પુરુષ

હાલે ના પેટનું પાણી, એવી મારી જેઠાણી…!

કૌશિક મહેતા

ડિયર હની,

કોઈ પણ યુવતી સાસરે આવે તો એ સબંધ માત્ર પતિ સાથેનો નથી હોતો. પતિના આખા પરિવાર સાથે હોય છે ને એમાં ય કેટકેટલા સબંધો નિભાવવાના હોય છે. આ સબંધોમાં મીઠાશ હોય છે અને ખટાશ પણ. આપણા ઘરમાં સાસુ સાથે તો થોડા સમયમાં તને ગોઠી ગયું હતું, પણ જેઠાણી સાથે કેવું જામે છે? એ હું જોતો હતો. આ સંબંધ જરા અટપટો હોય છે. એમાં કેટલાક પેચ હોય છે. જરા જેટલી ગેરસમજ થાય તો એવી ગૂંચ પડે છે કે જે જલદી ઉકલતી નથી. એનાં કારણો છે. જેઠાણી એ ઘરની પહેલી વહુ હોય છે. એણે સાસુનું ‘રાજ’ જોયું હોય છે. એનો તાપ સહન કર્યો હોય છે. અલબત, બધા ઘરમાં એવું નથી હોતું, પણ જે જેઠાણીએ સાસુનો ત્રાસ સહન કર્યો હોય એ પછી રાહ જોતી હોય છે કે દેરાણી આવે એટલી વાર..એના પર જોહુકમી કરવા એ તત્પર હોય છે.

અહીંથી સમસ્યા શરૂ થાય છે. ઘરમાં આવેલી નવીસવી વહુ સાસુ સાથે કોઈ દલીલ કરતી નથી. કોઈ સમસ્યા થાય, મૂંઝારો થાય તો એ જેઠાણી પાસેથી માર્ગદર્શન મળી રહે એવી અપેક્ષા રાખતી હોય છે. એમાં જેઠાણીનો સહકાર ના મળે તો ઘરની શાંતિમાં જરૂર ખલેલ પડે છે. વડોદરામાં તો મિલકતના એક ઝગડામાં જેઠાણીએ દેરાણી પર જાનલેવા હુમલો કર્યો હતો અને પોલીસ ફરિયાદ થઇ હતી. આવું આપણા સમાજમાં બનતું આવ્યું છે.

આ સંબંધની જેટલી જટિલતા છે એટલી સુંદરતા પણ છે. થોડી સમજણથી કામ લેવાય તો સુખદ પરિણામો મળે છે.

સુરતમાં દેરાણી- જેઠાણી વડા પાઉં જાણીતી જગ્યા છે. એના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. એક રેકડીમાં દેરાણી-જેઠાણી સાથે મળી ફાસ્ટ ફૂડ બનાવે છે. એની ક્લિપ જુઓ તો મજા આવે.

‘આ મારી દેરાણી છે અને આ મારી જેઠાણી છે…’ એવું બંને એકબીજા માટે કહે ત્યારે સબંધોની સુવાસનો અહેસાસ થાય. સોશિયલ મીડિયામાં પર એક પોસ્ટમાં આ વિશે વીડિયો મુકાયો, જેમાં લખ્યું હતું: ‘જ્યારે દેરાણી-જેઠાણી ઝઘડો નહીં, પણ બિઝનેસ ચલાવે!’

આ પણ વાંચો….ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

મને ખબર છે કે, તારે શરૂઆતમાં જેઠાણી સાથે નાનો-મોટો સંઘર્ષ થયેલો. સ્ત્રીઓમાં એક સમસ્યા એ પણ છે કે, એમના હાથમાં ઘરની જે વ્યવસ્થા હોય એમાં કોઈ અન્ય વ્યક્તિ આવે તો શરૂઆતમાં એને એ ગમતું નથી. દેરાણી-જેઠાણીના ઝગડા ઘણાં ઘરોમાં થાય છે, પણ કેટલાક કિસ્સા મજાના હોય છે.

અમદાવાદની નજીકના એક ગામમાં રહેતી હતી સુનીતા (જેઠાણી) અને લલિતા (દેરાણી). સુનીતા ઘરનું સંચાલન કરવામાં નિપુણ હતી, પરંતુ એનો સ્વભાવ થોડો કડક હતો. લલિતા નવી વહુ તરીકે, શરૂઆતમાં સુનીતાની નિર્દેશોને અનુસરવામાં ખચકાતી. એક દિવસ ગામમાં ગરબાનું આયોજન થયું. અને બંનેને ગરબાના ડ્રેસ સીવવાની જવાબદારી સોંપાઈ. સુનીતાને સીવણનો અનુભવ હતો, જ્યારે લલિતાને ડિઝાઇનનો શોખ હતો.

શરૂઆતમાં બંને વચ્ચે નાનો વિવાદ થયો, કારણ કે સુનીતા પરંપરાગત ડિઝાઇન ઇચ્છતી હતી, જ્યારે લલિતા આધુનિક ડિઝાઇન ઇચ્છતી હતી, પરંતુ લલિતાએ એક સાંજે સુનીતાને બેસાડી અને કહ્યું: ‘બેન, આપણે બંનેની કળાને જોડીએ. તમે સીવણ કરો, હું નવી ડિઝાઇન બનાવું…’

બંનેએ સાથે મળીને એવા ડ્રેસ બનાવ્યા કે ગામના બધાઅ વખાણ કર્યા. આ ઘટનાએ એમની વચ્ચે નવો વિશ્વાસ જન્માવ્યો. આ અનુભવે એમને એટલા પ્રભાવિત કર્યા કે બંનેએ નાનો બુટિક શરૂ કર્યો. સુનીતા સીવણ અને ગુણવત્તાનું ધ્યાન રાખતી, જ્યારે લલિતા નવી ડિઝાઇન અને ગ્રાહકો સાથેની વાતચીત સંભાળતી. એમનો વ્યવસાય બરાબર જામી ગયો. ગામમાં એમની જોડીની ચર્ચા થવા લાગી.

આ પણ વાંચો…. બધાં બાળક સુપરમેન નથી…

આપણા લોક સાહિત્યમાં તો આવા સબંધો માટે બહુ બધું લખાયું છે.

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…
આ લોકગીત બહુ જાણીતું છે. પણ એમાં આ લાઈન જુઓ …
જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનું પાણી, એવી મારી જેઠાણી…
બીજા એક લોકગીતમાં લખાયું છે :
દેરાણી જેઠાણી ખાંડે ધાન,
મેં સાંભળ્યુ’ તું કાનોકાન.
મેરી પાડોશણ ચાવલ છડે,
ઓર મેરે હાથ ભંભોલા પડે
લોકગીતોનો અભ્યાસ કરજે ..કદાચ સ્ત્રીને અહીં જેટલી આઝાદી મળે છે એ ક્યાંય મળતી નથી. એમાં દેરાણી, જેઠાણી કે પછી નણંદ કે સાસુ, દેર કે જેઠ… કોઈની પણ મજાક મશ્કરી થઈ શકે છે. એટલે જૂના જમાનામાં બધું જટિલ જ હતું એવું ય નથી. દરેક જમાનામાં સારું પણ હોય છે અને નરસું પણ. કમનસીબે આજે સંયુક્ત કુટુંબ ઘટી ગયા છે અને વિભક્ત કુટુંબમાં આવા સબંધોને સ્થાન નથી હોતું.

તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button