મેલ મેટર્સઃ સત્તા-સિદ્ધિ ને અંદરનો ખાલીપો:… આ છે આધુનિક ભારતીય પુરુષનો બર્નઆઉટ

અંકિત દેસાઈ
આજનું કોર્પોરેટ ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે, પરંતુ તેની સફળતાની ગાથાની પાછળ એક ચિંતાજનક અને વણઉકેલાયેલી સમસ્યા છુપાયેલી છે: કર્મચારીઓમાં વ્યાપક બર્નઆઉટ (Burnout- તન મનથી નિચોવાઈ જવું થાકી જવું ) ….
તાજેતરના અહેવાલો મુજબ, ભારતીય કર્મચારીઓમાંથી લગભગ 59 ટકા કર્મચારી આવા બર્નઆઉટનો સામનો કરી રહ્યા છે અને આ સ્થિતિનું આર્થિક પરિણામ ઘણું મોટું છે. કર્મચારીઓની ઉત્પાદકતામાં ઘટાડો અને નોકરી છોડવાના વધતા વલણને કારણે દેશને વાર્ષિક આશરે 350 બિલિયન-350 કરોડ ડૉલર (આજે 1 ડૉલર= આશરે 89 રૂપિયા) જેટલું પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે, જે આપણા કુલ જીડીપીના 8 ટકા જેટલું છે.
આ માત્ર આંકડા નથી, પરંતુ ભારતની કાર્યકારી શક્તિના સ્વાસ્થ્ય પરનો એક ગંભીર ચેતવણીનો સંકેત છે. આ સમસ્યાના કેન્દ્રમાં ઘણીવાર આધુનિક ભારતીય પુરુષ કર્મચારી જોવા મળે છે, જેના ખભા પર માત્ર કારકિર્દીની મહત્ત્વાકાંક્ષાનું જ નહીં, પણ પરંપરાગત રીતે ‘ઘર ચલાવવાની અને સફળ થવાની’ સામાજિક અપેક્ષાઓનું પણ ભારે વજન હોય છે. તેના માટે વર્કપ્લેસ પરનો તણાવ માત્ર એક અસુવિધા નથી, પરંતુ તેની ઓળખ અને અસ્તિત્વ પરનો હુમલો છે.
ભારતીય પુરુષ માટે સફળતાની વ્યાખ્યા ઘણીવાર તેના પગાર ધોરણ, પદ અને સંપત્તિ સાથે સંકળાયેલી હોય છે. આ સામાજિક દબાણ તેને સતત હાંસલ કરવા-ઉતાવળે પામવા-વધારાના કલાકો કામ કરવા અને અશક્ય સમયમર્યાદા પૂરી કરવા માટે મજબૂર કરે છે.
આ અહેવાલ મુજબ, લગભગ અડધા કર્મચારીઓએ વર્કપ્લેસના તણાવને તેમની સૌથી મોટી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ગણાવી છે. પુરુષમાં આ તણાવ ઘણીવાર ગુસ્સો,ચીડિયાપણું,અનિદ્રા અને ક્યારેક તો હાઈ બ્લડ પ્રેશર અથવા પાચન સંબંધિત રોગોમાં પરિવર્તિત થાય છે.
આપણે જે બર્નઆઉટની વાત કરીએ છીએ એ માત્ર થાક નથી. તે એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ પોતાની જોબ સાથેનું ભાવનાત્મક જોડાણ ગુમાવી દે છે, નકારાત્મકતા અનુભવે છે, અને સિદ્ધિની ભાવનામાં ગંભીર ઘટાડો અનુભવે છે. ભારતીય સમાજમાં પુરુષને તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે ઓછી છૂટ હોય છે, પરિણામે, એ આ બર્નઆઉટની લાગણીઓને દબાવી દે છે.
આનાથી પરિસ્થિતિ વધુ વણસે છે, કારણ કે દબાવેલો તણાવ આખરે કાર્યક્ષમતાના અભાવ અને કંપનીમાંથી રાજીનામું આપી દેવાના સ્વરૂપમાં બહાર આવે છે, જે સીધી રીતે ઉડીને નુકસાન પહોંચાડે છે. એક કાર્યક્ષમ પુરુષ કર્મચારી જ્યારે તણાવમાં હોય છે ત્યારે તેની નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે, સર્જનાત્મકતા ઓછી થાય છે અને ભૂલોનું પ્રમાણ વધે છે, જે સંસ્થાકીય પ્રગતિને ધીમી પાડે છે.
આ રીતે જીડીપીને થતું 8 ટકા જેટલું નુકસાન અને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને થતી હાની અટકાવવા માટે, વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ભારતીય પુરુષ કર્મચારીઓ આ મુશ્કેલી સામે લડવા માટે કેટલાક વ્યવહારુ ઉપાયો અપનાવી શકે છે. સૌ પ્રથમ, તેમણે સ્પષ્ટ સીમાઓ નક્કી કરવી (Set Boundaries)જોઈએ. તમારા કામના કલાકો સ્પષ્ટપણે નક્કી કરો.
સાંજે 6 કે 7 વાગ્યા પછી ઓફિસના ઈમેલ અને કોલનો જવાબ આપવાનું ટાળો. આ ‘પાવરિંગ ડાઉન’ સમયગાળો તમારા મગજને આરામ આપે છે અને કૌટુંબિક જીવનને સંતુલિત કરે છે. ‘ના’કહેવાની કળા શીખો, ખાસ કરીને જ્યારે વધારાનું કામ તમારા અંગત સમયમાં દખલ કરતું હોય. આ ઉપરાંત, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તણાવને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે નિયમિત કસરત અને પૂરતી ઊંઘ અનિવાર્ય છે. દિવસમાં માત્ર 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ,જેમ કે દોડવું કે જીમમાં જવું, એન્ડોર્ફિન મુક્ત કરીને માનસિક તાણ ઘટાડવામાં મદદ કરે છે. માઈન્ડ ફુલનેસ કે ધ્યાન જેવી પદ્ધતિઓ પણ મનને શાંતિ આપે છે.
ત્રીજું, તમારે સપોર્ટ નેટવર્ક બનાવીને વાતચીત કરવી જોઈએ. પરંપરાગત વિચારધારાથી વિપરીત, લાગણીઓ વ્યક્ત કરવી એ નબળાઈ નથી, પરંતુ શક્તિ અને પરિપકવતાની નિશાની છે. મિત્રો,પરિવાર અથવા વ્યાવસાયિક માનસિક સ્વાસ્થ્ય સલાહકાર સાથે તમારા તણાવ વિશે ખુલ્લી વાત કરો. પુરુષોએ એકબીજાને ટેકો આપવા માટે ‘બડી સિસ્ટમ’ બનાવવી જોઈએ, જ્યાં એ બધા નિર્ણયના ભય વિના તેમની મુશ્કેલીઓ શેર કરી શકે.
ચોથો મહત્ત્વનો ઉપાય છે કામમાં ‘માઈક્રો-બ્રેક્સ’ લેવા. લાંબા સમય સુધી સતત કામ કરવાથી ઉત્પાદકતા ઘટે છે. દર 90 મિનિટે 5-10 મિનિટનો નાનો બ્રેક લો. આ બ્રેક દરમિયાન તમારી ડેસ્ક પરથી ઊભા થઈ થોડું ચાલો અથવા દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ‘રીસેટ’ બટન દબાવવા જેવું છે જે તમારા ફોકસને પાછું લાવે છે. અંતે, શોખ અને અંગત રસને પુનજીર્વિત કરવો જરૂરી છે. કામ સિવાયની પ્રવૃત્તિઓ જે તમને આનંદ આપે છે તે બર્નઆઉટની દવા છે.
સપ્તાહના અંતે તમારા શોખ,જેમ કે ગિટાર વગાડવું, રસોઈ કરવી કે પ્રકૃતિમાં સમય વિતાવવો,તેના માટે સમય કાઢો. આ પ્રવૃત્તિઓ જીવનમાં સંતુલન લાવે છે અને તમને કામની બહાર એક આગવી ઓળખ આપે છે. કંપનીઓએ પણ તેમના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં રોકાણ કરવું જોઈએ, લવચીક કાર્ય કલાકો (Flexible Working Hours) ઓફર કરવા જોઈએ અને ‘ટોક્સિક’ કાર્ય સંસ્કૃતિને સમાપ્ત કરવી જોઈએ.
જો ભારતે તેના જીડીપીને 8 ટકા જેટલું મોટું નુકસાન અટકાવવું હોય અને તેની કાર્યકારી વસતિનું જીવનધોરણ સુધારવું હોય તો બર્નઆઉટને માત્ર એક વ્યક્તિગત સમસ્યા નહીં, પણ એક રાષ્ટ્રીય કટોકટી તરીકે જોવું પડશે. ભારતીય પુરુષ કર્મચારીએ સમજવું પડશે કે તેનું મૂલ્ય તેના કામના કલાકોથી નહીં, પરંતુ તેની કાર્યક્ષમતા અને સ્વસ્થ જીવનશૈલીથી નક્કી થાય છે.
આ પણ વાંચો…મેલ મેટર્સઃ બેતાલા આવે એ પહેલાં આટલો વિચાર કરવો જરૂરી છે !



