બહુપતિ કે બહુપત્ની…આ તે કેવી પ્રથા?!

- કૌશિક મહેતા
ડિયર હની,
કેટલાક સમાચાર વાંચીએ તો મન ચકડોળે ચઢી જાય છે. હમણા વાંચ્યું કે, એક લગ્નમાં એક સ્ત્રી છે ને બે પતિ. અને ત્રણેયમાં આ મુદે કોઈ વિવાદ નથી. ઊલટાની ત્રણેયમાં સહમતી છે. બે ભાઈ એક સ્ત્રીને પરણ્યા છે. આવા લગ્નની ચર્ચા થાય એ સ્વાભાવિક છે.
હિમાચલ પ્રદેશનો આ કિસ્સો છે અને ત્યાંની હટ્ટી જનજાતિમાં આવો રિવાજ છે. આવી પ્રથા અન્ય જ્ઞાતિઓમાં પણ છે અને એને ‘ભ્રાતુક બહુપતિ’ પ્રથા કહેવામાં આવે છે.
હિમાચલમાં જ નહિં, પણ દક્ષિણનાં રાજ્યો ટોડા અને કેટલીક જાતિઓમાં આવી પ્રથા છે.
આ જ રીતે બહુપત્ની પ્રથા પણ છે. ગુજરાતમાં આદિવાસી પુરુષ બે પત્ની કરે છે. ડેડીયાપાળાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને બે પત્ની છે. અને એ ત્રણેયના એક ઈન્ટરવ્યૂમાં મેં જોયેલું અને એમાં પણ બંને પત્ની કહેતી હતી કે, અમને કોઈ સમસ્યા નથી..અમે બહેનોની જેમ રહીએ છીએ….આદિવાસીઓમાં આ સામાન્ય છે. નાગા,બેગા ,ગૌંડ, ટોડા વિગેરેમાં બહુપત્ની પ્રથા જોવા મળે છે.
ભારતમાં જ નહિં, પણ વિદેશોમાં પણ આવી પ્રથા જોવા મળે છે. તિબેટ, નેપાળ અને નાઈજીરિયાના કેટલાક ભાગોમાં પણ બહુપતિ પ્રથા જોવા મળે છે. કેન્યા અને દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારમાં પણ આવા કિસ્સા જોવા મળે છે તો પશ્ર્ચિમ અને મધ્ય આફ્રિકા, કેટલાક મુસ્લિમ દેશોમાં બહુપત્ની પ્રથા અમલમાં છે. અમેરિકાના કેટલાક સંપ્રદાયમાં પણ આવું જોવા મળે છે.
આ વાત આજના સમયમાં ગળે ઉતારવી મુશ્કેલ છે, પણ બંને પ્રથા માટે કારણ અપાય છે. બહુપતિ પ્રથા પાછળ એક કારણ એવું છે કે, ખેતીલાયક જમીન ઓછી હોય અને જમીન ભાઈઓ વચ્ચે વહેચાય તો એ આર્થિક રીતે નુકસાનકારક બને છે, પણ એક જ પત્ની ભાઈઓ વચ્ચે હોય તો જમીન વિભાજન થતું નથી. સંસાધનો ઓછા હોય તો આ પ્રથાથી વસતિ નિયંત્રણ રહે છે. ઉચ્ચ પર્વતીય વિસ્તારો કે જ્યાં જીવનનિર્વાહ મુશ્કેલ હોય ત્યાં આવી પ્રથા વધુ જોવા મળે છે.
બહુપત્ની પ્રથા માટે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ અપાય છે. વધુ બાળકો થાય એને શ્રમ શક્તિની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે અને એકથી વધુ પત્ની હોય તો સમાજમાં દરજ્જો અને પ્રતિષ્ઠા મળે છે એવી પણ માન્યતા છે.
આ બધાં કારણો જે તે સમયે માનવામાં આવતા હશે પણ આજે સમય ઘણો આગળ નીકળી ગયો છે. આપણે ત્યાં રાજાઓ એકથી વધુ પત્ની રાખતા અને વિલાસી જીવન ગાળતા હતા. એ સિવાય બીજું કોઈ લોજીક નહોતું.
આ બધા વચ્ચે મહાભારતમાં દ્રૌપદીનો કિસ્સો ચર્ચાસ્પદ જ છે. એ વિશે ઘણું બધું કહેવાયું છે અને લખાયું છે. મને તો એ વાત જ સમજાતી નથી કે, અર્જુન મત્સ્યવેધ કરી દ્રૌપદીને મેળવે છે અને માતા કુંતી પાસે જાય છે તો માતા કહે છે, પાંચેય ભાઈઓમાં વહેંચી લો …આ આખી ઘટના જ વિચિત્ર છે. એક તો સ્ત્રી કોઈ ચીજ નથી કે એને મત્સ્યવેધ થકી મેળવી શકાય. અને માતા કુંતીની જે વાત છે એ તો એકદમ અન્યાયી છે તેમ છતાં પાંચ પાંડવોએ આવી વાત કેમ માની લીધી? એ બધા ભાઈઓ તો કોઈને કોઈ કલામાં પારંગત હતા- સમજુ હતા. એમણે કેમ માતા કુંતીને વાત ના સમજાવી?
એથી ય આગળ વાત કરીએ તો દ્રૌપદીની ઈચ્છાનું શું? એ પાંચ પતિ વચ્ચે વહેંચાવા માગતી હતી કે કેમ? એને કોઈએ પૂછવાની તસ્દી પણ કેમ ના લીધી? શું સ્ત્રીની કોઈ મરજી હોય ના શકે? આ પ્રશ્નોનો કોઈ જવાબ મળતો નથી. ત્યારે પણ પુરુષ પ્રધાન સમાજ હતો અને આજે પણ છે.
એક સ્ત્રી એકથી વધુ પુરુષ સાથે પોતાનો પ્રેમ કઈ રીતે વહેંચી શકે? એ જ વાત પતિને પણ લાગુ પડે જ છે. કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ એના જીવનસાથીની બેવફાઈ સહન કરી શકતા નથી. આવા કિસ્સામાં શું બને છે એ આપણે જાણીએ છીએ. ખૂનખરાબા સુધી વાત પહોંચે છે, પણ આજે ય કેટલીક જ્ઞાતિઓમાં બહુપતિ કે બહુપત્ની પ્રથા મોજૂદ છે અને એ સ્વીકાર્ય છે એનું આશ્ર્ચર્ય છે. મુસ્લિમો ચાર બીબી કરી શકે છે એ પાછળ કારણો જે તે સમયે જે હશે એ પણ, આજના સમયમાં એ કોઈ હિસાબે યોગ્ય નથી.
આપણ વાંચો: મેલ મેટર્સ : કહું દોસ્ત સે, દોસ્ત કી બાત ક્યા ક્યા…
મોટાભાગે આવી પ્રથાઓ ઘટતી જાય છે, પણ કેટલાક સંપ્રદાયોને આવી છૂટ મળે છે તો એ બંધ કેમ ના થાય? અને આ વિષે કોઈ મહિલા સંગઠન અવાજ કેમ ઉઠાવતા નથી? તું આ વિષે શું માને છે? વળતા પત્રમાં જરૂર જણાવજે.
તારો બન્ની