પુરુષ

ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!

કૌશિક મહેતા

ડિયર હની,

આપણે બંને સાથે ‘માસ્ટર સેફ’ કાર્યક્રમ જોતા હોઈએ ત્યારે મને કેટલાક વિચાર આવે છે. રસોડું અને રસોઈ એ બંને સ્ત્રી સાથે કેટલા બધા વણાઈ ગયા છે. હોટેલ કે રેસ્તોરમાં ભલે પુરુષો રસોઈ બનાવતા હોય, પણ ઘરમાં સ્ત્રીઓ રસોઈ બનાવે એના તોલે કોઈ ના આવે. કોઈ પણ ઘરમાં દીકરી જન્મે તો એને રસોઈ જરૂર શીખવવામાં આવે છે ને એ જલદી બધું શીખી પણ જાય છે… જાણે એ દીકરીનો જન્મજાત ગુણ… બીજી બાજુ, આ રસોઈકળા છોકરાઓને શીખતા વાર લાગે છે, પણ જે ઘરમાં દીકરી ના હોય ત્યાં છોકરાઓ થોડી થોડી રસોઈ તો શીખી જતા હોય છે, જેમ કે, હું થોડું થોડું બનાવી લેતો હોઉં છું. તારી પાસેથી પણ શીખ્યો છું. બાએ એ તો ઘણું બધું શીખડાવ્યું હતું.

આ પણ વાંચો: ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

દરેક ઘરમાં નવી વહુ આવે અને એ રસોઈ બનાવે ત્યારે ઘરના સભ્ય અને ખાસ કરીને પતિદેવ એમ જરૂર કહે છે : ‘બા જેવું તો નથી..’.

પત્નીએ ગમે તેટલી સારી રસોઈ બનાવી હોય પણ બાની રસોઈ પાસે એ ઉણી ઊતરે છે. મારી બા તો ખાવાના અને ખવડાવવાના બહુ શોખીન. ‘માસ્ટર સેફ’ માં સ્પર્ધકોને કહેવામાં આવે છે કે, તમે જે વાનગી બનાવો એને નેક્સ્ટ લેવલ સુધી લઇ જાવ… મારી બા આવું જ કરતાં. આ વિશે આપણે કેટલીવાર ચર્ચા થઇ છે. મને તો એવું લાગે છે કે, મહિલાઓ ઘરમાં મલ્ટિટાસ્કીગ તો કરે જ છે, પણ સાથે એમની પાસે જે આઈડિયા હોય છે એ તો અદ્ભુત હોય છે. મારી બા તો વાનગીનાં નામ પણ રૂપકડાં રાખતાં.

એકવાર મારો મિત્ર ઘેર આવેલો. એણે સાંભળ્યું કે, ‘આજે તો બા ગુલાબ ચટકિયું બનાવવાનાં છે ’ એને એમ થયું કે, આ નવી વાનગી છે. એ બેઠો રહ્યો. અમે બે ભાઈ ઘેર હતા એ જમવા બેઠા. થાળીમાં વાનગી આવી અને અમે તો જમવા લાગ્યા. મિત્રને થયું કે, પેલી વાનગી તો ના આવી. એણે પૂછ્યું કે, ‘માસી, પેલી નવી વાનગી બનાવવાનાં હતાં તો એ ક્યાં?’ મારી બા કહે: ‘આ રહી ને, આ બે ભાઈઓ ખાય છે એ જ છે!’. અમારી થાળીમાં વઘારેલી રોટલી હતી અને એનું બાએ નામ પાડ્યું હતું : ‘ગુલાબ ચટકિયું’!

બીજું કે, એક જ સબ્જી કે કઠોળ કેટલી જુદી જુદી રીતે બને છે? મગનું શાક કેટલા પ્રકારે બને છે? મગ સુકા, મગ રસાવાળા, છાશીયા મગ. બટેટાનું શાકની વાત કરો, સૂકી ભાજીથી માંડી ભરેલું … કેટલી વરાઈટી!

એક બીજી વાનગી પણ મને યાદ છે. તને ય એની ખબર છે.દિવાળીનો સમય આવે ત્યારે એ વાનગી બા બનાવતાં. નાસ્તાનાં ડબામાં ચવાણું અને સેવ ને ગાંઠિયા ભર્યા હોય, એ ખાલી થવા આવે ને ભૂસું વધે તેમાંથી બા મજાની વાનગી બનાવતાં જેનું નામ હતું : ‘સુકા સમોસા!’. સૂકી ક્ચોરીની જેમ સૂકા સમોસા. બધું ભૂસું ભેગું કરે અને એમાં મસાલા ઉમેરે, પછી રેગ્યુલર સમોસા બને એ રીતે જ સ્ટફિંગ તૈયાર અને એના સમોસા બને. એ એટલા સ્વાદિષ્ટ લાગતા કે દિવાળી પર મહેમાનો આવે તો એ જરૂર પૂછતા : ‘આ સમોસા બનાવો છો કઈ રીતે?’ પછી બા એની રેસીપીનો ખુલાસો કરતાં ત્યારે મહેમાનો બહુ અચરજ પામતા.

તારી પર પણ મારી બા જાણે હાથ મૂકતા ગયાં છે. એના જેટલી જ સ્વાદિષ્ટ રસોઈ તું બનાવે છે. તારી બા એટલે કે મારાં સાસુ પણ ઘણીવાર કહેતાં હોય છે કે, ‘તું દાળ ને શાક બનાવે છે એવા મારાથી કેમ બનતા નથી!’.

આ પણ વાંચો: વૃદ્ધાશ્રમમાં સ્થળાંતર… આવું પણ કારણ હોઈ શકે !

મને તો એ સમજાતું નથી કે, આટલી બધી વાનગીની રેસીપી તમે યાદ કેમ રાખો છો? આ વિશે કોઈએ સંશોધન કરવા જેવું છે. રસોઈના વીડિયોમાં કહેવાતું હોય છે કે, ‘એક ચમચી મરચું નાખવું અને સ્વાદ અનુસાર મીઠું ’… પણ મેં જોયું છે કે, તમારા હાથથી મોટાભાગે પ્રમાણસર જ મસાલા પડે છે. તમારા હાથ જાણે એ માટે કેળવાઈ ગયેલા ના હોય! ‘માસ્ટર સેફ’માં સારી વાનગી બની હોય એના હાથ ચૂમે છે ફરાહ ખાન અને બાકીના બે માસ્ટર સેફ હાથથી ચમચો નીચે નાખે છે કે, પછી ચમચો ટેબલ પર પછાડે છે.

મને આવું જ મન થાય છે કે, તારા બંને હાથ ચૂમી લઉં. દરેક ઘરમાં આ સિસ્ટમ શરૂ કરવાની જરૂર છે. સારી વાનગી બને ત્યારે ઘરના બધા સભ્યો એને વખાણે. જોકે, મોટાભાગે એવું બનતું નથી. સારી રસોઈ બનાવવી એ તો ઘરની સ્ત્રીની જવાબદારી છે એવું બધા સમજે છે. પુરુષ કહેતો રહે છે કે, અમારે ઓફિસમાં કેટલાં કામ હોય છે. એ સહેલાં નથી હોતાં, પણ રસોઈ કરવી પણ સહેલી નથી હોતી. કોરોના કાળમાં અસંખ્ય પુરુષોએ પ્રયત્ન કરી જોયા, પણ રોટલી ગોળ થતી નહોતી. મોટાભાગે કોઈ દેશના નકશા જેવી જ બનતી રહેતી. માત્ર રોટલીની જ આ વાત નથી. કોઈવાર રસોડામાં પુરુષ અડધો કલાક ગાળે તો ખબર પડે કે આ કેટલું અઘરું કામ છે.

તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button