મા – બાળક ને મોબાઈલ

કૌશિક મહેતા
ડિયર હની,
હું કોઈ પણ બાળક, એની માતા અને મોબાઈલ એમ ત્રણેયને સાથે જોઉં છું ત્યારે મને આપણી દીકરીનું બાળપણ યાદ આવી જાય છે.
આજે કોઈ પણ ઘરમાં જાવ , એક દૃશ્ય સામાન્ય બની ગયું છે. મા બાળકને જમાડતી હશે તો સામે મોબાઈલ રાખ્યો હશે એમાં કોઈ કાર્ટૂન ચાલતું હશે કે પછી કોઈ રાઈમ્સ-જોડકણાં વાગતા હશે. કારણ કે, મોબાઈલ ચાલુ હોય અને એમાં એને ગમતું કૈક આવતું ના હોય તો બાળક જમતું નથી. માની પરેશાની વધી જાય છે. બાળક જમી લે એ માટે એની મમ્મી સામે મોબાઈલ ફોન ચાલુ કરી દે છે તો જ બાળક જમે છે. આજની મમ્મીઓની આ જાણે મજબૂરી બની ગઈ છે.
એ જ રીતે બાળક રડે કે તોફાને ચઢે તો મા કે બાપ એની સામે મોબાઈલ ચાલુ કરી દે છે. અથવા તો એના હાથમાં મોબાઈલ પકડાવી દે . બાળકો પણ હવે નાની ઉંમરમાં જ મોબાઈલનો ઉપયોગ કેમ કરવો એ શીખી ગયા છે, પણ મા-બાપ બાળકને શું શીખવવું જોઈએ એ ભૂલી ગયા છે.
બાળકોની તો કેટકેટલી રમતો છે એ આપણે પણ ભૂલી ગયા છીએ. ઘરમાં અને ઘર બહાર રમાતી રમતોનો પાર નથી. મને આ તકે રાજકોટનાં પર્યાવરણ પ્રેમી વી. ડી. બાલા યાદ આવે છે, પોતાની ટીમ સાથે એ શાળાએ શાળાએ જાય છે અને શેરી રમતો રમાડે છે. પછી એમાં લીંબુ દોડ કે કોથળા દોડ કે પૈડું ચલાવું …એવી દસ બાર રમતો રમાડે છે અને બાળકોને એમાં એટલી મજા આવે છે કે, બે ચાર કલાક ક્યાં ચાલ્યા જાય છે એની એમને ખબર પડતી નથી. એમાં એમને થાક લાગતો નથી.
આ પણ વાંચો: સાસરે જવામાં પતિ ‘લાડ’ કેમ લડાવે છે?
આવી રમતો કેમ મા બાપ રમાડતા નથી. પરિણામે બાળકો ઘરઘુસલ-ઘરકૂકડો બની જાય છે. એમને બહાર જવું ગમતું નથી. એ ઘરમાં એકાદ રૂમમાં પડ્યા રહે છે. બહુ બહુ તો વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. આપણી દીકરી નાની હતી ત્યારે તું કે હું જમાડતા હોય તો ક્યારેય મોબાઈલ ફોનની જરૂર જણાઈ નહોતી. ત્યારે ય મોબાઈલ ફોન હતા, છતાં પણ સારું હતું કે, બાળકને મોબાઈલ ફોનની ટેવ પાડી નહોતી.
આજે મા- બાપ બહુ નાની ઉંમરમાં બાળકને મોબાઈલના આદી બનાવી દે છે. બાળકનો પણ શું વાંક કાઢવો? મા-બાપ ખુદ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે.
મને બરાબર યાદ છે કે, ‘હબુક કોળીયો…’ કહી દીકરીને ખવડાવતા. કોઈ નાની-મોટી વાત કરી જમાડી દેતા. હા, ક્યારેક એ વધુ લાડ કરે, ઊભી થઇ જાય તો એની પાછળ જવું પડતું, પણ એને જમાડવા માટે ફોનનો ઉપયોગ કરવો પડ્યો નહોતો. અને બા તો એને વાર્તા સંભળાવતા ત્યારે દીકરી એ રસપૂર્વક સાંભળતી. એને એ કેટલું સમજાતું તો એની તો ખબર નથી, પણ જમી જરૂર લેતી.
આ પણ વાંચો: મારી બા એ તારી બા તો તારી બા એ મારી બા કેમ નહીં?
અરે! આજે તો બાળકને સુવડાવવું હોય તો પણ મોબાઈલ ચાલુ કરી એને પસંદ હોય એવી કોઈ ચીજ સંભળાવવી પડે છે. આ બધું જોઉં છું ત્યારે બા યાદ આવી જાય છે. એ કેવું મજાનું હાલરડું ગાતી.
આજની માતાને હાલરડાં આવડતા નથી અને પિતાને કોઈ બાળવાર્તા યાદ નથી. શેરી રમતો તો ભૂતકાળ થઇ ગઈ છે. એ કારણે બાળક એકલવાયું થઇ જાય છે. એનો સ્ક્રીન ટાઈમ વધતો જાય છે . આખરમાં પરિણામે
મા-બાપ અને સંતાનો વચ્ચે દૂરી વધતી જાય છે. બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે. એની સર્જનાત્મકતા પર પણ અસર થાય છે. આ અંગેના અનેક વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે. બધાનાં તારણ તો એ જ છે કે, બાળકને મોબાઈલનું વ્યસન ન લગાડો.. એ ખતરનાક બની શકે છે.
આનો ઉપાય સાવ સામાન્ય છે. બાળક સાથે વાતો કરો. બાળકને વાર્તા સંભળાવો. બાળગીતો ગાવ. ના આવડતા હોય તો બાળગીતોની કેસેટ લાવો કે પછી ઈન્ટરનેટ પર એ સંભળાવો. કૃષ્ણ દવેએ કેવી મજાની બાળ કવિતા લખી છે.
કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી
કે પછી …
એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ
એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટવિન્સ…
રમેશ પારેખનાં પણ બાળ ગીતો છે. એ વાંચો અને ગાવ … બાળકોને મજા પડશે એની ગેરેંટી. મા-બાપે એના બાળકને મોબાઈલના વ્યસનથી બચાવવું હશે તો આવું કરવું પડશે. બીજો કોઇ વિકલ્પ નથી. આ વિકલ્પ અપનાવી લો, આખરે તો બાળક અને મા-બાપ બધા માટે ફાયદો જ ફાયદો છે, કારણ કે, આવું થયું તો ઘરમાં કલબલાટ વધશે,પણ એ મીઠો કલબલાટથી હ્રદય પણ બાગ બાગ થઇ જશે.
તારો બન્ની