મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!

- અનવર વલિયાણી
એક જાણીતી કહેવત છે કે, ‘દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા…!’
- આ કલામ-વાક્યને સાર્થક કરતો ઈસ્લામી શાસન સમયનો એક પ્રસંગ આજના નયા દૌરમાં પણ જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર બની રહેવા પામે છે:
- ખિલાફત-સત્તાસ્થાને નેક દિલ સિરાજુદૌલા બિરાજમાન હતા.
- બાદશાહ નગર ચર્યા માટે રોજ જે માર્ગ પરથી આવજા કરતા હતા, ત્યાં રસ્તામાં બે ફકીરો (ભિક્ષુકો) કિનારે બેસતા અને આ પ્રમાણેની સદા-પુકાર લગાવતા:
- એક ભિક્ષુક કહેતો ‘જે આપશે તે મૌલા આપશે’
- જ્યારે બીજો ભિક્ષુક પુકાર લગાવતો કે, ‘જે આપશે સિરાજુદૌલા આપશે…!
શહેનશાહ સિરાજુદૌલાએ પોતાના ખાસ સેવકોને હુકમ આપ્યો કે, બે મોટા તરબૂચ (કલિંગર) મંગાવો.
- જેમાં એક તરબૂચમાં કાપીને અંદર સોનાની અશરફી (સિક્કા)ઓ ભરી દો અને એ તરબૂચને એવી રીતે બંધ કરી દો કે કોઈને એની જાણ સુધ્ધાં થાય નહીં અને બીજા તરબૂચને જેમ છે તેમજ પ્રમાણે-આખેઆખું રહેવા દો.
- સેવકોએ બાદશાહ સિરાજુદૌલાના હુકમનું પાલન કર્યું.
- બીજા દિવસે શહેનશાહ પોતાના કાફલા સાથે તે રસ્તેથી પસાર થયો તો બંને ભિક્ષુકો રાબેતા મુજબ સદા લગાવી રહ્યા હતા. જે ફકીર એમ સદા લગાવી રહ્યો હતો, ‘જે આપશે સિરાજુદૌલા આપશે.’ બાદશાહે તેને અશરફીઓ ભરેલું તરબૂચ આપ્યું અને બીજું સાબુત તરબૂચ ‘જે આપશે મૌલા આપશે’ની સદા લગાવનાર ફકીરને આપ્યું.
બાદશાહનો કાફલો ત્યાંથી રવાના થઈ ગયો.
બંને ફકીરો એકબીજા સાથે વાતો વળગ્યા. જેને સોનાની અશરફીઓ ભરેલ તરબૂચ આપ્યું હતું તે પોતાના સાથી ભિક્ષુકને કહેવા લાગ્યો, ‘આટલો મોટો નામચીન બાદશાહ અને ખેરાત (દાને)માં ફક્ત એક તરબૂચ બસ?’
બીજા ફકીરે કહ્યું, ‘ભાઈ! જે મળ્યું તેમાં અલ્લાહનો શુકર કર! ભાઈ એમ કર; એ તરબૂચ તમને ના જોઈતું હોય તો મને આપી દો. તમારો ઘણો ઉપકાર થશે. તેણે પણ કહ્યું કે મારું દિલ આમ પણ ખાટું પડી ગયું છે, આવડો મોટો બાદશાહ અને ખેતરમાં એક અશરફીનું તરબૂચ એમ કર ભાઈ! આ તરબૂચ તું લઈ લે.
બીજો ફકીર બંને તરબૂચ લઈને પોતાના રહેઠાણે ગયો. છરી લઈને તરબૂચ કાપવા બેઠો. એક તરબૂચ કાપતા તેમાંથી સોનાની અશરફીઓ નીકળી. ફકીરે બંને હાથ ઉઠાવી અલ્લાહતઆલાનો શુક્રિયા (આભાર પ્રદર્શિત) અદા કર્યો. કહેવા લાગ્યો- મેં મૌલા તઆલાથી માગ્યું, મૌલા તઆલાએ મને ગની (ચિંતામુક્તિ) કરી દીધો. હે અલ્લાહ! મારી પાસે શબ્દો નથી, કયા અલ્ફાઝ (શબ્દો)થી ત્યારે શુક્રિયા અદા કરું. હે અલ્લાહ! મારા તૂટેલા શબ્દો દ્વારા તારો શુક્રિયા અદા કરું છું. તું કબૂલ ફરમાવ.
કહેવાની જરૂર નથી કે હવે તેને ભીખ માગવાની જરૂરત ન રહી. કેમ કે તે માલદાર (શ્રીમંત) થઈ ગયો હતો.
બીજા દિવસે સિરાજુદૌલા પોતાના કાફલા સાથે પસાર થયો તો તેણે જોયું કે ફકીર તે જગ્યાએ હાજર હતો. તેણે સદા લગાવી, ‘જે આપશે સિરાજુદૌલા આપશે.’ બીજો ફકીર ત્યાં નહોતો. બાદશાહે તે ફકીરને કહ્યું, ‘મેં તને સોનાની અશરફીઓ ભરેલું તરબૂચ આપ્યું હતું. હવે ભિક્ષા કેમ માગે છે?’
ફકીરે કહ્યું, બાદશાહ સલામત! તે તરબૂચ તો મેં મારા સાથી ફકીરને આપી દીધું.
બાદશાહ સલામતે કહ્યું, એ ફકીર અલ્લાહ તઆલાથી માગતો હતો, રબતઆલાએ તેને માલદાર (શ્રીમંત) બનાવી દીધો.
દરિયાના મોતી:
માગો તો ફક્ત રબતઆલાથી જ. તે કોઈ પણ સ્વરૂપે આવી હાજતમંદની ઈચ્છા પુરી કરે છે. બહાનું ભલે કોઈ પણ હોય, આપનારો અલ્લાહ છે.
સનાતન સત્ય:
- અલ્લાહ પર ભરોસો અર્થાત્ વિશ્ર્વાસ કરે છે અને અલ્લાહ પર તવકકુલ (શ્રદ્ધાપૂર્વક ભરોસો) રાખે છે તે કામિયાબ થાય છે.
આપણ વાંચો: બાળક ના થવા માટે જવાબદાર કોણ?
પથ્થર કી લકિર:
આપણી ઈચ્છાઓથી વધારે ખૂબસૂરત અલ્લાહતઆલાની યોજના હોય છે.
- હઝરત અલી સાહેબ કહે છે કે
- ઈન્સાનના દિલમાં લોકોની જરૂરત અને લોકોથી બેપરવાહીના એમ બંને અવસ્થામાં બંધ બેસે એવા ગુણ હોવા જોઈએ.
- જરૂરતનો દેખાવ નરમાશ અને મિઠાશભર્યું હોવું જોઈએ અને તે ત્યાં સુધી કે લોકો એ સમજે કે તમને તેઓની જરૂર છે.
- તમારી લોકો પ્રત્યેની બેપરવાહીનું દર્શન પોતાની ઈચ્છિત ઈજ્જત-આબરૂની હિફાઝત (રક્ષણ) અને સ્વમાન સાચવણીની જાળવણી કાજે હોવું આવશ્યક છે.
- જે વ્યક્તિ પોતાના જીવનની જરૂરતો પર સંતોષ કેળવે અર્થાત્ કાપ મૂકે તો તેના માટે થોડી જેટલી દુનિયા પણ પૂરતી રહેશે અને જે પોતાની જરૂરતો પર સંતોષ નહીં કરે તો દુનિયાની કોઈ પણ વસ્તુ તેને માટે પૂરતી નહીં બને.
- એક શખસે ઈમામ જાફરે સાદ્કિ (રદ્.િ અન્હોની) મજલીસ (ધાર્મિક વ્યાખ્યાન)માં ઉપસ્થિત થઈ પોતાની લાલચની શિકાય કરી, અરજ વ્યક્ત કરી કે, ‘યા મૌલા! મારી સ્થિતિ એ છે કે હું રોજી શોધું છું તો આજીવિકા (રોજગાર) તો મળી જાય છે પણ સંતોષ થતો નથી અને મન એનાથી પણ વધુ માગણી કરતું રહે છે. આપ હઝરત મને માર્ગદર્શન આપો કે જેથી મારામાં સંતોષની લાગણી જન્મે.’
- ઈમામે કહ્યું કે, જે જરૂરત મુજબ રોજી મળવાથી તારો નિર્વાહ થઈ શકતો હોય તો તેનાથી ઓછી રોજીમાં પણ તારો ગુજારો થઈ શકે છે અને જો જરૂરત પ્રમાણે રોજી મળવાથી તારો નિર્વાહ થતો નથી તો દુનિયાની સંપૂર્ણ રોજી હાંસલ કર્યા પછી પણ તારો ગુજારો નહીં થાય.
- ‘જો કોઈ શખસ એમ ઈચ્છતો હોય કે તે અલ્લાહથી જે પણ ચીજ-વસ્તુની માગણી કરે, અલ્લાહ તેને પૂરી કરી દે, તો પોતાને લોકોથી નિરાશ કરી દે. બંદો અલ્લાહ સિવાય કોઈથી પણ પોતાની ઉમ્મીદ (આશા-અપેક્ષા) ન જોડે. જો ખુદાએ બંદાના દિલની સચ્ચાઈ જાણી લીધી તો તે અલ્લાહથી જે માગશે અલ્લાહ તે તેને પ્રદાન કરશે.’ આપે ફરમામાવ્યું કે, ‘લોકોથી પોતાની જરૂરતોની માગણી કરવી સ્વમાનનું ખંડન થવાનું કારણ અને શરમ સાથે તબાહ (બરબાદ) થઈ જવાનું કારણ છે અને તેના થતા લાલચ દરવખતની ગરીબી છે.’
- બોધ: લોકોના માલથી ઉમ્મીદ (આશા-અપેક્ષા) રાખવી જોઈએ નહીં અને આ બાબત જાન અને માલની સખાવતથી પણ વધારે બહેતર (શ્રેષ્ઠ) વાત લેખાશે. ઉપરાંત તંગદસ્તી (જરૂરત કરતા પણ ઓછું મળવું) પાકિઝા (પવિત્રતા)ની સાથે અલ્લાહ પર એતબાર (વિશ્ર્વાસ, ભરોસો) બંદાની શ્રેષ્ઠ નિશાની છે.
- સત્ય: ઈસ્લામના અંતિમ પયગંબર હઝરત મહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ્ (સ.અ.વ.) ફરમાવે છે કે, ‘તમે એવા આલિમે દિન (ધર્મ અંગેનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હોય તેને ‘આલિમે દિન કહે છે)થી નજીક રહો જેથી તમને તે બાબત પાંચ ચીજોથી દૂર રાખશે અને પાંચ ચીજોને તમારાથી નજીક લાવશે. આ પાંચ ચીજોની સૂચિ અનુક્રમે આ મુજબ છે:
- 1- શંકા-કુશંકાઓને દૂર કરી બંદાને યકિન (શ્રદ્ધા, વિશ્ર્વાસ, ભરોસો) સુધી લઈ જાય.0
- 2- ઘમંડ, અભિમાનથી દૂર કરીને નમ્રતા, નિખાલસતા અને સભ્યતાની નજીક લાવશે.
- 3- રિયાકારી એટલે કે આડંબર, દંભ, અભિમાનથી દૂર રાખી ખુલુસ એટલે કે શુભનિષ્ઠા તરફ બોલાવશે.
- 4- બુગ્ઝ એટલે કે લોકોથી વેર, શત્રુતા અને દ્વેષ રાખવાથી દૂર રાખશે, રોકશે તથા અલ્લાહતઆલા (ઈશ્ર્વર)ની ખયરખ્વાહી (ભલાઈ) તરફ પ્રેરશે અને
- 5- દુનિયાની એકતરફી મહોબ્બતથી રોકશે અને સમર્પણ, સદાચાર, સત્યતા પરહેઝગારી (સંયમ) તરફ લઈ જશે.
- સાપ્તાહિક સંદેશ:
- બાદશાહનો અર્થ રાજા, શાસનકર્તા, સત્તાધીશ થાય છે અને તે આદિલ અર્થાત્ ન્યાયી હોય કે ઝાલિમ-અત્યાચારી! તેના દિલમાં પણ જગતકર્તા અલ્લાહે રોશની પેદા કરી છે. – અલ-હદીસ