ભારતીય પુરુષોનું સ્પર્મકાઉન્ટ ઘટી રહ્યું છે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આંકડાઓ કહી રહ્યા છે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતમાં, પુરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કદાચ એટલા જ કારણે શહેરોનાં હોર્ડિંગ્સ તેમજ ડિજિટલ એડર્વટાઈઝિંગ્સ IVFની ટ્રીટમેન્ટ્સથી ભરચક છે અને આજકાલ આપણી આસપાસના કેટલાંય કપલ્સમાં માતા-પિતા બનવાને લઈને ઊચાટ છે!
જોકે આ માત્ર વ્યક્તિગત કે પારિવારિક સમસ્યા નથી. જો ભારતીય પુરુષના સ્પર્મકાઉન્ટમાં ઘટાડો નોંધાયો હોય તો એ સામાજિક દૃષ્ટિકોણથી તેમજ જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. આખરે કોઈ પણ સમાજ કે સમુદાયનું અસ્તિત્વ પ્રજનન ક્ષમતા પર આધાર રાખતું હોય છે.
જોકે આપણે કોઈ પણ વિષયની ચર્ચા કરીએ એ પહેલાં તેને લગતા કેટલાક આંકડા જરૂર જોવા જોઈએ, જેમકે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અને અહેવાલો કહે છે કે લગભગ ત્રણ દાયકા પહેલાં ભારતીય પુરુષોનું સરેરાશ સ્પર્મકાઉન્ટ પ્રતિ મિલીલિટર (ml) 60 મિલિયનની આસપાસ હતું, જે આજના સમયમાં ઘટીને લગભગ 20 મિલિયન/એમએલ જેટલું થઈ ગયું છે. આ ત્રણ ગણો ઘટાડો પુરુષ પ્રજનન સ્વાસ્થ્યની કથળતી સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે. 1979 થી 2016 સુધીના લાંબા ગાળાના અભ્યાસમાં ભારતીય પુરુષોના વીર્ય (સીમેન)ની ગુણવત્તાનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્મ કોન્સન્ટ્રેશન અને સામાન્ય મોર્ફોલોજી (આકાર)માં પણ આંકડાકીય રીતે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
આ પણ વાંચો: મેલ મેટર્સ: સ્માર્ટ ફોન્સના આ જમાનામાં માત્ર દૂરની દૃષ્ટિ નહીં, પરંતુ નજર પણ દૂર સુધીની રાખજો!
આ ઉપરાંત ઇન્ફર્ટિલિટી (પ્રજનનક્ષમતા) સંદર્ભે આંકડાઓ કહે છે કે દેશમાં લગભગ 10થી 15 ટકા દંપતી આ સમસ્યાનો સામનો કરે છે, જેમાં 40 થી 50 ટકા કેસોમાં પુરુષ વંધ્યત્વ મુખ્ય અથવા સહાયક કારણ તરીકે જવાબદાર
હોય છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) પણ દેશમાં પુરુષ વંધ્યત્વનું પ્રમાણ 10-15% હોવાનો અંદાજ મૂકે છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલો પણ આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતમાં વંધ્યત્વના લગભગ અડધા કિસ્સાઓમાં પુરુષોની પ્રજનન સમસ્યાઓ એક મહત્ત્વનું પરિબળ છે.
-પરંતુ આવું થવાનાં કારણ શું?
વેલ, આની પાછળ અનેક કારણ જવાબદાર છે, જેમાંથી ઘણા આપણી આધુનિક જીવનશૈલી અને કથડતું જતું પર્યાવરણ બંને જવાબદાર છે. જીવનશૈલીનાં પરિબળોમાં ધૂમ્રપાન, અતિશય મદ્યપાન અને નશીલા પદાર્થોનું સેવન મુખ્ય છે, જે સીધી રીતે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે. વધતી જતી સ્થૂળતા (ઓબેસિટી) અને બેઠાડું જીવનશૈલી શરીરના હોર્મોનલ સંતુલનને ખોરવી નાખે છે, જે પ્રજનન ક્ષમતા માટે હાનિકારક છે. સતત માનસિક તણાવ અને નબળું માનસિક સ્વાસ્થ્ય પણ શુક્રાણુઓના ઉત્પાદન પર વિપરીત અસર કરી શકે છે.
અહીં આપણે પર્યાવરણીય પરિબળોની વાત કરીએ તો વાતાવરણમાં રહેલા ઝેરી પદાર્થો જેવા કે લીડ (સીસું), મર્ક્યુરી (પારો) અને ખાસ કરીને એન્ડોક્રાઇન-ડિસરપ્ટિંગ કેમિકલ્સ (EDCs), જે અંત:સ્ત્રાવી ગ્રંથિઓની કામગીરીમાં વિક્ષેપ પાડે છે અને શુક્રાણુઓની ગુણવત્તા ઘટાડી શકે છે. આ રસાયણો પ્લાસ્ટિક, જંતુનાશકો અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં જોવા મળે છે. વધુમાં, શરીરના તાપમાનમાં વધારો, ખાસ કરીને વૃષણકોષ (ટેસ્ટિકલ્સ)ના તાપમાનમાં વધારો, શુક્રાણુ ઉત્પાદન માટે હાનિકારક છે.
આ પણ વાંચો: મેલ મેટર્સ : આઝાદ ભારતમાં દેશપ્રેમની કેટલીક નવી વ્યાખ્યા કંઈક આવી છે!
આ બધા ઉપરાંત આજકાલના યુથના અભરખાય ઓછા નહીં. એમણે મોડી ઉંમરે લગ્ન કરવા છે અને લગ્ન સમયસર કરે તો પહેલાં કપલ્સ તરીકે પોતે સેટ થવું હોય છે! પરંતુ મોટી ઉંમર પણ શુક્રાણુઓની સંખ્યા પર નોંધપાત્ર અસર પાડે છે.
જોકે આ બાબતે હજુ પણ મોડું નથી થયું. આ દિશામાં જો અત્યારથી થોડી સતર્કતા રાખવામાં આવે તો ફરીથી સારાં પરિણામો મેળવી શકાય છે. આ માટે સૌથી મહત્ત્વનું પગલું જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવવાનું છે. ધૂમ્રપાન અને મદ્યપાન છોડવું, નિયમિત શારીરિક વ્યાયામ કરવો, પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો અને તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓ અપનાવવી એ પ્રજનન સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત વજન નિયંત્રણમાં રાખવું પણ જરૂરી છે, કારણ કે આજે મોટાભાગના લોકો વધુ વજનથી પીડાય છે. એટલે જ તો વડા પ્રધાન પણ આ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
બીજી તરફ, જો જીવનશૈલીના ફેરફારો પૂરતા ન હોય તો તબીબી સારવારના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વેરિકોસેલ (વૃષણકોષની નસોનું ફૂલી જવું) જેવી સ્થિતિ માટે સર્જરી, હોર્મોનલ અસંતુલનને સુધારવા માટે હોર્મોન થેરાપી અથવા આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (ART) જેવી કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અને ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (ICSI) જેવી પ્રક્રિયા દ્વારા ઘણા દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે.
જોકે આ બધામાં સૌથી અગત્યનું છે જાગૃતિ.
પુરુષોએ પોતાના પ્રજનન સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થવું જોઈએ, નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ અને જો કોઈ શંકા હોય તો ફર્ટિલિટી ટેસ્ટિંગ પણ કરાવવું જોઈએ, જેથી સમસ્યાનું વહેલું નિદાન થઈ શકે અને સમયસર યોગ્ય સારવાર શરૂ કરી શકાય.