લાફ્ટર આફ્ટર: મહાભારતનું કોકડું ઉકેલાશે ખરું?

-પ્રજ્ઞા વશી
આ મહાભારતનું કોકડું કહો કે યુદ્ધ, ક્યાં ક્યાં જાળ પાથરીને બેઠું છે! ભાગ્યે જ કોઈ આ યુદ્ધની જાળમાંથી બહાર નીકળી શકે છે. એક પણ ક્ષેત્ર (ફિલ્ડ), એક પણ ઘર, એક પણ માણસ, પશુ – પંખી કે પછી ઘરબાર છોડીને સાધુત્વ ગ્રહણ કરેલાઓનાં તન તેમજ મનમાં એક મહાભારત યુદ્ધની લિંક પડેલી જ હોય છે. ભૂલમાં પણ જાણે – અજાણ્યે આ લિંક ઉપર ક્લિક થઈ જાય કે તરત જ મહાભારત યુદ્ધની વ્યૂહરચના રગેરગમાં ઝંકૃત થવા માંડે છે. કદાચ માતાના ગર્ભમાંથી જ બાળક એના અંશ લઈને જન્મે છે. ઘરમાં જેવા સમાચાર આવે કે, ‘સાંભળો છો? હું મમ્મી અને તમે પપ્પા બનવાના છો.’
બસ, પછી પૂછવું જ શું?
‘જો ડાર્લિંગ, જે પણ આવે. પણ એ બેબી કે બાબો રૂપે- રંગે અને તાકતવર તો મારા જેવો જ કે જેવી જ આપણે બનાવીશું.’
એટલે તરત મમ્મી ઉવાચ, ‘ના ભઈ, દીકરી હોય તો એ પણ મારા જેવી અને દીકરો હોય તો એ પણ મારા જેવો મળતાવડો અને હોશિયાર હું બનાવીશ. તમારી જેમ નરસિંહ મહેતા તો નહીં જ બનાવું.’
આ કથા સાસુમા બહાર ઊભા રહી સાંભળતાં હોય તો એ તુર્ત જ પોતાનું પોત પ્રકાશતાં સીધા દીકરા-વહુના રૂમમાં (ઘૂસી જવાનો અબાધિત અધિકાર ધરાવતાં હોય એમ) ધસી જઈને કહેશે, ‘અમારાં કુટુંબમાં તો દાદા ને દાદી જ એના પૌત્રને સંસ્કાર અને શિક્ષણ આપે તેમજ એને કેવો બનાવવો એ નક્કી કરે… સમજી વહુ?’
મહાભારતનું પહેલું મૂળિયું, પહેલો ખટરાગ કે પહેલી જીભાજોડી કે પછી પહેલો જંગે ગર્ભ સંસ્કાર રૂપે આપવી શરૂ થઈ જાય.
વહુ જરા ખસીને બાથરૂમમાં જઈને માને ખુશખબર આપતાં ફોન ઉપર બોલવા લાગી: ‘જો મમ્મી, તું નાની બનવાની છે, પણ ખુશ થવાની આ ઘડી નથી. જો, ધ્યાનથી સાંભળી લે. આ અમારા ઘરમાં ઠેર ઠેર મંથરા તત્ત્વ ફેલાઈ ચૂક્યું છે એટલે મારા પક્ષે તમારે સતર્ક રહેવાનું છે. હું થોડા દિવસમાં માંદી પડવાનો ઢોંગ કરીશ એટલે તમે લેવા આવજો.’ પછી તારે ત્યાંનો ડોક્ટર એટલે આપણા દાક્તર કાકા (પિતરાઈ કાકા) કહેશે કે ‘કમજોરી ઘણી છે. એટલે અંત સુધી સૂતાં સૂતાં જ બાળકને સાચવવું પડશે. કામ તો થશે જ નહીં. કોઈ માનસિક સ્ટ્રેસ તો જરા પણ ચાલશે નહીં. દિવસમાં સાત વખત હું લખી આપું તે જ્યૂસ, ફ્રૂટ ને ગરમ ખોરાક આપવો પડશે. પછી તું જોજે. મારી હાહુ તો એમ હો કામ કરવામાં મંદ ગતિ છે, ને મારા આવ્યાં પછી માળા લઈને બેઠાં બેઠાં ખાય છે તો થોડો રેચ તો આપવાનો જ છે. મારી માવજત કરવામાં સાસુમા પોતે જ ઢીલાં થઈ જશે અને અમને પિયર ભેગાં કરી દેશે.’
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર: લીવ ઇન કે લીવ આઉટ?
મહાભારતનો પહેલો કોઠો આવો હોય તો વિચારો કે આગલા કોઠા કેવા કેવા હશે? પછી તો સાસુમા પક્ષે નણંદબા, જેઠાણી, દેરાણી અને વહુના પક્ષે આખો પિયર પક્ષ. આ બધામાં જેનું નામ પાડવાની હોડમાં મહાભારતનાં મંડાણ થયાં છે, એ વિચારતો હશે કે હજી બહારની દુનિયા તો મેં જોઈ નથી, પણ આ ઘરની દુનિયા જોયા પછી તો હે પ્રભુ! મને લાગે છે કે આના કરતાં તો મને માના ઉદરસ્થ જ રાખી મૂકે!
જોકે પછી કુંવરનું નામ પાડવાનું હોય એટલે એણે તો વાજતે ગાજતે બહાર આવ્યે જ છૂટકો. કાશ! મારા પપ્પા સજીધજીને, ઘોડે ચડીને, અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને, ફટાકડા ને આતશબાજી કરીને, પૈસાનું પાણી કરીને, વરરાજા બનીને મમ્મીને પરણવા ગયા જ ન હોત તો…? કેવું સારું થાત! પણ ના, મહાભારત જેના ઘરમાં રચાવાનું હોય છે, તે ઘરમાં યુદ્ધનો પાયો આપોઆપ નખાઈ જતો હોય છે.
પેલું કહ્યું છે ને કે થવા કાળ તો થઈને જ રહે છે. લખેલા લેખ ભલા કોણ ભૂંસી શકે? નસીબમાં હોય તેને કોણ મિથ્યા કરી શકે? આ નવ મહિનાના મહાભારતનું, કાશ! લાઇવ ટેલિકાસ્ટ થયું હોત કે પછી ‘એ નવ મહિના’ નામની ઓફબિટ ફિલ્મ બની હોત તો સુપરડુપર હીટ થઈ હોત. અમને લઈને મમ્મી પિયરમાં ખાટલેથી પાટલે… અને પપ્પા રોજ નોકરી- પિયર- સાસરું, એમ ત્રણ દિશાનાં ચક્કર કાપી કાપીને અને ત્રણે પક્ષનાને હસતાં મુખે જવાબ આપતાં ને સમજાવતાં સમજાવતાં શરીરથી અડધા થઈ ગયા અને મમ્મીજી જુઠાણાને સાચું કરવાની ઍક્ટિંગ કરવામાં ખાટલે પડી પડીને તેમજ દિવસમાં દસ વાર પૌષ્ટિક આહારને આરોગી આરોગી ચોમેરથી દસ ગણા વધી ગયાં!
આ નવ મહિનામાં ફોઈબાએ મારાં સો – સવાસો નામનું લિસ્ટ તૈયાર કરી દીધું હતું. અને ‘નામ તો ફોઈ જ પાડે.’ એમ કહી પપ્પાને રોજ જ ‘બાયડીનો થઈ ગીયો છે’ એમ કહી કહી હેરાન કરી દીધા. મમ્મી અને નાના-નાની પણ ચારસો જેટલાં નામો લખીને તૈયાર બેઠાં હતાં. આ બેઉ પક્ષની નામ પાડવા અંગેની ચડસાચડસી જોઈને મારી હાલત યુદ્ધમાં ફસાયેલા પેલા અભિમન્યુ જેવી થતી ગઈ. મને પણ થયું, ચાલ, બધા જ યુદ્ધ લડે છે, ચક્રવ્યૂહ રચે છે અને મનમાની પણ કરે છે તો હું પણ મારી મનમાની કરી લઉં. એમ કરવાથી કદાચ બધાની આંખ ખૂલી જાય… અને અમે ડોક્ટરને જણાવી દીધું કે બહારના આવા કપટી વાતાવરણમાં અને ચાલબાજ માણસોની વસતિમાં આવવા તૈયાર નથી. બાળકના નામે બધા આટ આટલા સ્ટંટ ખેલે છે, એવી દુનિયા મને ખપની જ નથી.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : જ્યારથી જે જાગ્યા એની એ સવાર…
બસ, પછી તો ડોક્ટરે એલાન કર્યું. ‘બાળકનો વિકાસ જોતાં અમારે મોટી સર્જરી કરવી પડશે , કારણ કે બાળક બિલકુલ રિસ્પોન્સ કરતું નથી.’
(અહીંથી હવે ડોક્ટરનું મહાભારત શરૂ થાય છે. નવ મહિનામાં ડોક્ટર સમજી ગયા હતા કે ‘બેની લડાઈમાં ત્રીજો ફાવે’ એ કહેવત આ બંને લડાકુ પક્ષ અને હું સાચી પાડી બતાવશું.) ડોક્ટરે તો ઑપરેશન પહેલાં જ ગંભીર વાતાવરણ ઊભું કરી દીધું.
જાતજાતની દવા અને ઇન્જેક્શનો પોતાની જ દવાની દુકાનમાંથી લેવડાવીને અને બીજા બે ઘરના જ ડોક્ટરો ઊભા રાખી એ બધાના બિલ ચડાવી ચડાવી મારા પપ્પાને ખંખેરી લીધા.
હું પણ શું કરું? મને મારી મમ્મીએ છેલ્લો કોઠો જ શીખવાડ્યો નહોતો. એટલે જાતે તો બહાર ક્યાંથી આવીએ? પણ આખરે ડોક્ટર મારા પપ્પાનું બિલ વધારતા ન રહે એટલે અમે બહાર આવવા માટે માની ગયા. બાકી અંદર શું ખોટું હતું?