સંધ્યા છાયાઃ પાડોશી છે પરેશાન…

નીલા સંઘવી
‘બચાવો, બચાવો’ની બૂમ સંભળાઈ હેમાલીને. હેમાલી તેની દીકરીને સ્કૂલે જવા માટે તૈયાર કરી રહી હતી. દીવાનખાનામાં બેસીને દીકરીના વાળ ઓળીને ચોટલા બનાવી રહી હતી ત્યાં ‘બચાવો, બચાવો’નો આર્તનાદ સંભળાયો. હેમાલીએ દીકરીને કહ્યું, ‘આ તો ઐયર અંકલનો અવાજ છે, કેમ બૂમો મારી રહ્યા છે કોણ જાણે?’
અવાજ વધતો ચાલ્યો. હેમાલીને લાગ્યું કંઈક થયું છે તેથી દીકરીના ચોટલા વાળવાના પડતા મૂકીને મા-દીકરી બંને દરવાજા તરફ દોડ્યા. દરવાજો ખોલ્યો ને જે દૃશ્ય જોયું તેનાથી બંને સ્તબ્ધ થઈ ગયા. અવાજ સાંભળીને બાજુના ફ્લેટવાળો શાહ પરિવાર પણ બહાર આવી ગયો હતો. બધાં ઐયર અંકલને આ રીતે જોઈને સ્તબ્ધ થઈ ગયાં.
હાઈરાઈઝ ટાવરના 20મા માળના આ ત્રણ પાડોશી. હેમાલીના ઘરની બહાર જે પેસેજ હતો ત્યાં એક બારી હતી. ઐયર અંકલ બારીમાંથી નીચે ઊતરીને 19મા માળના છજ્જા પર ઊભા હતા. બારીમાંથી છજ્જા પર એ કઈ રીતે ઉતર્યા હશે? જો કે ઐયર અંકલ પોણા છ ફૂટ ઊંચા, હટ્ટાકટ્ટા હતા. મિલિટ્રીમાં હતા તેથી તેમને માટે બારીમાંથી છજ્જા ઉપર ઊતરવાનું મુશ્કેલ નહીં હોય.
આ પણ વાંચો: સંધ્યા છાયાઃ વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પણ થવું જોઈએ
બધાએ મળીને વોચમેનને નીચેથી બોલાવ્યા અને માંડ માંડ બારીમાંથી અંકલને ઉપર ખેંચ્યાં. હવે સવાલ એ ઉપસ્થિત થયો કે અંકલ આ રીતે છજ્જા પર ઉતર્યા શા માટે? દેખીતી રીતે જ લાગે કે આત્મહત્યાનો ઈરાદા હશે. જો આત્મહત્યાનો જ ઈરાદો હતો તો પછી ‘બચાવો, બચાવો’ની બૂમો કેમ મારી? હકીકતમાં અંકલ સાથે વાત કરતા ખબર પડી કે આત્મહત્યાને ઈરાદે જ એ ઉતર્યા હતા, પરંતુ છજ્જા પરથી નીચે જોતા તેમની હિંમત ચાલી નહીં અને ગભરાઈ ગયા. થોડા વખતથી ઐયર અંકલ બીમાર રહે છે.
ઐયર અંકલ અને તેમનાં પત્ની બહુમાળી ટાવરના વીસમા માળે રહે છે. એક દીકરો અને દીકરી છે. મિલિટરીમાં કામ કરેલું એટલે શિસ્તના સખત આગ્રહી. તેમને બધું વ્યવસ્થિત જોઈએ. કંઈ આઘુંપાછું, જેમ તેમ ન ચાલે. પોતાના ઘરમાં તો ઠીક 20મે માળના પેસેજમાં પણ કોઈને ચપ્પલ ન રાખવા દે. બાળકોની સાઈકલ પણ ન રાખવા દે. ભૂલેચુકે હેમાલીએ કે શાહ પરિવારનાં બાળકોએ સાઈકલ રાખી હોય તો તેમની બેલ મારીને સાઈકલ ત્યાંથી હટાવવા માટે જણાવે.
કોઈ માને નહીં તો સેક્રેટરીને ફોન કરીને પણ સામાન હટાવીને જ જંપે. નીચે ઊતરે તો વોચમેન સાથે પણ વાતવાતમાં કચકચ કરે. બધાં ઐયર અંકલથી પરેશાન હતા, પણ વડીલ હોવાને કારણે માન જાળવતા. આવો સ્વભાવ હોવાને કારણે તેમનો દીકરો વહુ સાથે ન જ રહે એ તો સમજી શકાય તેવી જ વાત છે.
આ પણ વાંચો: સંધ્યા છાયાઃ `મ’ને લગાડો કાનો (મા) પછી ઈશ્વર પણ લાગશે નાનો!
છેલ્લા થોડા મહિનાથી ઐયર અંકલ માંદા રહે છે. બેલેન્સ નથી જળવાતું અને મગજમાં પણ થોડી તકલીફ છે. આજ સુધી તો સવારમાં વહેલા ઊઠીને ચાલવા જતા. સવારે ચાલવા નીકળે ત્યારે આન્ટીને જોઈતી ચીજવસ્તુ એ લાવી આવે. એકદમ વટમાં હોય. તેમનાથી બધાં ડરે. આન્ટી પણ પતિથી ડરતાં. આવું કરવાની ટેવ તેમને જ્યારથી અંકલ સાથે પરણ્યા ત્યારથી પડી ગઈ હતી એટલે તેમના માટે આ બધું સહજ હતું.
ઐયર અંકલની તબિયત બગડી ત્યારથી મુસીબત થઈ ગઈ-ખાસ કરીને પાડોશીઓને મુસીબત થઈ ગઈ છે. અંકલ કડક સ્વભાવના પણ આન્ટી મીઠા બોલા. મીઠું મીઠું બોલીને બધાં પાસેથી કામ કઢાવવામાં હોશિયાર. હેમાલીના પતિને, ‘તું તો મેરે બેટા જૈસા હૈ કહી કહીને કામ ચીંધી દે.’
હમણાં થોડા દિવસ પહેલાં અંકલ પડી ગયા. બેલેન્સ જળવાતું નથી તેથી પડી જાય છે. તેમને ડોક્ટરે કોઈનો હાથ પકડ્યા વગર ચાલવાની ના પાડી છે. પણ ના, કોઈની વાત માને તો મિલિટ્રીમેન ઐયરનો અહમ ઘવાઈ જાય. તેથી એ ઘરમાં બેડરૂમથી ડ્રોઈંગરૂમ સુધી આંટા મારતા રહે. એક દિવસે એ ઘરમાં પડી ગયા. પડ્યા એટલે આન્ટીએ બંને પાડોશીની બેલ મારી કારણ કે આન્ટી તો આટલા હટ્ટાકટ્ટા માણસને ઊભા કરી શકે તેમ જ ન હતા. બંને ઘરના પુરુષોએ સાથે મળીને માંડ માંડ અંકલને ઊભા કરીને સોફા પર બેસાડ્યા.
આ પણ વાંચો: સંધ્યા છાયાઃ …અને રચાયું એક સાચકલું ‘બાગબાન’
હેમાલીના પતિના હાથનો મસલ ખેંચાઈ ગયો અંકલનું વજન ઊંચકતા. અંકલના દીકરાને ફોન કર્યો કે, ‘તારા પપ્પા પડી ગયા છે’ તો તેણે સામેથી જણાવ્યું કે, ‘પ્લીઝ આપ ફલાણી દવા લેકે પપ્પા કો દે દો ઔર ડોક્ટર કો ફોન કરકે ઘર પે બુલા લો.’ બાપ એનો પડી ગયો છે અને ભાઈ સાહેબ પાડોશીઓને ઓર્ડર કરે છે. છતાં માનવતાને નાતે હેમાલીના પતિએ ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે કહ્યું, ‘હું નહીં આવી શકું, તમે પેશન્ટને લઈને આવી જાવ.
’ડોક્ટરે આમ કહ્યું એટલે હેમાલીના પતિએ ફરીથી અંકલના દીકરાને ફોન કર્યો તો દીકરાએ કહ્યું, ‘મૈં તો આજ આ નહીં સકતા, આપ અપની ગાડીમેં પાપા કો લે જાઓ ડોક્ટર કે પાસ.’ મીઠાબોલા આન્ટી પણ બોલ્યાં, ‘બેટા, લે જા અંકલ કો ડોક્ટર કે પાસ. તું તો મેરે બેટે જૈસા હૈ. બેટા..’ બેટા કરીને હેમાલીના પતિને કલચમાં લઈ લીધો.
આજે ડોક્ટર પાસે જવું એટલે એક-બે કલાક તો કન્સલ્ટિંગમાં વેઈટ કરવું જ પડે. હેમાલીના પતિનો આખો દિવસ બગડ્યો. તે કામ પર જઈ ન શક્યો. તેની જરૂરી મીટિંગ કેન્સલ કરવી પડી. ઉપરથી થોડી થોડી વારે અંકલનો દીકરો ફોન કરી કરીને સલાહ-સૂચન કર્યા કરે. હેમાલી અને એનો પતિ પરેશાન થઈ ગયા.
છાશવારે આવું બનતું રહે છે, પણ માનવતાને નાતે પાડોશીઓ તેમની મદદ કરતા રહે છે. હવે શાહ પરિવાર અને હેમાલીએ અંકલના દીકરાને જણાવી દીધું છે કે, ‘ભાઈ, તારે તારા પિતાનું ધ્યાન રાખવું હોય તો રાખ અમારાથી નહીં થઈ શકે.’
પાડોશી તરીકે પણ માનવતાની એક મર્યાદા તો હોય કે નહીં ?



