પુરુષ

પાકિસ્તાનના ક્રિકેટર-પતિઓ બેવફાઈ માટે ફેમસ છે

વિદેશી છોકરીઓ માટે ખરાબ પતિ સાબિત થયા છે પાકિસ્તાની ક્રિકેટરો: મોહસિન ખાન અને ઇમરાન ખાન પછી હવે શોએબ મલિકે એ પરંપરા જાળવી છે

સ્પોર્ટ્સમેન -સાશા

શોએબ મલિકે ત્રીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ દુનિયાને સાનિયા મિર્ઝા અને તેના વચ્ચેના તલાકની તાજેતરમાં જાણ થઈ. જોકે લોકોને પહેલાંથી જ શંકા તો હતી જ. ઘણાને લાગતું જ હતું કે દાળમાં કંઈક કાળું છે. લોકોને સાનિયા-શોએબના બ્રેક-અપ વિશેની જાણકારી હોવા છતાં થોડો સમય તો ભારતમાં તેમ જ પાકિસ્તાનમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ એ હતું કે સાનિયા કોઈ સાધારણ યુવતી નહીં, પણ એક ચમકતી હસ્તી છે. કોઈ પાકિસ્તાની ખેલાડી આવી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બીવીને એક જ ઝટકામાં પોતાની જિંદગીમાંથી આઉટ કરી એ સંદર્ભમાં ખુદ સાનિયા મિર્ઝા દ્વારા પોતાના જ એક ટીવી કાર્યક્રમમાં પાકિસ્તાની ખેલાડીઓ પર જે કટાક્ષ કર્યો એ યાદ આવી ગયો. એ માત્ર યાદ જ નથી આવ્યો, ખાતરી થઈ કે સાનિયાનો એ કટાક્ષ નહીં, બલ્કે હકીકત છે જેને સાનિયાએ દિલ પર પથ્થર રાખીને સામાન્ય જનતાને લાગુ પડે એ રીતે વ્યક્ત કર્યો હતો.

તમને ઇન્તેજારી હશે કે સાનિયાએ આખરે ત્યારે કહ્યું શું હતું? તો જાણો…સાનિયા ત્યારે ‘મિર્ઝા-મલિક’ નામના પોતાના ટીવી શોમાં પાકિસ્તાની ક્રિકેટર વહાબ રિયાઝનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી. એમાં એક સવાલના જવાબમાં વહાબે રમૂજમાં કહ્યું, ‘હાં જી, બિચારી છોકરીઓ જ નાદાન હોય છે. અમે તો બિચારા છીએને! અમારામાં કોઈ સારી આદત તો હોતી નથી!’ એ જ વખતે વહાબને શોએબ મલિક સાથ આપે છે અને કહે છે, ‘અમારું તો એવું છેને ભઈ, અમે તો જન્મ લઈએ, અમને પ્રેમ મળે, ત્યાર પછી ઠપકો અપાતો રહે છે…પહેલાં પૅરેન્ટ્સ તરફથી અને પછી પત્નીઓના મોઢે. આ ઘટનાક્રમ ચાલુ જ રહેતો હોય છે.’

શોએબ મલિકની એ વાત સાંભળીને સાનિયા મિર્ઝાના ચહેરા પર કટાક્ષ કરવાનો સ્પષ્ટ ભાવ દેખાઈ આવ્યો અને તેણે દર્શકોને સંબોધીને કહ્યું, ‘હું તમને બધાને કહેવા માગું છું કે પાકિસ્તાની ક્રિકેટરોનો સૌથી મનગમતો વિષય છે, પોતાની પત્નીઓની મજાક ઉડાવવી. તેઓ જ્યારે પણ એકબીજા સાથે વાતો કરતા હોય ત્યારે એવું જ કહેતા હોય છે કે ઓલી આવી છે ને પેલી એવી છે.’
સાનિયાની એ કમેન્ટ ત્યારે પણ વાયરલ થઈ હતી અને શોએબ મલિક સાથે તેના તલાક જાહેર થઈ ગયા ત્યારે પણ સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાઈ ગઈ હતી. સાનિયાની એ કમેન્ટના બૅકગ્રાઉન્ડમાં જોઈએ તો ઘણાને વિચાર આવ્યો હશે કે ખરેખર, પાકિસ્તાનના ક્રિકેટરો સારા પતિ સાબિત નથી થતા.

ખાસ કરીને પાકિસ્તાનના એવા ક્રિકેટરો જેમની પત્ની વિદેશી હોય એવા કિસ્સાઓમાં પાકિસ્તાની ક્રિકેટર-પતિઓ વધુ ખરાબ પુરવાર
થયા છે.

ભાગ્યે જ કોઈક અપવાદ હશે, પણ મોટા ભાગના પાકિસ્તાની ક્રિકેટરો પોતાની ચમકદાર કારકિર્દી દરમ્યાન પોતાના પર આફરીન વિદેશી છોકરીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે, પરંતુ આવી છોકરીઓ સાથે તેઓ પોતાના લગ્નજીવનને ભાગ્યે જ લાંબા સમય સુધી ટકાવી રાખતા હોય છે. મોટા ભાગના લગ્નજીવન તૂટતા હોય છે.

ભારતની છોકરી સાથે લગ્ન કરીને તેને પછીથી છોડી દેવી કે દગો આપવો એવું અગાઉ પણ બની ચૂક્યું છે. એ લિસ્ટમાં પહેલું નામ મોહસિન ખાન અને રીના રૉયનું આવે. ૧૯૮૦ના દાયકામાં મોહસિન ખાનનો ક્રિકેટમાં સુવર્ણ યુગ હતો અને રીના રૉય ભારતીય હિન્દી ફિલ્મોની મશહૂર હિરોઈન હતી. ૧૯૮૩માં મોહસિન અને રીના રૉય લગ્નના બંધનમાં બંધાઈ ગયાં હતાં. જોકે તેમનું લગ્નજીવન ત્રણ વર્ષ પણ માંડ-માંડ ટક્યું હતું. ટેક્નિકલ કારણસર રીના રૉય સાત વર્ષ પછી (૧૯૯૦માં) પુત્રી જન્નત ઉર્ફેે સનમ સાથે પાછી આવી ગઈ હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ મોહસિન અને રીના વચ્ચેનું અંતર વધતું ગયું હતું અને એ પછીના ચાર વર્ષ તો રીના પાકિસ્તાનમાં એકલી રહેતી હતી. ‘નાગિન’, ‘સનમ તેરી કસમ’, ‘આશા’ અને ‘અપનાપન’ જેવી સુપરહિટ ફિલ્મોની ઍક્ટ્રેસ રીના રૉય ૧૯૮૦ના દાયકામાં જ્યારે મોહસિન ખાન પર ફિદા થઈ ગઈ હતી ત્યારે બૉલીવૂડના ઘણા સિતારા રીનાના આશિક હતા. જોકે રીના રૉય ત્યારે કરીઅરને લાત મારીને પાકિસ્તાન જતી રહી હતી. જોકે ત્રણ જ વર્ષમાં ભારત પાછા આવવાની તેણે મનોમન તૈયારી કરી લીધી હતી. હવે રીના છેલ્લાં ૩૦ વર્ષથી મુંબઈમાં રહે છે અને ફિલ્મ અને અભિનય સંબંધિત નાના-મોટા કામ કરીને જિંદગી પસાર કરી રહી છે.

રીના રૉયની જેમ સાનિયા મિર્ઝાના પણ ભારતમાં અસંખ્ય ચાહકો હતા. ત્યાં સુધી કે (મજાકમાં પણ…) શાહરુખ ખાને એક વખત સાર્વજનિક મંચ પર કહી દીધું હતું કે ‘તુમને શોએબ મલિક મેં ક્યા દેખા?’ જોકે બધા ત્યારે શાહરુખના આ કથનને મજાક સમજીને ભૂલી ગયા હતા.

નવાઈની વાત એ છે કે સાનિયા આટલી બધી આકર્ષક આંતરરાષ્ટ્રીય પર્સનાલિટી હોવા છતાં પોતાનું લગ્નજીવન બચાવી નથી શકી.

હવે જ્યારે સાનિયાના તલાકની વાત સત્તાવાર રીતે બહાર આવી છે ત્યારે અણસાર આવી ગયો છે કે શોએબ મલિક
લગ્નનાં થોડાં વર્ષો પછી સાનિયાનું અપમાન કરવા લાગ્યો હતો. બન્ને વચ્ચે ‘તૂ તૂ મૈં મૈં’ થવા લાગી હતી અને અગાઉ એક વખત લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલો શોએબ મલિક થોેડા સમયમાં જ સાનિયાને ધમકી દેવા લાગ્યો હતો કે તે એક નહીં, પણ હજી વધુ બે લગ્ન કરશે. શોએબ ત્યારે તો સાનિયાને મજાકમાં કહ્યું હશે એવું માની લઈએ, પરંતુ મનોમન તેણે નક્કી જ કરી લીધું હશે કે સાનિયા તેની છેલ્લી જીવનસાથી નથી જ.

શોએબના મનમાં ત્યારે વાત રમતી હશે એ હકીકત બનીને હવે બહાર આવી છે.

પાકિસ્તાની ક્રિકેટરોની આવી બેહૂદા માનસિકતા માત્ર મોહસિન કે શોએબ મલિકમાં જ નથી. ઇમરાન ખાન એક સમયે પોતાને બુદ્ધિશાળી, લોકપ્રિય અને સ્ત્રીઓનું સન્માન કરનાર વ્યક્તિ તરીકે ઓળખાવતો હતો, પરંતુ તેણે ઇંગ્લૅન્ડના બિલ્યનેરની પુત્રી જેમાઇમા ગોલ્ડસ્મિથ સાથે ક્યાં સારો વર્તાવ કર્યો હતો! જેમાઇમાએ જ્યારે પોતાનાથી ઑલમોસ્ટ બમણી ઉંમરના ઇમરાન સાથે લંડનમાં લગ્ન કર્યા ત્યારે તેનાં મમ્મી-પપ્પા ખૂબ નારાજ થઈ ગયાં હતાં અને જાહેરમાં તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાન લગ્નજીવનમાં વફાદાર સાબિત નહીં થાય. જોકે જેમાઇમા માની નહીં અને ત્રણ સંતાનો બાદ ઇમરાને તેને તલાક આપ્યા અને એ પછી પણ ઇમરાન બીજા બે લગ્ન કરી ચૂક્યો છે અને હવે તો રાજકીય કૌભાંડના આરોપને પગલે જેલમાં છે.

વસીમ અકરમે પણ બીજા લગ્ન ઑસ્ટ્રેલિયાની સામાજિક કાર્યકર શનીરા સાથે કર્યાં હતાં. તે વસીમ સાથે લગ્ન કરવા મુસ્લિમ બની ગઈ હતી. શનીરા હજી પણ પાકિસ્તાનમાં છે અને વસીમે હજી સુધી તેની સાથે તલાક નથી લીધા, બન્ને વચ્ચે હજીયે લાંબું અંતર તો છે જ. બન્ને વચ્ચે ૧૮ વર્ષનો તફાવત છે.

૨૦૦૩માં પાકિસ્તાનના ઑલરાઉન્ડર અઝહર મહમૂદે સ્વીડિશ નર્સ એબ્બા સાથે લગ્ન કર્યા હતા. બન્ને વચ્ચે ક્યારેક ખટરાગ થતો હોય છે, પણ તેમની વચ્ચેનું લગ્નજીવન હજીયે સલામત છે.
૨૦૧૧માં ફવાદ આલમે શ્રીલંકાની સમરીન સાથે શાદી કરી હતી. તે મુસ્લિમ બની ગઈ હતી. તેમની વચ્ચે છૂટાછેડા નથી થયા, પણ સમરીને થોડાં વર્ષો પછી મોટા ભાગનો સમય શ્રીલંકામાં જ રહેવું પડ્યું છે.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની પત્ની સામિયા આરઝુ મૂળ ભારતની છે. તેમણે ૨૦૨૧માં દુબઈમાં લગ્ન કર્યાં હતાં.

પાકિસ્તાની ક્રિકેટરો સાથે વિદેશી છોકરીઓના લગ્ન યા તો લાંબો સમય નથી ટકી શકતા અને જો ટકી જાય તો પણ એ છોકરીઓએ શૌહરની બીજી બીવીઓ સાથે રહેવું પડતું હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button