પુરુષ

કેટલીક મૂર્ખતાભરી મહેચ્છા…: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી

-શ્ર્વેતા જોષી-અંતાણી

તારાના જીવનમાં બે ઘટના એકસાથે બની. તારાના ઉંબરે તરુણાવસ્થા દસ્તક દેતી હતી ત્યારે વર્ષોથી દુબઈ રહેતા પેરેન્ટ્સે ઈન્ડિયા સ્થાયી થવાનો નિર્ણય લીધો. દુબઈના આલિશાન એપાર્ટમેન્ટની સરખામણીએ અહીંનો ફ્લેટ થોડો જુનવાણી હતો, પણ તારાએ મને-કમને એનો સ્વીકાર કરવો પડ્યો.

બે-ચાર દિવસ નવી જગ્યાએ સેટલ થયા બાદ એક બપોરે સ્કૂલથી પાછા ફરતાં તારાની મુલાકાત સામેની બિલ્ડીંગમાં રહેતી આશ્કા સાથે થાય છે.

બંને એકસરખી ઉંમરના અને એક જ સ્કૂલમાં ભણતા હોવાથી એમની વારંવાર મુલાકાત થવી સ્વાભાવિક હતી. એકદમ સીધી-સાદી એવી આશ્કા માતા-પિતાને શક્ય એટલું મદદરૂપ થવા ઘરમાં જ નાના બાળકોને ટ્યુશન કરાવે. આશ્કા એવી તરુણી છે, જેના ઘરમાં જુનવાણી ઘરેડ આજે પણ જીવંત છે, જ્યારે તારાના રૂંવે-રૂંવે આધુનિકતા છલકાતી. આશ્કા માટે તારા એક સંમોહિત કરનારું જીવન જીવતી યુવતી હતી. તો તારા માટે આશ્કા મધ્યમવર્ગની એક એવી યુવતી હતી કે જેની દેખીતી કોઈ મહત્વાકાંક્ષા નથી.

આ પણ વાંચો: તરુણાવસ્થામાં અમુક બદલાવને સ્વીકારી લો

આમ છતાંય બંને વચ્ચે થોડાઘણાં બહેનપણાં થયાં.

આશ્કા સાથે વાતો કરવાનો તારાને આમ તો કંટાળો આવતો. એમ છતાં તારા દરરોજ આશ્કાને મળવા અચૂક આવતી. દિવસમાં એકાદ આંટો તો એ આશ્કા પાસે મારી જ જાય… નહીં તો આશ્કાને પરાણે બહાર આંટો મારવા લઈ જાય. દેખાવ, સ્વભાવ, જીવનશૈલી કે વિચારસરણી દરેક રીતે બંને ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા હતા તો પણ તારા વારંવાર આશ્કાને મળવા આવતી. કારણકે આશ્કા સાથે એક તો એનો સમય પસાર થઈ જતો. અને બીજુ પોતાની વાતો કરવા અને સાંભળે એવી એક શ્રોતા પણ મળી જાય, જેની પાસે એ પોતાની સાચી-ખોટી ડંફાસ હાંકી શકે.

તારા હાઈ સોસાયટીની રીતભાત મુજબ જીવતી સ્માર્ટ ટીનએજર હતી. આશ્કા એના આવા વ્યક્તિત્વથી સતત અંજાતી રહેતી અને તારા પોતાને આટલું મહત્ત્વ આપે છે એ વાતે ગર્વ પણ અનુભવાતો. ધીમે-ધીમે થાય છે એવું કે આશ્કા દુનિયાદારીની બાબતોમાં તારાને પોતાની ગુરુ માનવા લાગે છે.

આશ્કા સતત તારા પાસે એની અગાઉની સ્કૂલ, મિત્રો, દુબઈની લાઈફ, મોર્ડન મા-બાપ સાથે હરવા-ફરવાના અવનવા કિસ્સાઓ સાંભળતી રહેતી. થોડા સમયમાં આશ્કાને પોતાનું નીરસ જીવન વધુ રસ વગરનું લાગવા લાગ્યું. એના મમ્મી-પપ્પા બંને નોકરી કરતાં. રોજ થાકીને ઘેર આવે. ક્યારેક જમતાવેંત ઊંઘી જાય તો ક્યારેક ખર્ચનો હિસાબ માંડે,પણ તારાના પેરેન્ટ્સ માફક બધા સાથે બેસી ગામ ગપાટાં મારવાનો અહીં ના તો સમય હતો ને ન તો સગવડ. અરે, આશ્કાને તો એમની સાથે કોઈ સંવાદ સાધવાનો પણ મોકો મળતો નહી. સવારે ઊઠી સ્કૂલ જવું, ઘરનું કામકાજ કરવું ને બાળકોને ભણાવવા. પછી સાંજે મમ્મી આવે એની રાહ જોતાં બેસી રહેવું એ એનું રૂટિન.

આ પણ વાંચો: તમારા તરુણ સંતાનને સમજાવો સત્ય-અસત્યનો ખરો ભેદ

તરુણાવસ્થા એક એવી ઉંમર છે, જેમાં એકબીજાની નકલ કરવા, દંભને દેખાડો કરવા તરુણો તલપાપડ રહેતા હોય છે. પોતાની પાસે જે છે એની કદર કર્યા વગર જે નથી એ મેળવવા હવાતિયા મારવા એ આ ઉંમરની નિશાની છે.

અહીં તારાના પ્રભાવ હેઠળ આશ્કામાં બદલાવ આવવાની શરૂઆત થાય છે. એને પણ નવી ફેશન પ્રમાણે કપડાં પહેરવા છે. સ્માર્ટ લુક આવે એમ વાળ કપાવવા છે. તારાની માફક છોકરાઓ સાથે મિત્રતા સાધવી છે.અવનવા કાફે અને રેસ્ટોરાંમાં હેંગ આઉટ કરવું છે.

તારા ફાઈવ સ્ટાર હોટલમાં કેમ વર્તવું એની મેનર્સ આશ્કાને શીખવે છે. સામેવાળાને ઈમ્પ્રેસ કરવાના બધા જ ઉપાય તારા પાસે છે. બીજી તરફ, આશ્કા તો સાવ ભોટ, ફાંકડું અંગ્રેજી બોલતા ના આવડે, ડ્રેસિંગ સેન્સ પણ સાવ દેશી. તારા પાસે આ બધાનો જુગાડ છે. એ ધીમે-ધીમે આશ્કાને એવી રીતે તૈયાર કરતી જાય છે કે અંતે આશ્કા પાસે માત્ર શરીર પોતાનું રહી જાય છે. અંદર આત્મા તો જાણે તારાનો જ વસી ચૂક્યો છે.

આ પણ વાંચો: ટીનેજર્સ બળવાખોર કેમ બની જાય છે?

સમય જતાં આશ્કાએ ટ્યુશન કરાવવાના બંધ કરી દીધા. ઘરખર્ચના પૈસામાંથી એ તારા જેવી દેખાવાની કોશિશ કરવા લાગી. નેઈલ આર્ટ કરાવવું, પાર્લરમાં જવું, મેકઅપ કિટ્સ ખરીદવી, છાશવારે પાર્ટી કરવી એ બધું આશ્કાના જીવનનો પર્યાય બનવા લાગ્યા. આશ્કાનું એક સરસ મજાનું સરળ વ્યક્તિત્વ હતું. લોકો એની સમજદારીના વખાણ કરતાં, મા-બાપ દીકરી કેટલી ડાહી છે એ વિચારે સંતોષ અનુભવતા, શિક્ષકો આશ્કાના મહેનતું સ્વભાવને બિરદાવતા.

હવે એ બધું જ ધીમે, ધીમે આશ્કાના જીવનથી દૂર થવા લાગ્યું હતું. આશ્કા બિન્દાસ્ત રીતે મોજમજા કરતી. ‘તારા છે એ બધું સંભાળી લેશે’ એવો વિશ્વાસ પણ ખરો.

કોઈની જિંદગી બહારથી જેવી દેખાતી હોય એવી જ અંદરથી હોય એ જરૂરી નથી હોતું. પોતાની ઈચ્છાઓને અન્યોના જીવન મુજબ પાંખો આપવી એ નરી મૂર્ખાય છે. આવી મૂર્ખામી ટીનએજર્સ વારંવાર કરતા હોય છે. આશ્કાએ પણ એ મૂર્ખામી કરી. તારા પોતાની જીવનશૈલી અંગે જે કહે છે એ ખરેખર સાચું છે કે નહીં એ જાણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નહીં. તારા એની પાસેથી ઉછીના પૈસા માંગવા લાગેલી. તારાની વ્હાલી રહેવા આશ્કા ભાઈની ફી માટે બચાવેલા પૈસા ધીમે-ધીમે એને આપવા લાગી એ વિચારે કે, તારા તો ખૂબ પૈસાદાર છે. હંમણાં પાછા આપી દેશે, પણ એવું કંઈ થયું નહી. તારાએ નાદારી નોંધાવી. ઘરમાં ખબર પડી. આશ્કાની મમ્મીએ પોક મુકી ‘અરે મૂર્ખી, એ લોકો પાસે કાણો રૂપિયો બચ્યો નથી. એટલે તો દુબઈ છોડી અહીં રહેવા આવ્યા છે. તને લાગે છે એટલા પૈસા જો હોય એની પાસે તો અહીં આવા ફ્લેટ્સમાં રહે?’

આ પણ વાંચો: અણસમજનું ઈનામ

મમ્મીના રડમસ અવાજે પૂછાયેલા પ્રશ્નથી આશ્કાની આંખો ખૂલી. એના પસ્તાવાનો પાર રહ્યો નહીં. હવે શું થાય? પોતે કરેલી ભૂલોની સજા તો ભોગવવી રહી. મોટી થઈ રહેલી દીકરીને મા-બાપ વધુ શું કહે? સહુ કોચવાતા મને બેસી રહ્યા.
જોકે, આ ઘટના પછી એક વાત સારી બની. બીજા દિવસ સવારથી આશ્કા ફરી એ જૂની આશ્કા બની ગઈ, જે સાદગી અને સહજતા ભરેલી તરુણી હતી. કદાચ સ્વાનુભવે આ વખતે સમજદારીનું વધુ એક પીંછુ એના વ્યક્તિત્વમાં ઉમેરી દીધું હતું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button