મુખ્બિરે ઈસ્લામઃ એક સાચા મુસલમાનની વ્યાખ્યા

અનવર વલિયાણી
મુસલમાન મોમીન' ક્યારે કહેવાય છે? બેશક! જેણે આ કલમો પઢ્યો:
લાઈલાહ ઈલ્લલાહ મુહમ્મદુર્ર રસૂલલ્લાહ’ અલ્લાહ એક છે અને તેના રસૂલ (અલ્લાહના દૂત) પયગંબર (સંદેશવાહક) હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (અલ્લાહ આપને તથા આપના કુટુંબીજનો-વંશજો પર પોતાની શુભેચ્છા-આશીર્વાદ મોકલે અને શાંતિ અર્પે) જેના પર એટલે કે આ કલમા પર ઈમાન લાવનાર એક મોમીન સાચા અર્થમાં ચુસ્ત-ઈમાનદાર મુસલમાન કહેવાય છે.
સૃષ્ટિના મહાન સર્જનહાર એક માત્ર અલ્લાહ પર ભરોસો રાખનાર બંદો મુસીબતના સમયે બેબાકળો બની જાય અને અહીંતહીં ફાંફાં મારે તેને અલ્લાહ પસંદ કરતો નથી. કટોકટીના સમયે સબ્ર ધારણ કરે અને તેની પાસે આજીજીથી દુઆ માગતો રહે તો તે રહેમાન (દયા કરનાર), રહીમ (દયા કરનાર), કરીમ (દયાળુ, ઉદાર) છે, વહેલામોડે જરૂર સાંભળે છે.
આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ સેતાન કરતાં પણ વધુ બેશરમ લોકો દુનિયામાં મૌજૂદ
વ્હાલા વાચક મિત્રો! અલ્લાહ તઆલા મોમીનની દુઆઓને માન્ય રાખે તે માટે આ લખનારના અભ્યાસ મુજબ કેટલીક શરતોનું પાલન કરવું આવશ્યક બની રહેવા પામે છે: પ્રથમ તો જીભને દિલનો સહયોગ તથા સમર્થન દુઆને વધુ અસરકારક બનાવતી હોઈને અલ્લાહ તઆલાની ઓળખ અને તેના પ્રત્યેની અડગ આસ્થા, શ્રદ્ધા એ દુઆનું મુખ્ય પાસુ છે.
માગણીઓ કે સુખદ ભાવિની ઈચ્છાઓ પછી તે નાની હોય કે મોટી, તેને પૂરી કરનાર એક માત્ર રબતઆલા જ છે અને જો એ માગણી પૂર્ણ થતી નથી અથવા અંશત પૂરી થાય છે, તો એમાં અલ્લાહ તઆલાનો કોઈ ભેદ, કોઈ સંકેત, ઈબ્રત (બોધ) સંતાયેલો હોય છે. પણ માણસ અધૂરિયો છે, તેને જરાય થોભવું નથી, રાહ જોવી નથી.
આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : જેવો આહાર તેવો ઓડકાર, જેવી નિયત તેવી બરકત: નેક માર્ગે કમાયેલી દૌલત ઈબાદતનો જ એક ભાગ
તેની માગણી જો સત્વરે પૂર્ણ થતી નથી તો તે અલ્લાહ સામે ફરિયાદ કરવા લાગી જાય છે, પણ એ એટલું સમજતો નથી કે આ શિકવા-શિકાયત કરવી યોગ્ય નથી સહી સમયે જ દુઆ કબૂલ થવામાં માગણી કરનારની જ ભલાઈ છે, અને એટલે જ અફર આસ્થા-શ્રદ્ધા એ દુઆની રૂહ (આત્મા) છે.
વીતેલા જીવનમાં આચરાયેલાં ગુનાહિત કૃત્યો તે થયેલી ભૂલો બદલ પશ્ચાત્તાપની લાગણી અને ફરીથી એવું ન કરવાની પ્રતિજ્ઞા સાથે એનું પાલન કરવાનું સમજભાન તેમજ અલ્લાહની અનેકવિધ બક્ષીઓના ભોગવટા બદલ આભાર પ્રદર્શિત કરવાની નૈતિક ફરજ એ દુઆની આધારશિલાઓ છે.
નિર્મળતા, નમ્રતા અને એકાગ્રતા દુઆને ધારદાર અને અસરકારક બનાવે છે. દુઆનો આરંભ અલ્લાહની મહાનતાને લક્ષે લઈ તેની પ્રશંસા સાથે કરવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળી. વળી, એમ કરવામાં પયગંબરીનું અનુસરણ સમાયેલું છે અને અદબ તથા શિષ્ટાચાર પણ મોમિનને એજ સૂચવે છે.
આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : સ્વાર્થ ઈન્સાનમાં રહેલી પશુવૃત્તિ: ઉન આંખો કા હસના ભી કયા, જિન આંખો મેં પાની ના હો
દુઆમાં ઔપચારિકતાનું તત્ત્વ હોવું જોઈએ નહીં. કારણ કે અખૂટ શ્રદ્ધા, નમ્રતા અને આંખોની ભીનાશ સાથે ગદ્ગદ્ કંઠે ઉચ્ચારાયેલી દુઆ જ અલ્લાહના અસીમ કૃપાસાગરને સાથે મજબૂત સંપર્ક-સેતુ રચી તે દ્વારા દુઆ કરવાની સદ્બુદ્ધિ ધરાવનારને જે રીતે છીપ મોતીને સાચવે છે એ રીતે દયાળુ અલ્લાહની કૃપાઓ સુરક્ષિત રાખે છે. પાક પરવરદિગાર મોમીનબંદાની દુઆઓને મંજૂર રાખે એ માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે: દુઆ કબૂલ થાય એ માટે એટલું યકીન રાખે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે. રબ અંતરયામી છે. તેને સર્વવિદિત હોય છે.
બાહ્ય અને આંતરિક વર્તનમાં વિરોધાભાસ હોય, કમાણીમાં હરામનું તત્ત્વ ભળી ગયું હોય, કપડાં સ્વચ્છ હોય પણ હરામની કમાણીમાંથી બનાવેલા હોય, દુઆ કે બંદગી માટેની જગ્યા પચાવી પાડેલી હોય અને સમય પણ બીજા કોઈનો હોય તેવા સંજોગોમાં દુઆ કબૂલ થવાની આશા ઠગારી નીવડશે.
આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!
એજ પ્રમાણે દુઆ માગનારે અલ્લાહ સમીપ અંતરની નિર્મળતા, શરીરની પવિત્રતા, નમ્રતા, એકાગ્રતા સાથે ધ્યાનમગ્ન થવું જોઈએ અને પોતાના તકલાદી જીવનની મર્યાદા સાથે અલ્લાહની વિશાળતાનો ખ્યાલ કરીને એની ઓળખનું સંપાદન કરી, વધુથી વધુ પ્રમાણમાં પ્રશંસા કરવી જોઈએ અને ત્યારબાદ પોતાની જાઈઝ અર્થાત હક, સત્યના માર્ગે ઈચ્છાને રજૂ કરવી જોઈએ.
પવિત્ર કુરાનમાં દુઆ વિશે જગતકર્તા કહે છે કે, તમે મારી પાસે માગો હું જરૂર તે કબૂલ કરીશ. (માશાલ્લાહ: ઈશ્વર, અલ્લાહ મહાન છે)
સાપ્તાહિક સંદેશ:
ભૂખ્યું પેટ લૂખી રોટલીથી ભરાઈ શકે પણ ભૂખ નજર આખી દુનિયાના દૌલતથી પણ ધરાતી નથી.