સાસુ-વહુના સંબંધો સારા કેમ ના હોય?

કૌશિક મહેતા
ડિયર હની,
હું ઓફિસે ગઈ હોઉં તો મારાં સાસુ બપોરે ફોન કરે છે કે, સાંજે શું રસોઈ બનાવું? શું તને ભાવશે? અને સાંજે હું ઘેર પહોચું તો સાસુ કહે કે, થોડો આરામ કરી લે પછી જમીશું. રસોઈ તૈયાર છે….. આવું કોઈ નોકરીએ જતી વહુ એની સાસુ માટે કહે તો આશ્ચર્ય થાય. કેમ સાસુ વહુને આવું ના પૂછે? સાસુ-વહુનાં સંબંધોમાં હંમેશાં ખટાશ જ હોય? સારા સબંધો ના હોય શકે?
ખબર નહિ આપણે ત્યાં સાસુ-વહુનાં સબંધોમાં સારાપ હોય તો હજુ આશ્ચર્ય થાય છે. તારી સાથે આ વિશે ઘણી વાત થઇ છે. મારી બા એટલે કે તારી સાસુ વિશે આજે ય તું ઘણીબધી વાતો કરે છે, એમના ગયા પછી ય. શા માટે એવું થયું? કારણ કે મારી બાએ તને પહેલેથી જ વહુ ના ગણી ને દીકરીની જેમ રાખી હતી અને તને ય અહેસાસ થતો હતો કે સાસુ આવી જ હોવી જોઈએ જે માની યાદ અપાવે.
હમણાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી માતા-પિતા વિહોણી દીકરીઓને પરણાવે છે એમણે જે દીકરીઓને પરણાવી એમને એમની સાસુ વિશે લખવા કહેવાયું અને એમાંનો એક અંશ મેં શરૂઆતમાં મૂક્યો છે. આવા તો ઘણા બાધા લખાણ છે. ખબર નહિ પણ સાસુ-વહુ વચ્ચે સારપ હોય જ ના શકે એવું આપણે પહેલેથી જ ધારી લઈએ છીએ. ફિલ્મો અને સિરિયલમાં અને આવી જ રીતે પાત્રાલેખન થાય છે. જોકે એ સમાજનું વાસ્તવિક ચિત્રણ નથી. કેટલાક એવા ય કિસ્સા છે જે આ સંબંધના સારપની સુગંધ ફેલાવે છે. એવા કેટલાક કિસ્સા મારે તને કહેવા છે.
કિસ્સો 1: સાસુ નિવૃત્ત શિક્ષિકા હતાં. વહુ એન્જિનિયર. એ લગ્ન પછી પણ પોતાની કારકિર્દી ચાલુ રાખવા માંગતી હતી. એણે પરણ્યા પછી જોબ ચાલુ રાખી. વહુને જોબ માટે સવારે વહેલા જવું પડતું કે મોડું થતું તો સાસુ ક્યારેય ફરિયાદ કરે નહીં. તેમણે હસતાં-હસતાં ઘર અને બાળકોની જવાબદારી સંભાળી લીધી. એનાથી ય આગળ વાત કરીએ તો એક દિવસ વહુ પ્રમોશન મેળવીને ઘરે આવી ત્યારે સૌથી પહેલા સાસુએ જ તેને મીઠાઈ ખવડાવી. તેમણે કહ્યું: ‘મારી વહુનું નામ થયું એટલે મારું નામ થયું!’
કિસ્સો 2: મોટાભાગે વહુ જો કોઈ બીજા સમાજમાંથી કે બીજા પ્રદેશની આવે તો એમના વચ્ચે સૌથી વધુ સમસ્યા રસોઈને લીધે થતી હોય છે, પણ આ કિસ્સો મજાનો છે. સાસુ પરંપરાગત ગુજરાતી રીતરિવાજોમાં માનનારાં તો વહુ દક્ષિણ ભારતીય બેકગ્રાઉન્ડમાંથી આવતી હતી. શરૂઆતમાં રસોઈ કે તહેવારોની ઉજવણીમાં ખૂબ તફાવત પડતો. અને સાસુએ વહુને ગુજરાતી વાનગીઓ શીખવી, પણ સાથે સાસુએ પણ વહુ પાસેથી સાઉથ ઇન્ડિયન વાનગીઓ ઉત્સાહથી શીખી. બંનેએ નક્કી કર્યું કે તહેવારો એક વર્ષ ગુજરાતી સ્ટાઇલથી ઉજવવા અને બીજા વર્ષે દક્ષિણ ભારતીય સ્ટાઇલથી. આ રીતે, બંને સંસ્કૃતિને સન્માન મળ્યું.
ઘણાં ઘરોમાં સમસ્યા એમાંથી ઉત્પન્ન થાય છે કે, વહુનાં માતા-પિતા બીમાર પડે ને વહુએ પિયર જવું પડે તો સાસરીયાઓને એ ગમતું નથી. ખાસ કરીને સાસુ નારાજ થાય છે, પણ આ સાસુનો કિસ્સો અલગ છે. વહુ પાયલનાં પિતા બીમાર પડ્યા ત્યારે પાયલ લાંબા સમય સુધી તેમની સેવામાં વ્યસ્ત રહી.
સાસુએ માત્ર વહુને એના પિયર જવાની છૂટ આપી નહીં, પણ પોતાનો દીકરો પણ નિયમિત રીતે વહુના માતા-પિતાને મદદરૂપ થાય તેવી ગોઠવણ પણ કરી. સાસુએ વહુને કહ્યું: ‘તારા મા-બાપની સેવા કરવી એ તારો ધર્મ છે. તું તારા સાસરે પણ ખુશ રહીશ અને તારા પિયરની જવાબદારી પણ નિભાવી શકીશ તો જ તારો સંબંધ સંપૂર્ણ ગણાશે.’
એક મિત્રની દીકરીનાં લગ્નમાં મેં ફાધર વાલેસનું પુસ્તક ‘લગ્નસાગર’ ભેટમાં આપેલું ત્યારે તેં એના વિશે પૂછ્યું હતું. આ જ પુસ્તકમાં સાસુ વહુના સંબંધ પર બહુ મજાની ટીપ આપી છે. ફાધર વાલેસ કહે છે, પાંચ આદત પાળવા જેવી છે. દિવસમાં ઓછામાં ઓછા એક વખત, બંનેએ એકબીજાની પાસે બેસીને રસોઈ કે ઘરની વાત સિવાયની બીજી કોઈ અનૌપચારિક વાત કરવી, જેમ કે ‘તમે ગઈકાલે જે કાર્યક્રમ જોયો, તે કેવો હતો?’ અથવા ‘આજે કામ પર તમને કેવો અનુભવ થયો?’
બીજું, ભૂલ શોધવાને બદલે, રોજે એકબીજાના કોઈ એક સારા કાર્યની નિખાલસ પ્રશંસા કરવી, જેમ કે, ‘વહુ, તેં બાળકોને જે રીતે સંભાળ્યા, તે ખરેખર ખૂબ જ સરસ છે…’ અથવા મમ્મી, તમે આજે જે રીતે મહેમાનોનું સ્વાગત કર્યું, તે જોઈને મને ગર્વ થયો….’
સાસુ હોય કે વહુ, જૂની વાતો ગાંઠે બાંધી ફરતા રહે છે. આદત એવી પાળો કે, કોઈ ભૂતકાળની ભૂલ કે મનદુ:ખને વર્તમાન સંવાદમાં વારંવાર ન લાવવું. જે થઈ ગયું તેને ત્યાં જ છોડી દેવું. જો કોઈ નાની ભૂલ થઈ હોય, તો તે વાતને ફરીથી ઉખાડીને દોષારોપણ ન કરવું.
સૌથી મહત્ત્વની વાત એ કે, એકબીજાને સહકાર આપવો. સાસુની તબિયત સારી ન હોય ત્યારે વહુએ રસોઈમાં આગળ વધવું, કે વહુને ઓફિસનું કામ હોય ત્યારે સાસુએ ઘરની જવાબદારી ઉપાડી લેવી. આમ કરવું અઘરું તો નથી જ. થોડો પ્રયત્ન કરીએ તો સંબંધોમાં મીઠાશ વધે ને કડવાશ દૂર જતી રહે છે. તારો તો અનુભવ છે. બરાબર ને?
તારો બન્ની.’
આ પણ વાંચો…જૂતે લે લો… પૈસે દે દો…!



