સાસરે જવામાં પતિ ‘લાડ’ કેમ લડાવે છે?

કૌશિક મહેતા
ડિયર હની,
સાસરિયું … આ શબ્દ સ્ત્રી માટે ફરજિયાત છે. પરણીને પત્નીએ સાસરે જવું
પડે છે. અને સાસરિયાની રીતભાત અપનાવવી પડે છે, પણ પુરુષ માટે ‘સાસરિયું એટલે શું?’ એવો પ્રશ્ન પૂછાતો નથી. સાચું કહું તો મને આ પ્રશ્ન વારેવારે થાય છે. સાસરે જવામાં પતિ લાડ કરે છે- સંકોચ અનુભવે છે કે પછી સાસરે જવાનું એ ટાળતો રહે છે… આવું શા માટે? એના જવાબ કેમ મેળવાતા નથી ?
તું મને ઘણીવાર એમ કહેતી રહે છે કે, ચાલ ને મમ્મીના ઘેર જઈએ એટલે કે તું તારા પિયરે અને મારે સાસરીયે જવાની વાત કરે છે. ક્યારેક તો તું જીદ પણ કરે છે : ‘કેટલા સમયથી ગયા નથી, ચાલ ને …’ આવું તું જ્યારે કહે છે ત્યારે હું તુરંત હા પાડતો નથી. મને લાગે છે કે, દરેક પતિનું આ માઈન્ડ સ્ટેટસ હોય છે. સોશિયલ મીડિયામાં એક પતિ -પત્નીનો મજાકિયો વીડિયો જોયો ત્યારથી મને આ પ્રશ્ન સતાવે છે. એ વીડિયોમાં પત્ની કહે છે કે, ‘આવતા રવિવારે મારા ઘેર જવાનું છે.
બધા ભેગા થવાના છે. ત્યાં જ આખો દિવસ રહેવાનું છે, રાતે પાછા ફરીશું ‘આ સાંભળી પતિ કહે છે કે,’ રે’વા દે ને. હું નહિ આવું, તું તારે જઈ આવ.’ પત્ની કહે છે, ‘શાને નહિ આવો? બધા આવે છે અને હું એકલી જાઉં તો મને બધા પૂછ્યા કરશે, તમારે આવવાનું જ છે… ત્યારે.’ પતિ કહે છે, ‘અરે યાર, મને બહુ બધા ભેગા થાય ને એમાં ફાવતું નથી. કોઈ ના હોય ત્યારે કહેજે, હું આવીશ.’ પત્ની પછી અડી જાય છે અને કહે છે કે, ‘મેં કી’ધું ને આવવાનું છે એટલે આવવાનું છે!’
…આમ મજાકના ટોનમાં પતિ-પત્ની વચ્ચે દલીલો ચાલતી રહે છે અને પત્ની પાસે પતિનું ક્યાં કદી ચાલે છે, એમ પતિએ પરાણે હા પાડવી પડે છે.
આ પણ વાંચો : મારી બા એ તારી બા તો તારી બા એ મારી બા કેમ નહીં?
જોકે, સવાલ તો ત્યાંનો ત્યાં જ છે કે પતિને સાસરીયે જવું કેમ ગમતું નથી? એ ભાવ કેમ ખાય છે?
મને લાગે છે કે, પતિ સાસરિયે જવામાં સંકોચ અનુભવે છે. નવો માહોલ, નવા માણસો… એ બધામાં હું કરીશ શું? આવો પ્રશ્ન પતિના મનમાં જરૂર થતો હશે. તો બીજી બીજુ ઘણા એવા્ય પતિ જોયા છે કે, એ સાસરે જાય તો મોટા સાહેબ હોય એવા નખરા કરે છે. અને જમાઈ સાસરે જાય તો એના માનપાન રાખવામાં સાસરિયાઓ પણ તત્પર રહે છે : ‘જમાઈને આમ કરો ને જમાઈને તેમ કરો.’ જમાઈબાબુની બધી સગવડો સાચવવામાં આવે છે. એમને કોઈ વાતે ઓછું ના આવે એનું ધ્યાન રાખવામાં આવે છે.
ટૂંકમાં જમાઈને અછોવાનાં કરવામાં આવે છે. અને ઘણા પતિઓ એવાય હોય છે કે, સાસરિયે જો પોતાનું બરાબર ના સચવાય કે કોઈક સગવડ યોગ્ય ના મળે તો એનું મોઢું બગડી જાય છે. એ રિસાઈ જાય છે. આવા અનેક કિસ્સા સાંભળ્યા-જોયાં પણ છે.
મને બરાબર યાદ છે કે, તેં એક વાર આ મુદ્દે જ દલીલ કરેલી કે, ‘જમાઈ આટલા બધા લાડ શાના કરે છે- ભાવ કેમ ખાય છે?. હું તમારા ઘેર એવા લાડ કદી કર્યા છે ખરા? અને કરીએ તો તમે એ લાડ પૂરા કરો ખરા? તમે મારા ઘેર આવો અને એકાદ રાત રોકાવ તો બીજા દિવસે ફરિયાદ કરો છો કે, ઊંઘ બરાબર ના આવી. નવી જગ્યા અને એની સગવડો એના માટે જવાબદાર હોય શકે, પણ અમે તો આખી જિંદગી તમારે ઘેર આવ્યા અને અમે એવી તો ફરિયાદ કદી કરી નથી. કરી ને ધારો કે કરી હોત તો? મને ખુદને તો તમારો રૂમ, એનો પલંગ કે પછી ગાદલું- ઓશીકું નહોતું જ ફાવ્યું થોડા દિવસ, પણ મેં તો કદી ફરિયાદ કરી નથી. અને અમને તમારા ઘરમાં નવું અડવું લાગતું હશે એ મુદ્દે તમે કોઈ દી અમારી ‘કેર’ કરી છે ખરી?’
આ પણ વાંચો : ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!
તેં તો ત્યાં સુધી કહેલું કે, ‘તમારા કોઈ સગાને ઘેર જઈએ તો અમારે તો ત્યાં તુરંત એડજસ્ટ થઇ જવાનું હોય છે- ભળી જવાનું હોય છે અને જે વહુ દૂધમાં સાકર ભળી જાય એમ તમારા પરિવારમાં ભળી જાય તો એના વખાણ થાય છે. તમે કેમ સાસરીયે જઈ એમ બધા સાથે ભળી જતા નથી? તમે તો ખુદ આઉટસાઈડર જ રહો છો. થોડું અંતર બનાવીને રાખો છો.’
તારી વાત તો, સાચી છે. હમણાં બધા ‘ગ્રોક’ અઈંને બધું પૂછ્યા કરે છે અને કહે છે કે, એ જવાબ સારો આપે છે, પણ મેં આ મુદ્દે પૂછ્યું તો ગળે ઉતરે એવો જવાબ ના મળ્યો. લાગે છે કે, પુરુષપ્રધાન સમાજની માનસિકતા આડે આવી જાય છે. સમાજે એ સ્વીકારી લીધું છે કે, સ્ત્રી પરણીને સાસરે જાય અને પતિ સાસરે જાય તો એના માનપાન જાળવવા જ જોઈએ. આ માનસિકતા બદલવી પડશે. બદલાઈ રહી છે, પણ એની ગતિ બિલ્લી પગી છે. એ ગતિ હરણ જેવી ઝડપી બને તો કેવું સારું!
તારો બન્ની