ષો પછી બધી સખીએ મળી રહી હતી. અમને બધાંને ભેગાં કરવાનું કામ તો અમારી ઇંઙ (હરખ પદૂડી !) સખી નેહાએ કર્યું.
એ દિવસે અમે પંદર સખીઓ મળી આનંદ આનંદ છવાઇ ગયો. એક-બેને બાદ કરતાં લગભગ બધી સખીનું વજન વધી ગયું હતું. રૂપેરી વાળમાં કરેલો ક્લેપ ઉંમર વધવાની ચાડી ખાતો હતો. કોઇના વાળ પાંખા થઇ ગયા હતા તો કોઇના ચહેરા પર પિગમેન્ટેશને કારણે કાળા દાગ-ધબ્બા થઇ ગયા હતા. આ બધો ઉંમરનો તકાજો હતો, પણ સરસ વાત એ હતી કે બધાંના ચહેરા પરનું મધુર હાસ્ય અકબંધ હતું. બધાં એકબીજાને ભેટી ભેટીને મળ્યાં. મળ્યાં એટલે ખાવાના સાથે ગોલ-ગપ્પાં પણ ચાલુ થયા. સૌ પોતપોતાના સંસારની વાત કરી રહ્યાં હતાં. જેને સવાલ પુછાય તે પોતાની, પોતાનાં પતિની-સંતાનોની-પરિવારની વાત કરે. બહુ મજા આવી રહી હતી. મને અચાનક યાદ આવ્યું કે નીતાના લગ્ન થયા ત્યારે એના જેઠ કુંવારા હતા, એ લગ્ન કરવાના ન હતા. તેથી મેં નીતાને પૂછયું :
‘નીતા, કેમ છે તારા જેઠ? તેમણે પછી લગ્ન કર્યા કે નહીં? હજુ તારી સાથે જ રહે છે કે નહીં?’
‘અરે, એક સાથે કેટલા પ્રશ્નોનો મારો ચલાવે છે તું ? તું હજુ એવી જ રહી કોલેજમાં હતી એવી જ. અને તારી પાસે પ્રશ્નો જ બહુ હોય હંમેશાં તારી આ જ ટેવને કારણે તું પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે છે એવું મને લાગે છે’ નીતાએ કહ્યું.
આ પણ વાંચો: સેતુનું કામ કરજો…
‘અરે, નીતા મને મનમાં પ્રશ્ન ઊગ્યો છે તો હવે તેનો સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. તું તારા જેઠ વિશે વાત કર.’
‘હા, સાંભળો, બધાં. લગભગ બધી બહેનપણીઓ જાણે છે કે મારાં નરેશ સાથે લવ-મેરેજ હતાં. અમારાં લગ્ન થયા ત્યારે નરેશના પરિવાર એના મોટાભાઇના એટલે કે મારા જેઠના લગ્ન થયા ન હતા. નરેશનો પરિવાર મોટો નરેશને ત્રણ ભાઇ અને બે બહેન. નરેશથી બે મોટાભાઇ અને એક નાનો ભાઇ બે મોટાભાઇમાંથી એક ભાઇ પરણેલા અને બીજા નીતિનભાઇ અપરિણીત નાનાભાઇના લગ્ન બાકી હતા. મારાં સાસુ-સસરા પણ હયાત હતાં. આટલો મોટો પરિવાર એક છત નીચે રહેતો હતો. પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ હતો. એટલે ઘરમાં નોકર-ચાકર હતા. ઘરની વહુઓ પણ નોકરી કરવા જતી ન હતી. ઘર સંભાળતી હતી. સાસુજીના નેતૃત્વ નીચે ધર-પરિવાર સંપથી રહેતો હતો.
‘અમારો સંસાર સરસ ચાલતો હતો. દિયરના પણ લગ્ન થઇ ગયા, ત્રણેય ભાઇને ત્યાં બાળકો પણ થઇ ગયા. પછી સાસુ-સસરાનું અવસાન થયું. પરિવાર મોટો થવાને કારણે સંકડાશ થવા માંડી અને સાસુના ગયા પછી દેરાણી-જેઠાણીઓમાં પણ ચણભણ થવા માંડી. એટલે નક્કી થયું કે આ બંગલો વેચીને જે પૈસા આવે તેના ભાગ પાડીને સૌએ પોતાની માટે ફલેટ લઇ લેવા. ત્રણ ભાઇના તો પરિવાર હતા. પણ પ્રોબ્લેમ મોટા જેઠનો હતો. એ એકલા કેવી રીતે રહે? તેથી નક્કી કર્યું કે જેઠ મારી સાથે રહે. દેરાણીના સંતાન નાના હતા તેથી આવી વ્યવસ્થા કરી કરી. હવે જે પૈસા ભાગમાં આવ્યા એમાંથી અમને એક બેડરૂમ હોલ કિચનનું ઘર મળ્યું.
અમારે થોડા પૈસા બચાવવા પણ હતા, કારણ કે મારાં બાળકો મોટા થઇ ગયા હતા. એમના લગ્ન માટે પૈસાની જરૂર પડવાની હતી. અમે તો ફલેટમાં રહેવા ગયા. શરૂઆતમાં થોડાં વર્ષો તે બહુ વાંધો ન આવ્યો, કારણકે હું અને નરેશ બેડરૂમમાં અને મારા જેઠ તેમ જ મારાં બન્ને પુત્ર દીવાનખંડમાં સૂઇ જતા. થોડા વર્ષો પછી મોટા પુત્રના લગ્ન થયાં. બેડરૂમ એને ફાળવવામાં આવ્યો. હવે હું અને નરેશ દીવાનખંડમાં આવી ગયા. મારા જેઠને અમે સમજાવતા કે તમે પ્લીઝ કિચનમાં સૂઇ જાઓ, પણ એ ના પાડતા. કિચનમાં સૂવાનું ફાવતું નહીં. મારા જેઠને ખાવા-પીવાના બહુ જ શોખ. એમને રસોઇ એકદમ ચટાકેદાર જોઇએ. વળી જમવા બેસે ત્યારે ગરમાગરમ તવા પરથી ઊતરેલી રોટલી જ જોઇએ. આટલાં વર્ષથી હું તો એમના બધાં નખરાં ઉઠાવતી હતી, પણ હવે નવી આવેલી વહુને આ બધું વધારે પડતું લાગતું હતું.
આ પણ વાંચો: આવી ભૂલ તમે પણ કદી ન કરતા
પુત્રવધૂનું કહેવું હતું કે મોટા કાકાએ થોડું એડજસ્ટ કરવું જોઇએ. આવાં બધાં નખરા ન ચાલે. ઘરમાં વહુના આગમનને કારણે હું અને નરેશ પણ થોડા છૂટાં થયાં હતાં. તેથી સિનેમા જોવા, હરવા ફરવા કે બહારગામ જવાના પ્રોગ્રામ બનાવતા અને લાઇફને એન્જોય કરતા હતા.
બંને પુત્ર અને વહુ પણ કહેતા હતા કે આટલા વર્ષ બહુ કર્યું. મમ્મી તો બિચારી ઘરમાં જ ગોંધાઇ રહી. આટલી ભણેલી હોવા છતાં ગૃહિણી બનીને રહી. હવે તમે બન્ને જિંદગીની મજા લો. અને મમ્મી, તારો સંગીતનો શોખ તું એ પૂરો કર. સંગીત કલાસમાં જા. કરાઓ કે ગ્રૂપ જોઇન કર તને મજા આવશે. આમ હું ઘરની બહાર નીકળતી થઇ. પણ આ બધું બિલકુલ એમનું સાંભળે નહીં. બન્ને પુત્રના લગ્ન પણ નક્કી થયા. છોકરાઓ કમાતા થયા હતા એટલે બે-બેડરૂમનો ફલેટ લીધો પણ હવે બધાં મોટા કાકાથી કંટાળ્યા હતા. એમની તબિયત પણ કથળતી જતી હતી તેથી એ ક્યાંય ઘરની બહાર જતા નહીં.
આખો દિવસ ઘરમાં જ રહે અને કચકચ કર્યા કરે. એમને થોડા દિવસ બીજા ભાઇને ઘેર જવા કહ્યું તો એ જવા તૈયાર નહીં: આખરે પરિવારની મીટિંગ કરીને નક્કી કર્યું કે મોટાભાઇને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા. ભાઇની તો બિલકુલ ઇચ્છા ન હતી. વૃદ્ધાશ્રમમાં જવાની પણ અમારી પછીની પેઢી પોતાનાં માતા-પિતાને સાચવવા તૈયાર હતી. એમનાં ભાઇ-બહેનને નહીં. પરિવારજનો તો આ વાત સમજી શકયા તેથી બધાંએ મળીને જેઠજી માટે સરસ વૃદ્ધાશ્રમની શોધ આદરી. અંતે મુંબઇનાં જ એક વૃદ્ધાશ્રમ ગમ્યો અને ભાઇને ત્યાં મૂકયા. મુંબઇમાં જ હોવાને કારણે બહોળા પરિવારમાંથી વારાફરતી કોઇને કોઇ એમને મળવા જાય છે. તેમને જોઇતી ચીજ વસ્તુ આપી આવે છે. ત્યાં તેમને ગરમાગરમ ચા-નાસ્તો અને ગરમાગરમ જમવાનું મળી રહે છે. હા, ત્યાં બહુ મરી-મસાલાવાળો ખોરાક આપતા નથી. ’
નીતાએ વાતનું સમાપન કરતા ઉમેર્યું:
‘આમ આજની જનરેશન એનાં મમ્મી-પપ્પાને સાચવી લેશે,પણ મા-બાપના ભાઈ-બહેનને નહીં !’