પૈસા નહીં પ્યાર ચાહિએ

નીલા સંઘવી
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર અનાયાસે એક વાર્તા વાંચી. એ વાર્તામાં એક પિતાએ પોતાના પુત્ર પર કેસ કર્યો. તેની ફરિયાદ હતી કે મારો પુત્ર મને પૈસા આપતો નથી. મારે પૈસા જોઈએ છે. કોર્ટમાં કેસની સુનાવણી થઈ. જજ સાહેબ પૂછ્યું, “તમે શું કરો છો?”
“મારો પોતાનો વ્યવસાય છે” પેલા પિતાએ કહ્યું.
“તમારો પોતાનો વ્યવસાય છે, તો કમાણી પણ થતી જ હશે.”
“જી, જજ સાહેબ સારામાં સારી કમાણી થાય છે.”
“તો પછી તમારા પુત્ર પાસેથી પૈસા લેવાની શું જરૂર છે?” જજ સાહેબે પૂછ્યું.
“વૃદ્ધવસ્થામાં માતા-પિતાને પૈસા આપવાની પુત્રની ફરજ છે અને પુત્ર પાસેથી પૈસા લેવાનો મા-બાપનો હક્ક છે. તો મને મારો હક્ક મળવો જોઈએ” પિતાએ કહ્યું. પિતાની વાત સાંભળીને જજ સાહેબે પુત્રને બોલાવ્યો અને કહ્યું, “તમે તમારા પિતાને પૈસા કેમ આપતા નથી? તેમને પૈસા જોઈએ છે.”
“મારા પિતાને પૈસા જોઈએ છે? મારા ડેડ પાસે તો બહુ પૈસા છે એમને વળી પૈસાની શું જરૂર પડી? છતાં ડેડને પૈસા જોઈતા હોય તો તેઓ માંગે તેટલા પૈસા આપવા તૈયાર છું.” પુત્ર બોલ્યા.
“બોલો, વડીલ તમારે દર મહિને કેટલા રૂપિયા જોઈએ છે?” જજ સાહેબે પૂછ્યું.
“દર મહિને મને સો રૂપિયા જોઈએ છે.” પિતાએ કહ્યું.
“ફક્ત સો રૂપિયા માટે તમે કેસ ફાઈ કર્યો?” જજ સાહેબે પૂછ્યું.
“આગળની વાત સાંભળજો જજસાહેબ દર મહિને સો રૂપિયા મારા પુત્રએ પોતાની પત્ની અને પુજ્ઞ સાથે મારા ઘેર આવવાનું અને સાંજનું જમણ સાથે લેવાનું એવી મારી શરત છે. દર મહિનાની એકથી પાંચ તારીખ સુધીમાં સો રૂપિયા લઈને મારો પુત્ર સપરિવાર મારે ત્યાં આવી જવો જોઈએ.” પિતાએ કહ્યું.
“આ કેવી વાત અને કેવી શરત છે ડેડ?” પુત્રએ પૂછ્યું.
“હા, મારો પણ આ જ સવાલ છે.” જજ સાહેબે કહ્યું.
આપણ વાચો: દિલ્હીમાં કમલા પસંદ પાન મસાલાના માલિકના પુત્રવધૂની આત્મહત્યા, જાણો સુસાઇડ નોટમાં શું લખ્યું?
“જજ સાહેબ તમારા બંનેના સવાલના જવાબમાં હું એટલું જણાવીશ કે મારે પૈસાની કંઈ જરૂર નથી. મને મારો પુત્ર બહુ વહાલો છે અને પૌત્ર તો પુત્ર કરતાંયે વધુ વહાલો છે. રૂપિયા કરતા વ્યાજ વધારે વહાલું હોય એ તો સૌ જાણે છે.
પણ મારો પુત્ર હવે મોટો થઈ ગયો છે. સાહેબ બની ગયો છે. ભાઈસાહેબને મને મળવાનો સમય જ રહેતો નથી. જજ સાહેબ તમે માનશો છેલ્લા છ મહિનાથી આ દીકરો અને માબાપને મળવા આવ્યો નથી. એની મા દીકરાની રોજ રાહ જુએ છે.
દીકરાને ભાવતી વાનગીઓ રાંધે છે, પણ છેલ્લી ઘડીએ દીકરાનો ફોન આવી જાય છે કે નહીં આવી શકાય, અગત્યની મીટિંગ આવી ગઈ છે. રજાના દિવસે તે પોતાના પરિવારને લઈને મિત્રો સાથે પિકનીક-પાર્ટી કરે છે પણ મા-બાપને મળવાનો સમય કાઢી શકતો નથી.
તેથી જજ સાહેબ હવે કોર્ટનો ઓર્ડર આપો કે તેણે દર મહિને એકથી પાંચ તારીખ સુધીમાં મને સો રૂપિયા આપવા માટે સપરિવાર મારા ઘરે આવવું.” બોલતા બોલતા પિતાની આંખમાં આંસુ આવી ગયા. પિતાની હાલત જોઈને દીકરો પિતાને ગળે વળગ્યો અને રડી પડ્યો. રડતા રડતા બોલ્યો,” સૉરી, પપ્પા હવે આવું નહીં થાય. મહિનામાં એક નહીં બે-ત્રણ વાર તમને મળવા આવીશ?
આપણ વાચો: ‘ડિપ્રેશન’માંથી બહાર કાઢનાર પતિ પર જ સેલિના જેટલીએ શા માટે કર્યા ગંભીર આરોપ?
સોશ્યલ મીડિયામાં વાંચેલી વાર્તાને થોડા ફેરફાર સાથે મારાં શબ્દોમાં લખી છે. પણ આખીયે વાર્તાનો સાર એ છે કે વૃદ્ધ માતા-પિતાને સંતાનોના પૈસામાં રસ નથી. એમને સંતાન પાસેથી પ્રેમ જોઈએ છે. સંતાનોનું સાંનિધ્ય જોઈ છે.
છેલ્લા બે-ત્રણ હપ્તામાં વડીલોને ઘણાં સલાહ-સૂચન કર્યા છે તો આ વખતે યુવાનોને કાંઈક કહેવું છે. તમારા માતા-પિતા માટે સમય કાઢજો. વૃદ્ધ મા-બાપ હવે બોનસના વર્ષ જીવી રહ્યા છે.
ગમે ત્યારે અલવિદા કરી દેશે. તેઓ જશે ને પછી બહુ અફસોસ થશે. પછી માતાપિતા યાદ આવશે. પસ્તાવો થશે માતાપિતા હતા ત્યારે તેમની સાથે સમય પસાર કર્યો નહીં. તેમની વાતો સાંભળી નહીં.
માતાપિતા બિચારા કેવી રાહ જોઈને બેસતા હતા. તેઓ રહે નહીં ત્યારે પસ્તાવો શું કામનો? અબ પછતાયે ક્યા હોય જબ ચિડિયા ચુગ ગઈ ખેત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માતાપિતાની હાજરીમાં જ એમની સંભાળ રાખો, એમની વાત સાંભળો. તેઓ હશે તો તમારા માથા પર તેમનો પ્રેમાળ હાથ ફરશે. તેમના ગયા પછી કોણ માથે હાથ ફેરવશે? કોણ તમારી રાહ જોશે? કોણ તમારી ચિંતા કરશે?
પુત્રવધૂઓએ પણ એ ધ્યાન રાખવાનું કે પોતાનો પતિ તેના માતાપિતા માટે સમય આપે. મારી એક સહેલી મને પોતાની વાત કરતા કહેતી, “અમે મારા સાસુ-સસરા સાથે રહીએ છીએ. મારા પતિ ઑફિસથી આવીને ફ્રેશ થયા પછી તરત મારા સાસુ-સસરાના રૂમમાં જાય અડધો એક કલાક તેમની સાથે વાતચીત કરે.
તેમની તબિયત વિષે વાત કરે, ડૉક્ટરે શું કહ્યું તે જાણે, સગાં સંબંધીઓ વિષે પૂછપરછ કરે. માતાપિતાને મળ્યા પછી જ તેઓ મારી સાથે વાત કરે:” “તને ખરાબ ન લાગે કે આવીને તરત માબાપ પાસે બેસી જાય છે.” હું પૂછતી.
“ના, રેના જરાય ખરાબ ન લાગે. મને તો બહુ જ ગમે. મારા પતિ જ્યારે તેના માતાપિતા સાથે બેઠાં હોય ત્યારે માતા-પિતાના ચહેરા પર જે સ્મિત હોય છે, બોખા મોઢે જે રીતે હસતા હોય છે તે જોઈને મને તો તેમનામાં ઈશ્વરના દર્શન થાય છે, વળી, એક બીજી વાત કહું? જે માણસ પોતાના માતાપિતાની આટલી દરકાર કરે છે, આટલી સંભાળ રાખે છે તે માણસ પોતાની પત્ની અને બાળકોની પણ દરકાર કરશે જ એટલું ખાત્રીપૂર્વક કહી શકાય.”
આ વાત લખવાનો આશય એટલો જ છે કે દરેક યુવતીએ આ સમજવાનું છે કે પોતાનો પતિ કોઈનો પુત્ર છે. તેના માતાપિતાએ તેને કેટલી તકલીફ વેઠીને ઉછેર્યો છે. તેના માટે કેટલો સમય આપ્યો છે. તો હવે પુત્રની ફરજ છે કે માતાપિતાને સમય આપે, પૈસાની જરૂર હોય તો પૈસા આપે, સંભાળ રાખવાની જરૂર હોય તો સંભાળ રાખે.



